અધ્યાય:12 અને તેર//ગીતા એટલે…

તેરમો  અધ્યાય

ભગવદ્ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ

ઇશ્વરની સાક્ષીએ અને જગતના સંદર્ભમાં

ગીતાના તેર્મા અધ્યાયનો પ્રારંભ ખૂબ જ વિશિષ્ટ છે.ગીતાના પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકના પહેલા બે શબ્દો, એ પણ આના સદર્ભ્માં જોવા જેવા છે. આ પહેલા બે શબ્દો તે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર. અંગ્રેજીમાં તે શબ્દો છે ફીલ્ડ અને બૅટલફીલ્ડ. આ આપણું શરીર એ ધર્મનું ક્ષેત્ર પણ છે અને આપણે જ આપણી યુધ્ધભૂમિ, આપણું કુરુક્ષેત્ર છીએ. કૃષ્ણ હવે કહે છે કે આપણું શરીર એક ક્ષેત્ર છે. ક્ષેત્રનો અર્થ ખેતર થાય. આ શરીરની ભીતર જે પરમાત્મા છે એ ક્ષેત્રજ્ઞ છે. અહીં ક્ષેત્રજ્ઞ નો અર્થ કેવળ શરીરને જાણનારો નહિ પણ આપણા સૌના શરીરમાં વસેલો આત્માપરમ આત્માપરમાત્મા. કૃષ્ણ ક્રમશઃ પોતાના પ્રિય મિત્રને પોતાનો ઊંડો પરિચય આપે છે, સામાન્ય રીતે માણસો પાસેઅંગત મિત્રો પાસે પણ સપાટી પરના જ પરિચય હોય છે. કૃષ્ણ  પોતાને તમામ ક્ષેત્રના ક્ષેત્રજ્ઞ તરીકે ઓળખાવે છે અને એ સ્વયં જ્ઞાન છે. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે ઘણું કહેવાયું છે.વેદોમાં, બ્રહ્મસૂત્રોમાં ઋષિઓએ પણ આના વિશે માંડીને વાત કરી છે. આપણા શરીરમાં અનેક વિકારો હોય છે.પણ બધા વિશે કૃષ્ણ નથી કહેતા. સંક્ષેપમાં જે કહેવાનું છે તે જ કહે છે. આપણા શરીરમાં એકત્રીસ વિકારો છે. મૂળ તો આપણું શરીર, પંચતત્ત્વથી બનેલું છેઅગ્નિ, જળ, પૃથ્વી, વાયુ અને આકાશ. અહંકાર, બુધ્ધિ, પ્રકૃતિ, દશ ઇન્દ્રિયો, મન, પાંચ શબ્દાદિ વિષયો ઇન્દ્રિયોમાં; ઇચ્છા, ધિક્કાર, સુખ, દુઃખ, ચેતના, ધૃતિ…. શરીરમાંઆ બધું હળેલું ભળેલું હોય, આપણી કેટ્લીય વૃત્તિઓ આપણા શરીર અને મન સાથે સંકળાયેલી હોય ત્યારે માણસે પોતાને પામવા માટે અને એ દ્વારા પરમેશ્વરને જાણવા-માણવા માટે કઇ રીતે જીવી જવું જોઇએ એનો સંકેત આપે છે. આપણે મોટા ભાગના માણસો માન, અપમાન, સ્વમાન ઇત્યાદિના સાચા-ખોટા ખ્યાલથી પીડાતા હોઇએ છીએ અને સામાને પીડતા હોઇએ છીએ.એક વાર કોઇક તરફથી હડહડતું અપમાન લાગ્યું એટલે એના પ્રત્યાઘાતરૂપે આપણે વેર લેવાની વૃત્તિથી સામાનું અપમાન પણ કરતા હોઇએ છીએ.શ્રીધરાણીની એક પંક્તિ યાદ આવે છે: માન તમારે હાથ ન સોંપ્યું, કેમ કરી અપમાનશો?કોઇક્ની ઉક્તિ યાદ આવે છે કે જે મફતમાં મળે છે એને કોઇ ખરીદી શકતું નથી. માણસે અ-મન અને અ-માનની ભૂમિકા પર રહેવું જોઇએ. આપણો જ કોઠો અમૃતનો હોય તો કોઇકનું ઝેર સ્પર્શે નહિ. અમાનિત્વની ભૂમિકા એમનેમ નથી આવતી. નિર્દંભ થવું જોઇએ. ક્યારેક આપણે આપણને પૂછવા જેવો પ્રશ્ન આછે: ક્યાં લગી આમ ને આમ આ વહી જશે જિંદગીક્યાં લગી દંભના દોર પર નાચતા નટ અમે, સંતના સ્વાંગમાં શોભતા શઠ અમે. આ બધાનો ક્યાંક તો અંત આવવો જોઇએને? અહિંસા, ઋજુતા,ક્ષમા, શુચિતા, ગુરુસેવા,સ્થિરતા, આત્મસંયમ  અને સંસારના કોઇ પણ વિષયનો રાગ નહિ પણ નર્યો વૈરાગ એ જ મહત્ત્વની વસ્તુ છે. માણસનો સાચો પુરુષાર્થ એને ત્યાગી બનાવે છે.પણ ત્યાગની દીક્ષા આત્માને એમનેમ પ્રાપ્ત નથી થતી.માણસે અહંકાર શૂન્ય થવું જોઇએ. આપણો અહંકાર તો જ્યાં ને ત્યાં ડોકાં કાઢતો હોય અને ગમે ત્યારે ડોકિયાં કરતો હોય તો પછી કોઇ આરોઓવારો નથી. જન્મ-મૃત્યુ, જરા-વ્યાધિના દુઃખના ચકરાવામાંથી મુક્ત થવું હોય અને મોક્ષ મેળવવો હોય તો કર્મ પ્રત્યે અનાસક્તિ હોવી જોઇએ. ગાંધીજીએ અનાસક્તિની વાતને બરાબર પકડી લીધી છે.સંસારમાં રહીને કર્મયોગીસાધુ કેમ થવાય એનું જ્વલંત ઉદાહરણ ગાંધીજી છે. નાનામાં કામમાં પૂરા લિપ્ત. પણ આમ જુઓ તો તદ્દન અલિપ્ત. ઇંવૉલ્વમેંટ અને ઇવૉલ્વમેંટ એકસાથે. જે બધું જ પામી ગયો છે એ જીવ ઇષ્ટ કે અનિષ્ટ હોય, સાનુકૂળ કે પ્રતિકૂળ  હોય પણ એ સમત્વ ધારણ કરીને બેઠો છે. ચિત્તની આ ભૂમિકા વિરલ છે. હરખનો કેફ નહિ અને મુશ્કેલીમાં રોદણાં નહિ. કોઇ પણ પરિસ્થિતિ હોય એનું મનતો ભકતિમાં એકાગ્ર હોય, અચળ અને અવિચળ હોય. આને જ ઇશ્વર સાથેનો યોગ કહેવાય. એ લોકોના ટોળામાં ટોળું થઇ જતો નથી અને પોતાના એકાંતનું જતન કરતો હોય. સતનું સાતત્ય હોય એને સંત કહેવાય, અધ્યાત્મજ્ઞાની કહેવાય. આના સિવાયનું જે કંઇ અવળું હોય એ અજ્ઞાન જ છે. એક એવી પણ અવસ્થા  આવે છે કે  જયારે માણસ સત અને અસતથી પણ પાર થઇ જાય છે. જેનો દિવ્ય અવતાર છે એના હાથ અને પગ સર્વ દિશાઓમાં હોય છે. સર્વ દિશાઓમાં હોય છે એનાં નેત્ર અને કાન. એ સર્વતોમુખી કહેવાય છે. એ એકાંગી નથી પણ સર્વાંગી છે. એને દેહ છે છતાંય વિદેહી છે. ઇન્દ્રિય છે અને છતાંય એની ઇન્દ્રિયો નથી.સંગમાં પણ એ નિસંગનો અનુભવ કરે છે. એ ત્રણેય ગુણો  હોવા ચાતાં નિર્ગુણ છે. એ બધામાં છે અને બધાની બહાર પણ છે. એ સ્થાવર અને જંગમ બન્ને છે. એ સૂક્ષ્મ છે અને ખૂબ દૂર હોવા છતાંય નજીક છે. એ પોતે અવિભક્ત છે અને છતાંય એ વિભક્ત હોય એવી રીતે એનો આવિષ્કાર છે. એ સ્વયં જ્યોતિ છે અથવા જ્યોતિંનીયે જ્યોતિ છે. અંધકારની પર અને પાર છે. મારા ભક્તો મારારૂપમાં  એનો સાક્ષાત્કાર કરી શકે છે. આ બધા વિકારો ને ગુણો પ્રગટે છે પ્રકૃતિમાંથી. આ પ્રકૃતિને કારણે એના જન્મમરણના ફેરા છે. પણ જે માણસ જીવ અને પ્રકૃતિ ને બરાક્બર ઓળ્ખી જાય છે અને પોતાની બહાર નહિ પણ પોતાની ભીતર જ પરમાત્માને જે પામી શકે છે એ અનન્ય છે. કોઇ ધ્યાનથી પામે છે, કોઇ જ્ઞાનથી પામે, કોઇ કર્મયોગથી, કોઇ નર્યા ભક્તિભાવથી, કોઇ ગુરુ પ્રત્યેની શ્રધ્ધાથી આ સંસાર તરી જાય છે. એ સમજે છે કે બધું જ નાશવંત છે, વિનાશી છે. અવિનાશી એક ઇશ્વર જ છે. આવો માણસ પળે પળે અને સ્થળે સ્થળે ઇશ્વરને જ જોતો હોય છે. અહીં ઇશાવાસ્યમ્  ઇદં  સર્વમ્ નો  ખ્યાલ આવે છે. ઇશ્વર દેહમાં વસે છે અને છતાંય અવિનાશી છે કારણ કે એ અનાદિ અને નિર્ગુણ છે. આકાશમાં વાદળાંઓ હોય છે, પણ વાદળાંથી આકાશ લિપ્ત થતું નથી. આંખમાં આવે એટલું જ આકાશ નથી. આકાશ તો વ્યાપ્ત છે. એક સૂર્ય જેમ આકાશને અજવાળી શકે તેમ ક્ષેત્રજ્ઞ-પરમાત્મા સર્વત્ર ઉજાસ પાથરી શકે છે. જેની પાસે આ જ્ઞાનદૃષ્ટિ  હોય તે જ ઇશ્વરના સાચા સ્વરૂપને પામી શકે.

એક રીતે જોઇએ તો કૃષ્ણ અનેક રૂપે અનેક રીતે જુદી જુદી દૃષ્ટિથી અર્જુન્ને પોતાનો સતત પરિચય આપે છે. પહેલા અધ્યાયમાં અર્જુનને અર્જુનનો પરિચય આપે છે. અર્જુન યુદ્ધ ન કરવાની જે વાત કરે છે એમાં એનો નિમિત્ત વિનાનો અહંકાર,એનું મમત્વ અને અર્જુનની અર્જુન વિશેની જે બ્રમણાઓ છે એને કૃષ્ણ દૂર કરે છે. યુધ્ધભૂમિનો અર્જુન એ ધુમ્મસમાં ઢંકાયેલા વૃક્ષ જેવો છે. કૃષ્ણ એને કિરણે કિરણે ઉઘાડે છે. એનાં જ ડાળ, પાંદડાં, ફૂલ અને ફળની ઓળખાણ આપે છે. યુધ્ધભૂમિમાં રહેલો અર્જુન એક છે જે દલીલોથી પ્રપંચ કર્યા કરે છે. માણસે આત્મવંચના ન કરવાની હોય. સમગ્ર બ્રહ્માંડના સંદર્ભમાં અર્જુન ક્યાં છે એનો પણ કૃષ્ણ  વિશ્વરૂપદર્શનને નિમિત્તે પરિચય આપે છે. કૃષ્ણ પોતાની વાત કહે છે પણ એ વાતનો હેતુ એ છે કે ઇશ્વરની સાક્ષીએ જગતના સંદર્ભમાં પહેલાં તું મને પામ. અને આમ પામવાના અનેક રસ્તાઓ કૃષ્ણ ચીંધે છે.  

 બારમો અધ્યાય

ભગવદ્ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ

શ્રધ્ધાની ભૂમિમાં લગનીનું વૃક્ષ

 

ગીતાનો બારમો અધ્યાય અત્યંત મહત્ત્વનો ગણાય છે.અહીં ભક્તયોગની વાત છે. રસ્તાઓ અનેક હોય છે પણ પહોંચવાનું તો એક જ ઠેકાણે છે.જ્ઞાનનો રસ્તો, કર્મનો રસ્તો  અને ભક્તિનો રસ્તો.સમગ્ર ગીતામાં ખુદ કૃષ્ણનો પક્ષપાત પણ ભક્તિ તરફનો છે,જ્ઞાન અને કર્મમાં યત્ન, પ્રયત્ન અને અંતે સાધના પ્રાપ્ત થઇ શકે.જ્યાં સુધી સાધના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ્ઞાન હોય પણ યોગ ન હોય, કર્મ હોય પણ યોગ ન હોય.જ્ઞાન અને કર્મને મુકાબલે ભક્તિ  સહજ છે. જ્ઞાન અને કર્મનું તેજ અલગ હોઇ શક. પણ ભક્તિની આભા કોઇ જુદી છે. ભક્ત પાસે અનિવાર્ય છે ભીનું હૃદ. ભક્તિમાં જળતત્ત્વ વિશેષ છે, જ્ઞાન અને કર્મમાં પૃથ્વીતત્ત્વ વિશેષ છે. ભક્તિ દુર્લભ છે. પણ એક વાર ભક્તિ પ્રાપ્ત થઇ પછી બીજું બધું એને અનુસરતું આવે.નરસિંહે ગાયું, ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. ભક્તિની વ્યાખ્યા આપવાનો કોઇ અર્થ નથી. પણ ભક્તિના ઉદાહરણરૂપે મીરાંને જોઇ શકાય. મીરાંની એકનિષ્ઠા, એનું કૃષ્ણ સાથેનું સાતત્ય અને એ સાતત્યને કારણે અને પરિણામે કૃષ્ણ સાથેનું સાયુજ્ય મેવાડની મીરાંનું વૃંદાવનની મીરાંમાં રૂપાંતર કરી શ્કે છે.કૃષ્ણે વિશ્વરૂપદર્શન કરાવ્યું પણ હજી અર્જુનની જિજ્ઞાસા પૂરેપૂરી શમી નથી. કેટલીક વાર ખુલાસાઓને કારણે નવા ને નવા પ્રશ્નો ઉદ્ ભવે છે. અર્જુને કૃષ્ણનું વિભૂતિતત્ત્વ જોયું અને ત્યારબાદ જોયું એમનું સમગ્ર સ્વરૂપ. અર્જુને સગુણરૂપે કૃષ્ણ્ને જોયા અને નિર્ગુણરૂપે પણ જોયા. વ્યક્તિ તરીકે અને વિભૂતિ તરીકે પણ જોયા અને સમષ્ટિરૂપે જોયા.આ બન્ને સ્વરૂપે જોયા પછી અર્જુન સીધો જ પ્રશ્ન પૂછે છે કે તમારો ક્યો ભક્ત શ્રેષ્ઠ ? તમને વ્યક્તરૂપે ઉપાસે તે કે તમારી અવ્યક્તરૂપે આરાધના કરે તે? અર્જુનતો નિમિત્ત છે પ્રશ્ન પૂછવામાં. આપણા બધામાં પણ એક અર્જુન બેઠો છે જેને બીજા કોઇ પાસેથી નહિ પણ કૃષ્ણ પાસેથી જ સીધેસીધું સમાધાન જોઇએ છે. જેને પ્રશ્ન થાય છે તેને ઉત્તર મળે છે. આ પ્રશ્ન થવો એ જ મોટી વાત છે. કૃષ્ણ અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે.

      

     ગીતાનો બારમો અધ્યાય નાનો છે પણ એ નાના અધ્યાયમાં ભક્તિની મહાન વાત કહેવાઇ  છે. પહેલાં તો આપણું મન લાગવું જોઇએ. કૃષ્ણની લગન હોવી જોઇએ. કૃષ્ણ સિવાય કોઇ પણન હોય. પણ માત્ર મન લાગે એ પૂરતું નથી. મૂળભૂત શ્રધ્ધા હોવી જોઇએ. શ્રધ્ધાની ભૂમિમાં જો લગનીનું વૃક્ષ રોપાયું હોય તો એ આપમેળે, સહજપણે વૃધ્ધિ, વિકાસ અને સમૃધ્ધિ પામે. શ્રધ્ધા ન હોય અને કેવળ લગની હોય તો એ વાત ફ્લાવર વાઝમાં વૃક્ષ રોપવા જેવી થાય. અર્જુનનો પ્રશ્ન વિકટ છે. કોઇને એમ પૂછીએ કે તમારી બન્ને આંખો છે એમાંથી કઇ આંખ પ્રિય છે? તો તે એનો શો જવાબ આપે? કૃષ્ણ ને તો નિર્ગુણ ભક્તિ કરનારા પણ પ્રિય છે કારણ કે નિર્ગુણ હોય તોપણ એ ભક્તિ છે. નિર્ગુણ ભક્તિનો માર્ગ સગુણ ભક્તિ કરતાં કઠિન છે. આપણે એ પણ જોયું છે કે જરાક ધ્યાન કરવા બેસીએ અને તમામ ઇન્દ્રિયો પર આપણો અંકુશ મૂકવાનો પ્રયત્ન કરીએ ત્યારે પ્રારંભમાં તો વિચારો તીડના ટોળાની જેમ ઊમટે. આ વિચારો પણ એમ ને એમ નથી આવતા. ઇન્દ્રિયનું માલિક મન છે. મનને એમ થાય કે જો ઇન્દ્રિયનો નિગ્ર્હ થશે તો મારું માલિકપણું નષ્ટ થશે. એટલે મન જંપે નહિ અને જંપવા દે નહિ. ઇન્દ્રિયનું આખું સરકસ ચલાવનાર જો કોઇ હોય તો તે આ મન છે. મનને પોતાનો ખેલ ખતમ થાય એમાં રસ નથી. પણ જેમ જેમ મનની લગામ શિથિલ થઇ જાય, ઇન્દ્ર્યો એના તાબામાં ન રહે તેમ તેમ વિચારોનું આક્રમણ ઓછું થાય અને રડ્યાખડ્યા એકાદ-બે વિચાર આવતા હોય, તો એ વિચાર જાણે કે આપણા નથી એમ એને સાક્ષીભાવે જોઇએ તો ધીમે ધીમે વિચારો પણ ખસી જશે અને એક શુધ્ધ અવસ્થા પ્રાપ્ત થશે. દેહધારી માટે અવ્યક્તની આરાધના કરવી એ ભારે કપરું કામ છે, કારણ કે પ્રારંભમાં મન અને ઇન્દ્રિયની ખેંચતાણ થાય છે એને કારણે  ભલભલા ગોથાં ખાઇ જાયછે અને છતાંય એવા વિરલાઓ છે કે જે મારામાં ઓતપ્રોત થઇને, પોતાના અહમ્ ને ભૂંસી નાખીને અનન્યભાવથી સર્વ કર્મોને મને સમર્પણ કરી કેવળ મારું જ ધ્યાન ધરતા હોય. એવા મારા ભક્તોનો હું આ મૃત્યુસ6સારના સાગરથી તરત જ ઉધ્ધાર કરું છું. આવા જીવ નો ઉધ્ધાર કરવાની જવાબદારી મારી છે કારણ કે એ જે કંઇ કરે છે તે બધું મને જ સોંપીને કરતા હોય છે. એમનામાં હું કરું હું કરું નો ભાવ નથી. જે માણસ પોતાની બુધ્ધિ, પોતાનું મન મારામાં મૂકી દે છે એ કદીય મારી બહાર રહેતો નથીઅલબત્ત,ચંચળ મનને સ્થિર કરવું સહેલું નથી. હવાને પીંજરામાં પૂરવા જેવી વાત છે. પણ કેટલાક લોકો ધ્યાનથી, તપથી, અભ્યાસ અને મહાવરાથી આ અવસ્થા સિધ્ધ કરી શકે છે. પણ બધાને માટે આ અવસ્થા સિધ્ધ કરવી એ સહેલું નથી. કર્મ કર્વું  અને કર્મના ફળ પ્રત્યે ઉદાસીન રહેવું એ ઘણું મુશ્કેલ છે. ગમે એટલો અભ્યાસ કે મહાવરો હોય પણ આ પંથ વિકટ છે. કૃષ્ણ  ઘૂંટીઘૂંટીને એક વાત કહે છે કે અભ્યાસ ગમે એટલો મહત્ત્વનો હોય તોપણ એનાથી જ્ઞાન ચડિયાતું છે. જ્ઞાન કરતાં ધ્યાન ચડિયાતું  છે.જ્ઞાન અને ધ્યાન કરતાં કર્મફળનો ત્યાગ ચડિયાતો છે. જે માણસ કર્મના ફળનો ત્યાગ કરી શકે છે એને શાંતિ મળે છે. અંડરલાઇન કરીને કહેવા જેવી વાત તો આ છે કે કર્મના ફળનો ત્યાગ, કર્મનો નહિ, કર્મફળની આસક્તિનો ત્યાગ. ગાંધીજી એટલે જ ગીતાને અનાસક્તિયોગ તરીકે ઓળખાવે છે. જે માણસ કર્મ પ્રત્યે પ્રવૃત્ત રહે છે પણ કર્મફળવિશે નિવૃત્ત છે એને શાંતિ મળે છે. શાંત માણસ અંદરથી સુરીલો હોય છે. જેને કર્મફળની લોલુપતા છે એની પાસે અજંપો, બેચેની, થાક, વિષાદ હોય છે. એ ભીતરથી બેસૂરો છે,શાંત માણસ સંવાદી છે. એ કોઇને ધિક્કારતો  નથી. કરુણાથી હર્યોભર્યો છે. બધામાં મિત્રને જ જુએ છે. ક્ષમા એની ગળથૂથીમાં જ છે. એ દયાળુ છે, માયાળુ છે, પણ મમત્વ અને અહંકારથી મુક્ત છે. જીવનને એ સુખદુઃખનાં  ખાનાંમાં વહેંચતો નથી. સુખ અને દુઃખ પ્રત્યે એ સમદૃષ્ટિ  છે, સંતોષી છે. પોતાના વલોણાથી પોતાને વલોવ્યા કરતો નથી.ચિત્ત એના વશમાં છે. એને કારણે એ વ્યાકુળ  કે વિવશ નથી,દૃઢનિશ્ચયી છે. કર્મયોગી છે પણ અનિષ્કામ છે. કર્મ પણ સમર્પણ માટે છે. મન અને બુધ્ધિ એણે જગતના માલિકને સોંપ્યા છે. આવા નિર્ગુણ નિરાકાર ભક્તો પણ ભગવાનને પ્રિય છે. અને ભગવાનને પ્રિય છેસવિશેષ પ્રિય છે સગુણની આરાધના કરતા ભક્તો. આવા સગુણભક્તોનો સંતાપ લોકોને નથી હોતો. અને લોકનો સંતાપ ભગતને નથી હોતો નિરંજન ભગત કહે છે એમ જગતનો અને ભગતનો ઝગડો તો સનાતન છે.પણ જગતથી નરસિંહ મહેતા કે મીરાં; પીડા કે યાતના ભોગવીને પણ ભક્તિમાંથી ચલિત નહોતા થયાં. એમની ભક્તિ અચળ હતી. એમને કશાનું બંધન નહોતું . હર્ષ, ભય, ક્રોધ અને વ્યગ્રતાથી એ બધાં મુક્ત હતાં. ઇશ્વર સિવાય એમને કોઇની અપેક્ષા નહોતી. પવિત્ર હતાં અને સાવધાન રહ્યાં. સ્વ-સ્થ અને તટસ્થ હતાં. કર્મમાત્રનો પરિત્યાગ કર્યો હતો.કોઇને ધિક્કારતાં નહોતાં. ક્યાંય કોઇ ભેદભાવ નહોતો. કશાનો શોક નહિ અને કોઇ આકાંક્ષા નહિ. શુભ અને અશુભના હાંસીપાત્ર હાંસિયાઓમાં જે જીવે નહિ એવા ભક્તિશીલ મનુષ્યો ઇશ્વરને સદા પ્રિય છે. માન-અપમાન, શત્રુ-મિત્ર, ટાઢ-તાપ, દુઃખ-સુખ, આસક્તિ વિનાના, નિંદાસ્તુતિથી પર અને મૌનવ્રતી ભક્તોઅનાયાસે જે સદા સંતુષ્ટ રહે, જેમને ઘરબારનો મોહ ન હોય, જેમની બુધ્ધિ સ્થિર હોય, જે ઇશ્વરપરાયણ હોય, શ્રધ્ધાળુ હોયઆવા ભક્તો ઇશ્વરના અત્યંત પ્રિય પાત્ર હોય છે.

       

          બારમા અધ્યાયમાં ગીતામાં જે સગુણ-નિર્ગુણ ભક્તોનું વર્ણન છે એ વર્ણન આપણને નરસિંહ મહેતાએ વૈષ્ણવજન પદમાં આપ્યું છે, કહો કે સમગ્ર ભગવદ્ ગીતાનો  નિચોડ વૈષ્ણવજન માં છે.

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે;

પરદુઃખે ઉપકાર કરે  તોય

                                   મન અભિમાન ન આણે ઋએ.

સકળલોકમાં સહુને વંદે,

                      નિંદા ન કરે કેની રે;

વાચ-કાછ- મન નિશ્ચલ રાખે,

                     ધન ધન જનની તેની રે.

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,

                    પરસ્ત્રી જેને માત રે;

જિ વા થકી અસત્ય ન બોલે,

                   પરધન નવ ઝાલે હાથ રે.

 મોહ-માયા વ્યાપે નહિ જેને,

                   દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;

રામનામ-શું તાળી રે લાગી,

                 સકળતીરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે,

                     કામ-ક્રોધ  નિવાર્યા રે.

ભણે મરસૈંયો તેનું દર્શન કરતાં

                    કુળ એકોતેર તાર્યા રે.

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in GEETA ETLE

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: