ગોપીગીત-શ્લોક:16

ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક:16 પતિસુતાંવય ભર્તુંબાન્ધવાનતિ વિલડ્ઘ્ય તેડ્ન્યચ્યુતા ગતાઃ ગતિવિદસ્તવો ગીત મોહિતાઃ કિતવ યોષિતઃ કસ્ત્યજૈન્નિશિ II
હે કૃષ્ણ, હે અચ્યુત ! અમે પતિ, પુત્ર, ભાઇ સ્વજનો; કહો કે સમગ્ર પરિવાર—સાર સર્વસ્વ છોડીને તમારી પાસે આવ્યાં, આવ્યાં એટલું જ નહિ,પણ જે અમારી નજીક હતાં એમની ઇચ્છાનેવશ ન થયા, અને એમને આજ્ઞાને ઓળંગીને આવી પહોંચ્યા.અમે તમને બરાબર જાણીએ છીએ.જાણીએ છીએ તમારી ચાલબાજી.અમે તમને બરાબર પામી ગયા છીએ,અમે તો તમારી વાંસળીના નાદે નાદે તમારાં ગીતની ગતિને જાણીને મોહિત થઇ ગયા. અને અહીં આવ્યાં,હે કપટી ! આવી રાતને સમયે આવેલી યુવતીઓને તમારા સિવાય છોડી પણ કોણ શકે?

કૃષ્ણની મતિ અને ગોપીની ગતિ
હઠે ભરાયેલા કે રીસે ભરાયેલા બાળક જેવી ગોપી એકની એક વાત કહે છે તે સાવ અહેતુક નથી.કૃષ્ણ પ્રગટ જ થતો ન હોય અને પોતાની વાત પહોંચતી ન હોય તો ખીલી પર હથોડીના ઘા કરવા જ પડે.જગતમાં કોઇ પણ દીવાલ એવી નથી હોતી કે ખીલી મૂકો ને ખોડાઇ જાય એને સતત હથોડીના ઘા કરવા પડે. ગોપી અહીં બે સંબોધન પ્રયોજે છે.બંને સંબોધનો કેવળ માત્ર વિરોધાભાસી નથી પણ નર્યા વિરોધી છે. એક સંબોધન છે અચ્યુત,અચ્યુત એટલે ગમે તે પરિસ્થિતિમાં ડગે નહીં એવો ધીર,ગંભીર અને સ્થિર. અને બીજું સંબોધન છે કપટીનું.કપટી માણસ હંમેશા ચંચળ હોયછે.એ સ્થિર નથી હોતો. એ કાચીંડા જેવો હોય છે. કૃષ્ણ નાનપણથી નટખટ તો હતા જ. એ છળકપટ કરી શકે.એની આડે કશું જ ન આવે. એ પોતે જ માયાજાળ ફેલાવે અને પોતે જ પાછી ખેંચી લે(સંકેલી) લે.સંમોહન શબ્દમાં જ મોહન છે. ગોપી કૃષ્ણની આ વિલક્ષણતા આબાદ પકડી પાડે છે.જે માખણચોર છે એ માખણથીયે મુલાયમ ગોપીના મનને ચોરી લે છેઅને ચોર હંમેશા સંતાતો ફરેછે.એ સહેલાઇથી પકડાય એવો નથી.
ગોપીએ બધું જ છોડ્યું છે, એ પ્રાણ પણ છોડી શકે પણ પ્રાણ છોડવાની વાત હંમેશા મનુષ્યના હાથમાં નથી. એકવાર કૃષ્ણને જોયા પછી, એકવાર એનો વેણુનાદ સાંભળ્યા પછી,ગોપી ગોપીની જ નથી રહી, તો સંસારની તો કેવી રીતે રહી શકે? જેની પાસે કશું ન હોય અને એ છોડી દે તો ત્યાગ ન કહેવાય.સિધ્ધાર્થનો ત્યાગ કહેવાય.ગોપી પાસે તો પોતાનો સંસાર હતો પણ કામદેવના દૂત જેવા વાંસળીના એકએક સૂરથી ગોપી આરપાર વીંધાઇ ગઇ, સંસાર્ના બધા જ આવરણ હઠી ગયા અને કૃષ્ણ પાસે માત્ર સૂર નહોતો. એની પાસે શબ્દ હતો. ઘણીવાર એ સૂરમાં વિવિધ નામોને ગૂંથી લેતો. કૃષ્ણ જેવો કૃષ્ણ સૂર અને શબ્દ દ્વારા જો ગોપીને પાગલ કરે તો એમાં ગોપીનો શું વાંક? એટલે તો બે પંક્તિઓ અહીં મૂકું છું : ’રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ સાંજને સવાર નિત નિંદા કરેછે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ’ ખરેખર તો ગોપીઓ ઘેલી છે,ગોકુળિયું ગામ ઘેલું નથી.ગામ તો શાણું છે.પણ શાણા માણસો પ્રેમના પાગલપનને કદી ના સમજે. વાંસળીના સૂરથી પહેલાં કાન ચમકે છે પછી સાનભાન ખોવાઇ જાયછે. એક પ્રકારની બેહોશી વ્યાપી વળે છે.(છાઇ જાય છે.)સૂરની ધ્યાન સમાધિ લાગે છે. તે એટલી હદે કે ગોપીના હૃદયમાં તો એકજ મંત્ર ગૂંજતો હશે. શ્રી કૃષ્ણઃ શરણં મમ્ અહીં ગતિની વાતછે. ગતિ શબ્દ એકથી વિશેષ અર્થમાં વપરાયો છે. એક બાજુથી જોઇએ તો અંતરયામી કૃષ્ણ શું ગોપીની વિહવળ દશાની ગતિ નહીં જાણતા હોય? કૃષ્ણ વિના એમની સદગતિ ક્યાંથી થશે? બીજો અર્થ એ છે કે ખુદ ગોપીઓ કૃષ્ણ ના છલનામયી ચરિત્રની ગતિવિધિ બરાબર જાણે છે. અહીં કેવળ સૂર નહોતા.સૂરની છાયામાં કૃષ્ણની વાંસળી દ્વારા એકએક ગોપીના નામને પણ વહેતું કરતા હતા .સૂર નિરાકાર છે. સૂરના પ્રમાણમાં શબ્દ સાકાર છે .સૂર અને શબ્દ મળે એટલે ગીત થાય. અહીં ‘ઉદ્ ગીત ‘ શબ્દ પ્રયોજાયો છે. કૃષ્ણના મુખેથી જે પ્રગટે તે ઉચ્ચ જ હોય. એ ઉદ્ ગીત છે. ઊંચું ગીત છે. ગોપી અમથી અમથી સામાન્ય ગીત પર ન મોહે.આ ઉદ્ ગીત છે એટલે એ મોહી પડે છે.
કૃષ્ણને ઠપકો આપે છે ,કૃષ્ણ માટે એક પંક્તિ એવી પણ છે કે કૃષ્ણ પોતે “અનંગ રંગ સાગરમ્ ,નમામિ કૃષ્ણ નાગરમ્ ” .કૃષ્ણ નાગર હોય તો આ એવી કયા પ્રકારની નાગરિકતા? કોઇ અભદ્ર માણસ પણ સ્ત્રીને વનમાં અધરાતે એકલી અટૂલી ન છોડી દે. અને છતાંયે કૃષ્ણએ આવું કર્યું એ હકીકત છે. કદાચ કૃષ્ણને સમજાવવો છે પ્રેમનો મહિમા,આ તે કેવો પ્રેમ કે જે કેવળ સાન્નિધ્યમાં જ ખીલે અને ખૂલે. વિરહ એ પ્રેમનું પ્રમાણ છે. વિરહ એ પ્રેમની શિક્ષા પણ છે, અને પરીક્ષા પણ છે. કૃષ્ણને કદાચ ગોપીને સંસારની અસારતા સમજાવવી છે. આસપાસના માનવીય સંબંધો એ છેવટે તો પોકળ જ પુરવાર થવાના. આ બધા સંબંધોની સલામતી અંતે તો કાગળની જ રહેવાની. જો માણસને પ્રેમની તરસ હોય તો એ તરસ દિવ્ય પ્રેમની હોવી જોઇએ અને પ્રેમમાં પડેલો કોઇપણ જીવ અંતે તો સાવ એકલો અને એકલવાયો અને અંધકારથી વીંટળાયેલો જ છે. જે જીવ આ પરિસ્થિતિનો મુકાબલો કરી શકે છે,એકલતાને જીરવી અને જીવી શકેછે એજ જીવ કંઇક અંશે મૂઠી ઊંચેરો થાય છે.ગોપીઓ ભલે ઢોલ-નગારાં બજાવી બજાવીને કહે કે અમે તારે લીધે સંસાર છોડ્યો.પણ આ સંસારમાં કંઇ સાર જેવું છે ખરું? મીરાંએ પણ ગાયું:

“ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.”
સંસારીનો પ્રેમ મોટેભાગે ઉપરછલ્લો જ હોય છે.છીછરો હોયછે. સ્વાર્થ અને જરૂરિયાત પૂરતો હોયછે. આ સંદર્ભમાં એક દૃષ્ટાંત યાદ આવે છે. એક શિષ્ય હતો. એ અવારનવાર ગુરુને કહે કે મારે આ સંસાર છોડવો છે, પણ મારું કુંટુંબ એટલું બધું પ્રેમાળ છે કે મને કોઇપણ સંજોગોમાં એ છોડવા નહીં દે.પ્રેમની તુલના હું કઇ રીતે કરી શકું? ગુરુએ અણિયાળો પ્રશ્ન મૂક્યો . કેમ? સાંભળ, આ બધું પ્રેમ જેવું છે; પ્રેમ નથી.એમણે કહ્યું કે મારી પાસે એક શક્તિ છે. હું તને તાત્કાલિક મરણ આપું છું,એ લોકોની નજરે તું શબ જ હશે ,પણ તું આસપાસનું બધું જ સાંભળી શકશે.બીજે દિવસે શિષ્યનું શબ પડ્યું હતું. લોકો ટોળે વળ્યા હતા .રોકકળ થઇ રહી હતી.એટલી બધી રોક્કળ થતી હતી કે કોઇને પણ થાય કે આ માણસ નહીં હોય તો શું થશે? ગુરુએ કુંટુંબીઓને અને આસપાસ વીંટળાયેલા સ્વજનોને કહ્યું કે જુઓ, મારી પાસે એવી શક્તિ છે કે હું શબને બેઠું કરી શકું,માણસને જીવતો કરી શકું,પણ યમને ત્યાં પણ નિયમ હોય છે. તમારામાંથી કોઇપણ એની જગ્યાએ મરવા તૈયાર થાય તો આ માણસ જીવતો થઇ શકે.દરેક જણે કહ્યું કે મારાથી તો મરાય એમ નથી.મારે તો આને ખાતર, તેને ખાતર જીવવું પડે. એના વિના નહીં ચાલે એ અમે જાણીએ છીએ છતાપણ ચલાવી લઇશું. આ અને આવો જો સંસાર હોય તો એ સંસારનો ત્યાગ કરવામાં કાંઇ ખોટું નથી.

આ શ્લોકમાં કૃષ્ણની મોરલીનો મહિમા છે એક ગીત રમતું કરું છું.:
તેતો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
મને સૂતીને સપને જગાડ્યા કરી.
બાવરી આ આંખ મારી આમતેમ ઘૂમે,
ને ઝાંઝરથી લજ્જા વેરાય.
એકલીના મહેલમાં ઓશીકે જોઇ લો,
મધુવનના વાયુ લહેરાય.
હું તો બાહુના બંધમાં બંધાયા કરી
તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી.
નીલરંગી છાંય થઇ તારો આ સૂર,
મારી યમુનાના વ્હેણમાં દોડે.
જાગીને જોઉં તો જાણું નહીં કે

કેમમોરપિચ્છ મ્હેકે અંબોડે
મને અનહદના રંગમાં ડુબાડ્યા કરી,
તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી.

સૂરત ક્રીડાના સ્મરણથી વ્યાકુળતા વધતી હશે કે ભ્રમણાનું સુખ મળતું હશે? ભગવાન જાણે !

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,215 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: