ગોપીગીતે,શ્લોક:14

સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
મરીઝ
++++++++++++++++++++++++++++++++++

ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક: 14

સુરતવર્ધનં શોકનાશનં સ્વરિતવેણુ નાસુષ્ઠુ ચુમ્બિતમ્
ઇતર રાગવિસ્મારણં નૃણાં વિતરવીર નસ્તે વરામૃતમ્
હે વીર શ્રેષ્ઠ ! અમે ઝંખીએ છીએ તારા હોઠનું અમૃત. આ હોઠનું અમૃત સુરતક્રીડાનું વર્ધન કરી શકે એવું છે.શોકનો નાશ કરી શકે એવું છે .આ વાંસળી પણ તમારાં હોઠને ચૂમ્યા કરે છે. જેણે એકવાર તમારું અમૃત પીધું એને બીજા પ્રત્યે કોઇ દિવસ અનુરાગ થતો નથી.તમે અમને અધરામૃત પીવડાવો. પ્રેમમાં ઉછીની ભાષા ન ચાલે.
માણસમાત્રને જગતમાત્રનનો પ્રથમ અનુભવ પોતાની ઇંદ્રિયોથી થાય છે.આંખથી જોવું, કાનથી સાંભળવું, હાથથી સ્પર્શવું અને આપણે જાણીએ છીએ કે ગોપીનો એક અર્થ એ જ છે કે જે ઇંદ્રિયોથી કૃષ્ણને પીવે. કૃષ્ણ ભલે અલૌકિક હોય પણ ગોપી લૌકિક છે.કૃષ્ણ ભલે અપાર્થિવ હોય પણ ગોપી પાર્થિવ છે.દરેક માણસ પોતાની ભાષામાં વાત કરે છે અને માણસે પોતાની ભાષામાં જ વાત કરવી જોઇએ. બીજાની ભાષા એ ઊછીની ભાષા છે.અને પ્રેમમાં કદીયે ઊછીની ભાષા ન ચાલે.ગોપીગીત શૃંગારિક છે. એટલે લાગણી થી પ્રપૂર્ણ છે,અને દિવ્યતાના રસથી રસાયેલું છે. આ ગોપીગીતમાં કેટલાક શબ્દો જુદી જુદી ઝાંય સાથે, જુદા જુદા સંદર્ભમાં ક્યારેક પુંરાવર્તન પામે છે, કૃષ્ણને એક ઠેકાણે સુરતનાથ કહ્યા, તો અહીં સુરતવર્ધન કરનારા કહ્યા,ક્યાંક પાપકર્ષણમ્ શબ્દ આવે છે તો ક્યાંક ધ્યાનમંગલ છે તો ક્યાંક શ્રવણમંગલ છે.
લાગણી જ્યારે ખૂબ ઊંડી હોય ત્યારે શબ્દો કદી પ્રગટતા નથી. શબ્દો જ્યારે ન પ્રગટે ત્યારે સર્વભાષાની ભાષા એ સ્પર્શની ભાષા છે. સુરતક્રીડાના પણ અનેક સ્તર છે. એના પણ અનેક તબક્કા છે એનાં પણ અનેક સ્વરૂપ છે અને પ્રત્યેક સ્વરૂપને પોતાનું સૌંદર્ય છે. વિહ્વળ ગોપીને કૃષ્ણએ પહેલી ચૂમી હશે ત્યારે કૃષ્ણના ચુંબનથી એની અભીપ્સા શમી નહીં હોય પણ એ અભીપ્સા પાગલ થઇને વિશેષ વીફરી હશે.. આ ચુંબન એ સુરતવર્ધન છે. ક્રીડાને પરાકાષ્ઠાએ લઇ જાય છે. કોઇકે ચુંબનની વ્યાખ્યા આપતાં કહ્યું હતું કે ચુંબન એ બીજું કશું નથી પણ કાનને કહેવાની વાત હોઠને કહેવાય છે. અત્યાર સુધી ગોપીઓને ગાયો ની પાછળ દોડતા કૃષ્ણ સામે વાંધો વચકો હતો. ગાય ગોપી માટે ઇર્ષાનું પાત્ર હતી. કૃષ્ણ ધરતી પર પગ મૂકે છે એટલા માટે કંઇક અંશે ધરતી પણ ઇર્ષાનું પાત્ર બની. ભલે નાગને નાથવા માટે કૃષ્ણએ નાગની ફણા પર પગ મૂક્યો. પણ ઇર્ષાનું વિષ એ ક્ષણે ગોપીના હૃદયમાં પણ વ્યાપ્યું છે. આ ઇર્ષ્યાથી પ્રેરાઇને ગોપીઓ કૃષ્ણને વિનંતી કરે છે કે તમે તમારાં ચરણઅમારા સ્તન પર મૂકો.લૌકિક પ્રેમની સાથે કેટલાંક તત્ત્વો કાયમ માટે વણાયેલા છે.ઇર્ષા, શંકા,માલિકીભાવ ઇત્યાદિ.હવે ઇર્ષાનું પાત્ર વાંસળી બને છે. વાંસનો મામૂલી ટુકડો કેટલો નસીબદાર.એણે કેટલા પુણ્ય કર્યા હશે. કાં તો એ રહે કૃષ્ણના હોઠ પર કાં તો એની કેડ પર કાં એના હાથમાં, વાંસળી વિનાના કૃષ્ણની કલ્પના જ ન થઇ શકે. ગોપીનોને વાંસળીનો સંબંધ કેવળ ઇર્ષાનો નથી.એ પ્રેમનો પણ સંબંધ છે અને ધિક્કારનો પણ છે. આ લવ-હેટ રિલેશનશીપ છે. આ એજ વાંસળી છે કે જેના સૂરના કારણે ગોપીઓ ઘેલી ઘેલી થાય છે, કારણકે કૃષ્ણ પોતાનું હૃદય વાંસળીના સૂરમાં ઠાલવે છે.અને એ સૂર ગોપીના હૃદય સુધી પહોંચે છે. આમ જોઇએ તો ગોપી વાંસળીના સૂરની ઓશિયાળી છે, પણ આ નિર્જીવ વાંસળી કૃષ્ણના હોઠ ઉપર રહે એ અસહ્ય છે. ઇર્ષા હંમેશા ભાન ભૂલી જાય છે .વિવેક ચૂકી જાય છે ,ન કહેવાનું કહેવાઇ જાય છે, સજીવ કૃષ્ણ જેને સ્પર્શે એને નિર્જીવ કેમ કહેવાય? પણ ગોપીઓનો વાંધો અહીંયા જ છે ,સજીવ ગોપીઓને નિર્જીવ કરીને કૃષ્ણ પોતે અદૃશ્ય થઇ ગયા અને વાંસળી જેવી નિર્જીવ ચીજમાં કૃષ્ણએ પોતાનું મન પરોવ્યું.કાલિદાસે મેઘદૂતમાં યોગ્ય રીતે કહ્યું છે કે જે કામથી આકુળ-વ્યાકુળ હોયછે એને જડચેતનના ભેદ હોતા નથી. અહીં એક બીજી વાત પણ છે,આ ગોપીઓ કેવી છે? એક વાર કૃષ્ણનું શરણ લીધું, એકવાર કૃષ્ણનું અમૃત પીધું પછી કોઇ કરતાં કોઇની રહી નથી, એ પોતાના ઘરની નથી.પોતાના સંસારનીપણ નથી. આ દુનિયા કે દુનિયાદારીની નથી. ગોપીએ કૃષ્ણ પ્રત્યે મીટ માંડી છે.અને દુનિયા તરફ પીઠ કરી છે.અહીં એક સરસ શબ્દપ્રયોગ છે- ઇતરરાગવિસ્મરણ એટલે કે બીજા કોઇના પણ પ્રેમની તમા નથી,પરવા નથી. કૃષ્ણ સાથે સંબંધ સ્થાપ્યો અને અન્ય સાથેનો સંબંધ ઉથાપ્યો(કાપ્યો).જાતની પણ ન રહી અને જગતની પણ ન રહી. લૌકિક સંબંધના સંદર્ભમાં કાંતની ચાર પંક્તિઓ યાદ આવે છે.

વસ્યો તારે હૈયે
રહ્યો એ આધારે
પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નથી
નવા સંબંધોનો સમયરસ ભીનો પણ ગયો.
કાન્તના કાવ્યમાં તો નવા સંબંધનો સમય ન રહ્યો એની આછી અમથી પણ વેદના છે.ગોપીઓના ભાગે માત્ર વેદના છે એને ઇતર કોઇ રાગ જોઇતો જ નથી. એને કૃષ્ણ સિવાય અવરમાં રસ નથી.મીરાંની એક જ પંક્તિ વાતને વ્યક્ત કરવા માટે પૂરતી છે:
“મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઇ”
ગોપીને માટે મોહનની પ્રીતિ એ મહેંદી નથી કે આજે મૂકોને કાલે ઊડી જાય.મોહનની પ્રીતિ એ હથેળી પર મૂકવાની વાત નથી.એ તો હથેળીમાં કાયમ અંકિત ગયેલી રેખા છે.પ્રાણ ઊડે પણ અંકિત થયેલી હથેળીની રેખા તો એમ ને એમ જ રહે. કૃષ્ણની પ્રીતિ એ રણઝણતા વાયરામાં ફરફરતા કેશ નથી,એ તો સિંદુર પૂરેલી સેંથી છે. માધવની પ્રીતિ એટલે કે માધવ માટેની ગોપીની પ્રીતિ ,એ માટીનું બેડું નથી કે આજે છલકાયું અને કાલે ખાલી થયું.આ પ્રીતિ તો જનમ-મરણના બે કાંઠા વચ્ચે સતત વહેતી અને કાંઠાની પાર પણ લઇ જતી યમુના છે. મોહનની પ્રીતિ એ આકાશમાં પ્રગટ થતું અને ક્ષણવારમાં વિલીન થતું મેઘધનુષ નથી પણ શિર પર ઝૂલતું આકાશ છે એ કોઇ વિખૂટો શબ્દ નથી પણ શ્વાસમાં ગૂંથાયેલો શ્વાસ છે. વાંસળી ગોપીનું સારસર્વસ્વ પણ છે અને સાથે સાથે એ વાંસળી ઇર્ષાનું પાત્ર છે. ક્યારેક એને વાંકાબોલી અને અળખામણી લાગે છે,ક્યારેક વ્હાલી લાગે છે.ક્યારેક એની સાથે વાંકુ પડે છે અને છતાંયે ગોપીનો વાંસળી સાથેનો સંબંધ સહેજ પણ ઓછો નથી કારણકે વાંસળી જ એમના પ્રેમમાં નિમિત્ત બને છે. કૃષ્ણને વાંસળીના એટલે કે સગુણ અને નિર્ગુણ,સાકાર અને નિરાકાર. અહીં વાંસળીના ઐશ્વર્યને વાણીમાં જોઇએ :
મોરલી અમથી નહીં મીઠી મીઠી વાગે
કે મોરલીના સૂરમાં જમનાનાં વ્હેણ છે.
મોરલી અમથી નહીં મીઠી મીઠી લાગે;
કે મોરલીના સૂરમાં માધવના ક્હેણ છે !
કે મોરલીમાં ઝૂલે કદમ્બની છાયા,
કે મોરલીમાં મહેકે મોહનની માયા.
મોરલી મારગ રોકીને દાણ માંગે;
કે મોરલીના સૂરમાં ગોરસનું ઘેન છે !
કે મોરલીના સૂરનો શ્યામ રંગ ફરકે,
કે મોરલીના સૂરમાં મોરપિચ્છ મરકે.
મોરલીમાં ભવભવની ઓળખાણ જાગે;
કે મોરલીના સૂરમાં ક્હાનાના નેણ છે !

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,836 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: