વૈષ્ણવજનતો…/નરસિંહ મહેતા

વૈષ્ણવ જન તો…/નરસિંહ મહેતા
ભજનયોગ/સંપાદક:સુરેશ દલાલ/પાનું 73

વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ, કાછ, મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.
સમદૃષ્ટિ ને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામનામશું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયો તેનું દરશન કરતાં કુળ ઇકોતેર તાર્યા રે.

નરસિંહ મહેતાનું આ પદ સાંભળ્યું તો ઘણા બધાએ હોય. ગાંધીજીને નિમિત્તે એ પ્રસિધ્ધથયું. આ કાવ્ય એ કેવળ સાંભળવાનું નથી, પણ અંતરની આંખથી ઉકેલવાનું છે.કોઇક નવોસવો આધુનિક ઉકળાટમાં એમ પણ કહી બેસે કે એમાં તો વૈષ્ણવજનની વ્યાખ્યાઓ છે, કવિતા ક્યાં છે?આપણે એને સમજાવવું પડે કે ‘સકળ તીરથ તેના તનમાં રે; એ પંક્તિમાં પણ તને કવિતાનો શ્વાસ નથી સંભળાતો? પોતાની પીડા તો બધાં જ જાણે છે, પણ પારકાંની પીડાને જાણવી અને પોતાની કરવી, અને એ પીડાને દૂર કરવા માટે થાય તે બધું જ કરી છૂટવું , એ સંતોની ક્રીડા ભૂમિ છે.માણસો કોઇનું દુઃખ જોઇને દ્રવી જાય અને આવેશમાં ઉપકાર પણ કરે, ઓઅણ પછી ઉપકારના લાઉડ-સ્પીકર્સ ચારે બાજુ ગોઠવી દે.સ્થૂળ અને સૂક્ષ્મ અભિમાનને પોષ્યા કરે—આવું બધું સામાન્યપણે સંસારીઓ કરતા હોય છે; પણ જે માણસ સ્વસ્થ અને સ્થિતપ્રજ્ઞ છે, બીજાના દુઃખને કારણે દ્રવે-એમાં કોઇ આવેશ ન હોય, પણ સમજણ હોય અને પોતે કાંઇક ઉપકાર કરે તો, આ ઉપકાર છે એની પણ સભાનતા ન હોય અને એને કારણે મનમાં અભિમાનનું નામનિશાન ન હોય. મનમાં તો એટલું જ હોય કે ચાલો આપણે નિમિત્ત બન્યા અને કોઇકનું દુઃખ દૂર થયું. ઉપકાર કર્યા પછી પોતે કરેલા ઉપકારોની યાદી મનમાં સાચવવી અને સામાને યાદ કરાવ્યા કરવું અને આવા ઉપકારોની ફલડ લાઇટ ફેંક્યા કરવી એ અંતે તો આસપાસ અંધારું જ સર્જે છે. આ કાવ્યમાં એકએક શબ્દ એટલો બધો મહત્ત્વનો છે કે સાચો સહૃદય કોઇપણ શબ્દને ઓળંગીને વાત ન કરી શકે.
‘સકળ લોકમાં જે સહુને વંદે’ તે વૈષ્ણવજન. અમુકને જ વંદે, કોઇકને સલામ કરે, કોઇકને પ્રણામ કરે, કોઇક સાથે હસ્તધૂનન કરે, કોઇક સથે ચક્ષુધૂનન કરે, કોઇકને પાસે બોલાવે, કોઇકને તરછોડે,– આમાં તો ગમા અને અણગમા હોય, પૂર્વગ્રહ અને પક્ષપાત હોય. પણ સંતને પ્રત્યેક જનમાં વસંત જ દેખાય,ચૈતન્યનો ઉલ્લાસ દેખાય. માનવની પાછળ માધવ દેખાય. આપણે જેને પામર કહીએ એની પાછળ એને પરમ દેખાય અને એ હાથથી નહીં, પણ અંતઃકરણથી સૌને વંદન કરતો કરતો ભવાટવિનો મારગ કાપતો જાય,એ ઘટના છાપામાં હેડલાઇન બને એવા સમાચાર નથી, અને હોયતો પણ વૈષ્ણવજનને એમાં કોઇ રસ નથી.
આપણે સહેજ વિચારી જોઇએ, જાતને પૂછી જોઇએ કે દિવસ આખામાં આપણે વ્યક્તિઓની વાતને નિમિત્તે કેટલી નિંદા કરીએ છીએ? વિચારો કે ભાવનાઓની તો અરસપરસ આપલે થતી નથી, પણ રાત ને દિવસ, દિવસ ને રાત, સ્થળેસ્થળે અને પળેપળે નિંદારસનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. નિંદા પણ આઅપણે હિત અને હેતુથી કરતાં હોઇએ છીએ.કોઇને ઉતારી પાડવા, કોઇનું મૂર્તિખંડન કરવા; વૈષ્ણવજન આવી વૃત્તિ અને પ્રવૃત્તિથી, આવી વિકૃત્તિથી ઊફરો ચાલે છે અને એ મેળવેલી કે કેળવેલી નહીં પણ સહજ પ્રકૃત્તિ છે. વાણી, કાયા અને મન એ ત્રણે સાથે હોવા છતાંયે ત્રણેના રસ્તા જુદા છે. આ ત્રિવિધની એકતા ભાગ્યે જ જોવા મળે. અને મન તો એટલું ચંચળ છે છે કે એને નિશ્ચલ રાખવા માટે ભગીરથ પુરુષાર્થ જોઇએ. મન સ્થિર હોય તો સબ સલામત. જે સ્ત્રી આવા વૈષ્ણવજનને જન્મ આપે એ ધન્યધન્ય કહેવાય. પશુઓ પણ જણે છે, પણ માનવતાના મેરુ જેવા માણસની માતા થવું એ તો ભાગ્યની પરાકાષ્ટા છે.
કોઇના પર બહુ વરસી જવું કે કોઇને કાયમના તરસ્યા રાખવા, કોઇકને આવકાર આપવો ને કોઇકને હડધૂત કરવા, એ વિષમ દૃષ્ટિ છે, સમદૃષ્ટિશીલ માણસ ભેદભાવ નહીંકરે. ગણિત અને ગણતરી નહીં કરે.પણ સમદૃષ્ટિ કોણ રાખી શકે?જેણે તૃષ્ણાનો ત્યાગ કર્યો હોય. આ તૃષ્ણા જ આપણી પાસે હલકાં કામો કરાવે છે. પારકાંની સ્ત્રી પર નજર રાખવી,સ્ત્રીમાત્રને ભોગવિલાસનું સાધન બનાવવી, એ બહારવટિયાવૃત્તિ છે.બહારવટિયા તો ધનને લૂંટીને જાય છે, આ તો કાયા લૂંટનારા છે. એમનીપાસે પોતાની કોઇ આચારસંહિતા નથી.જે થાળીમાં જમે એમાં થૂંકતા પણ શરમાતા નથી.આ તો આપણે બધું વિવરણ કર્યું; પણ નરસિંહે તો અડધી પંક્તિમાં કહ્યું’પરસ્ત્રી જેને માત રે’ આખી માનવજાત અસત્યના પ્રયોગો પર નભે છે,એમાં કોઇક સત્યના પ્રયોગ કરનાર જન્મે છે અને જીવે છે.જીભ આમ તો શરીરમાં લપાઇ છુપાઇને રહે છે. પણ અભી બોલા, અભી ફોક કે બોલવું કંઇ ને કરવું કંઇ એવી વૃત્તિ એ માણસને જાણે કે કોઠે પડી ગઇ છે. વૈષ્ણવજનની વાણી અને એના વર્તનમાં સંવાદ હોય છે,વિવાદ નથી હોતો. પારકાંના ધનની ઇચ્છા નથી હોતી. પરધનને ઝાલે તો હાથ અને જીવન બંને અભડાય, આવો કોઇ વિચાર જ ન હોય તો વર્તન તો ક્યાંથી હોય?
ઇશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્.
તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્.
આ જગતમાં જે કંઇ (સ્થાવર) જંગમ છે તે બધામાંઇશ્વરનો વાસ છે.તેણે આપેલાનો તું ઉભભોગ કર. કોઇના ધન માટે લોભ કર નહિ.
મોહ અને માયા એ આપણી ઇમારતમાં ભોંયતળિયું છે.આમ તો એ તળિયે હોય છે, પણ એનો વ્યાપ એ ખાસ્સો હોય છે.કદાચ આપણી સર્વ પ્રવૃત્તિ પાછળ આ મોહમાયા સરસેનાપતિ જેવાં છે.પાઠકની એક પંક્તિ છે કે ‘પ્રતારણાનું છિદ્ર છે વાસના જ ‘ આપણે આપણી વાસનાથી છેતરાઇએ છીએ અને કોઇકની વાસના જાણી જઇએ છીએ પછી એને છેતરવાના પ્રયત્ન કરીએ છીએ. મનુષ્ય સહજ નબળાઇઓને સંત ઓળંગી જાય છે.રાગ નહીં પણ વૈરાગ્ય, એ એના મનમાં ન ડોલે એવું આસન જમાવીને બેઠો છે. ગોળગોળ ઘૂમતા સંસારના રાસમાં એ હોય છે ખરો, પણ એની તાળી બડે ઘર લાગી ગઇ હોય છે. જેને રામનામ સાથે સંબંધ છે, એ બીજામાં શું કામ પડે? ગંગા-યમુના કે આપણાં અડસઠ તીરથ એ તો એની કાયામાં કાયમના વસેલાં છે. એવા નર—સિંહો પણ છે કે જેમને મળીએ ત્યારે આસપાસ સાત્ત્વિકતાની ફોરમ ગુંજ્યા કરે.
કહેવાય છે કે બધાં જ્ક પાપનું મૂળ લોભમાં છે અને આ લોભને થોભ નથી હોતો. લોભ અને લાભ એ સાથે જ હોય છે અને એટલે જ શુભ દૂર ને દૂર રહે છે. લોભ અને લાભને કારણે જ છળ-કપટ-પ્રપંચ થતાં હોય છે. નિષ્કપટ માણસ વિરલ છે અને આવો વિરલ જ વૈષ્ણવજન કહેવાય. કામ અને ક્રોધને નિવારવા સહેલા નથી. કામ, કામના, વાસના, લાલસા, અહંની આતશબાજી—પરિણામે ક્રોધ. આ રજોગુણ અને તમોગુણ અને એની ગઠરિયાંઓ અને એનો ભાર આપણી હોડીને ડુબાડે છે. કામ એષઃ ક્રોધ એષઃરજોગુણસમુદભવઃ
મહાશનો મહા પાપ્મા વિધ્યેનમિહ વૈરિણમ.
(ગીતા 3:37)
એ તો કામ તથા ક્રોધ,જન્મ જેનો રજોગુણે,
મહાભક્ષી મહાપાપી, વેરી તે જાણજે જગે.
રજોગુણમાંથી ઉત્પન્ન થયેલો એ કામ છે, ક્રોધ છે અતિશય લોભી અને પાપી એવા એને અહીં શત્રુ જાણ. નરસિંહ છેલ્લે કહે છે કે આવા વૈષ્ણવજનનું દર્શન થાય તો આપણા એકોતેર કુળ તરી જાય. મારે આ કાવ્ય વિશે અત્યંત સંક્ષેપમાં જો કાંઇ કહેવાનું હોયતો એટલું જ કહીશ કે આ દશ પંક્તિમાં ગીતાના અઢારે અધ્યાય સમાઇ ગયા છે અને ગુજરાતી કવિતાના આદિકવિ નરસિંહે આ કાવ્ય આપીને કવિતાનાં એકોતેર કુળ તો તાર્યા જ છે.

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
One comment on “વૈષ્ણવજનતો…/નરસિંહ મહેતા
  1. pragnaju કહે છે:

    પેઢી દર પેઢી ગવાતું આ ભજનની સવિસ્તર સમજુતી વાંચી ચિત
    પ્રસન્ન-પ્રસન્ન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,315 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: