દશમો અધ્યાય
ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
સમદૃષ્ટિ ને તૃષ્ણાત્યાગી
આપણે વાતવાતમાં કેટલાક શબ્દો બોલીએ છીએ.વધુ પડતા વપરાશને કારણે શબ્દો એનો મૂળભૂત અર્થ ગુમાવી બેસતા હોય છે. આવાં શબ્દ-જોડકાં વપરાય છે તે વ્યક્તિ અને વિભૂતિ. પ્રત્યેક જણ વ્યક્તિ તો છે, પણ પ્રત્યેક જણ વિભૂતિ નથી. વિભૂતિ થવા માટે અનાસક્ત કર્મયોગ અનિવાર્ય છે. કર્મ ત્યારે યોગ બને કે જ્યારે કર્મ પાછળના સ્વાર્થી હેતુઓ ખરી પડે. જીવનનું, લોક-કલ્યાણ માટે જેને કોઇ વિશિષ્ટ પ્રયોજન હોય એ વિભૂતિ. વિભૂતિ થવા માટે વ્યક્તિનું હોવું અનિવાર્ય છે. આપણી પાસે આયુગમાં જો કોઇ દાખલો હોય તો તે ગાંધીજી. કૃષ્ણની મજા એ છે કે એ વ્યક્તિના સ્તર પર જીવે છે અને વિભૂતિના શિખર પર બિરાજેલા છે વ્યક્તિની ભીતર જે વિભૂતિતત્ત્વ છે એનો પરિચય કૃષ્ણપોતાના પરમ મિત્ર અર્જુનને કરાવે છે, કહો કે પ્રતીતિ કરાવે છે. પહેલાં અધ્યાયનો અર્જુન દલીલોમાંથી ઊંચો નથી આવતો. એ કૃષ્ણને સાંભળે છે ખરો પણ પૂરેપૂરા સમજતો નથી. ક્રમશઃ અર્જુન સ્વીકૃતિની ભૂમિકા પર તૈયાર થાય છે ત્યારે કૃષ્ણ એને ફરીફરીને વાત કરે છે. જેમ કુપાત્રને દાન ન થાય તેમ ગમે તેને વાત ન કહેવાય. કૃષ્ણ અર્જુનનું પ્રિય પાત્ર પણ છે અને એનામાં પાત્રતા પણ છે. કૃષ્ણ કહે છે કે મારી ઉત્પત્તિને કોઇ જાણતું નથી. ન દેવો કે ન મહર્ષિઓ. ભલે દેખીતી રીતે કૃષ્ણનો દેવકીને ખોળે જન્મ થયો હોય. ભલે પારધીના તીરે કૃષ્ણ વીંધાયા હોય. પણ આ તો દેહધારી કૃષ્ણની વાત છે. ઇશ્વરનું તત્ત્વ સગુણ પણ હોય છે, નિર્ગુણ પણ હોય છે. એને રૂપ અને આકાર પણ હોય છે અને એ નિરાકાર પણ હોય છે. ખરેખર તો ઇશ્વર અજન્મા છે.
જેનો જન્મ ન હોય એનું મરણ કઇ રીતે હોઇ શકે? એટલે એનો અંત પણનથી હોતો. એ અનંત છે.જે મરણ પામે છે તે વ્યક્તિત્વ મરણ પામેછે, વિભૂતિતત્ત્વ નહિ. ઇશ્વર થકી જ જગત સર્જાયું છે. જે ઇશ્વરના આ વિભૂતિતત્ત્વને ઓળખે છે અને એની ભક્તિ કરે છે એ નિજાનંદમાં લીન રહે છે. ઇશ્વર સમદૃષ્ટિ આપે છે. ભક્ત પાસે તો એક જ ધ્રુવપંક્તિ હોય છે—‘હું તો તારા નામના સાજ સજું, હું તો તમને ભજું.’ કૃષ્ણ આ બધું અર્જુનને કહે છે. પણ એને કેટલીક વાત સમજાતી નથી. ઘૂંટડા ગળે ઊતરતા નથી. એ તો ઇચ્છે છે હજુ વધુ ને વધુ પરિચય, વધુ ને વધુ પ્રતીતિ. હવે અર્જુનમાં પ્રશ્ન પૂછવાની પણ ત્રેવડ આવી છે. એ પૂછે છે કે આ વિભૂતિયોગની વાત ફરેફરી કહો—હું કઇ રીતે તમને પામી શકું? કઇ રીતે તમારું ધ્યાન ધરી શકું? અને આમ ફરીફરીને તમને જોતાં સાંભળતાં જીવ ધરાશે નહિ.
કૃષ્ણ કહે છે કે મારી વિભૂતિઓ અસીમ છે, અમાપ છે. વિસ્તારનો કોઇ અંત નથી. હુંપ્રાણીમાત્રમાં રહું છું આત્મારૂપે. હું વિષ્ણુ,સૂર્યની તેજસ્વી જ્યોતિ, પવન, નક્ષત્રો, શશી, વેદોમાં સામવેદ, શંકર, કુબેર, પર્વતોમાં મેરુ, સમુદ્ર, એકાક્ષરમાં ૐ, વૃક્ષોમાં અશ્વત્થ, અશ્વોમાં ઉચ્ચૈઃશ્રવા, ગજેન્દ્રોમાં ઐરાવત, આયુધોમાં વજ્ર,ગાયોમાં કામધેનુ, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ,શસ્ત્રધારીઓમાં રામ અને નદીઓમાં જાહ્ નવ, છંદોમાં ગાયત્રી, સર્વનાશક મૃત્યુ પણ હું અને ઉત્પત્તિનું કારણ પણ હું, જ્ઞાનીઓનું જ્ઞાન અને રહસ્યવાદીઓનું મૌન. આ વિભૂતિઓનો પાર પામી ન શકાય. મેં તો માત્ર થોડુંક તને દિશાસૂચન કર્યું. હું જ મારા એકાંશમાંથી આખા વિશ્વને વ્યાપીને ઊભો છું. જો આખી વાતને બરાબર સમજીએ તો જે વ્યક્તિ પોતાની ભીતર વિભૂતિયોગ છે તેને સાધી શકે એ અત્ર તત્ર સર્વત્ર છવાયેલી છે.કીડી અને કુંજરના ભેદ અવગણે છે. નર અને વાનર વચ્ચે તફાવતઆપણે કરીએ છીએ. એ જળમાં છે અને સ્થળમાં છે. એ જનમાં છે, વનમાં છે અને નિર્જનમાં છે. ઇશ્વર વિરાટ કાળમાં પણ છે અને પ્રત્યેક પળમાં પણ છે. એ સૌ સાથે સંકળાયેલો છે અને છતાં મુક્ત છે. ભક્તનો પુરુષાર્થ એક જ છે કે મુક્ત છે તેની સાથે યુક્ત કેવી રીતે થવાય. હૃદયની લગનીથી ઇશ્વરની વિભૂતિ સાથે યુક્ત થવું એ ભક્તનો વિભૂતિયોગ છે. જે માણસ ઇશ્વર સાથે સંયુક્ત થાય છે એ જ સૃષ્ટિના પરન ઐશ્વર્યને પામી શકે છે. ધરતીની માટીથી માંડીને આકાશના સૂર્ય—ચંદ્ર સાથે એનો વ્યાપક અને ઊંડો સંબંધ છે. જે માણસ કેવળ અંશને વળગશે એ અખિલને કદી નહિ પામી શકે. આપણે જન્મ પહેલાંના કાળને અને મરણ પછીના કાળને ઓળખતા નથી. કૃષ્ણ જેવી વિભૂતિ પાસે અંત વિનાના બન્ને છેડા છે. આપણે કોઇની આંગળી પકડીને નામ પૂરતી જ ઓળખાણની ગલીકૂંચીઓમાં અટવાઇ જઇએ છી. ઓળખાણ, પરિચય, આત્મીયતા અને પ્રતીતિ આ ચાર વસ્તુ મહત્ત્વની છે. વ્યક્તિને જ્યારે ઇશ્વરની ઊંડી અનુભૂતિ થાય ત્યારે તેને પ્રતીતિ કહેવાય. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. એ સમષ્ટિમાં છવાયેલા છે. સમષ્ટિ પર એનો ભાવ અને પ્રભાવ છે. આપણામાં રહેલો અર્જુન જો તત્પર અને તૈયાર હોય તો કૃષ્ણઆ દસમા અધ્યાયમાં આપે છે એવી પ્રતીતિ આપણને પણ સાંપડે. કૃષ્ણ અર્જુનને ઊંચા શિખર પર લઇ જવા માટે એક એક પગથિયે આરોહણ કરાવે છે. ગીતાનો એક એક શ્લોક એ અર્જુનના આરોહણનું પગથિયું છે. આ પગથિયે પગથિયે કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, ડાયલૉગ છે, હાર્મની છે; પરસ્પરની આત્મીયતા, શ્રધ્ધા અને ભરોસો છે.
અહીં કૃષ્ણ પોતે જ પોતાના વિવિધ આવિષ્કારોની વાત કરે છે. કૃષ્ણ માત્ર પુરુષોત્તમ નથી એ પૂર્ણ પુરુષોત્તમ છે, આ આખુંયે જગત એમના થકી છે. સર્જન અને સંહાર સાથે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય સાથે, સર્જન,સંવર્ધન અને વિસર્જન સાથે પોતે સંકળાયેલા હોવા છતાં અનાદિ અને અનંત છે. જ્ઞાનનો શ્રેષ્ઠ માર્ગ એ સમત્વબુધ્ધિ છે. સમત્વબુધ્ધિ એટલે પ્રત્યેક પ્રત્યે સમદૃષ્ટિ.એમાં વહાલાં અને દવલાંના ભેદ ન હોય. સમદૃષ્ટિ ન હોય તો કરુણાસભર હૃદય ન હોય . ઇશ્વર એટલે જ નરી કરુણા. પાપી અને પુણ્યશાળીના ભેદ તો આપણે પાડ્યા છે. પણ ખરું આત્મજ્ઞાન થાય તો પછી અજ્ઞાન રહેતું નથી. આપણા જ પાપમાંથી આપણી મુક્તિ થાય છે. આપણે સૌથી વધારે ફફડીએ છી ભયથી. જે કંઇ આડુંઅવળું કે ખરુંખોટું થતું હોય એમાં આપણો કાચો કે કલ્પિત ભય સંકળાયેલો છે. સત્ય હંમેશાં નિર્ભય હોય છે. જે ભીતિભાવે ઇશ્વરના વિભૂતિતત્ત્વ સાથે સંકળાય એને પહેલી મુક્તિ પોતે જ પોતાને કારણે ઊભા કરેલા ભયમાંથી મળે છે. ‘વ્યક્તિમાંથી વિભૂતિ થવું’ નો અર્થ આટલો જ કે અસત્યમાંથી સત્ય તરફ જવું, ભયમાંથી અભય તરફ જવું. સમદૃષ્ટિ વાળો માણસ કીડીને એડી તળે ચગદી નહિ નાખે અને હાથીને ભાલો ભોંકીને હણી નહિ નાખે. એને કોઇ સ્પૃહા સ્પર્શી નહિ શકે.એ રાગદ્વેષ અને મમત્ત્વથી પર હશે. એ બધા સાથે ઊંડી નિસબતથી સંકળાયેલો અને છતાં નિર્મમ અને અલિપ્ત હશે. એના હલનચલનમાં, એની બોલચાલમાં, એનાં વાણી-વર્તનમાં વિવેકબુધ્ધિ અને ઔચિત્યનો એક સંવાદી લય હશે. એ સ્વયંસિધ્ધ અને સંપૂર્ણ હશે. વિભૂતિયોગ એ હવે પછીના અગિયારમા અધ્યાયની એટલે કે વિશ્વરૂપદર્શનની પશ્ચાદભૂમિકા છે.
પ્રતિસાદ આપો