કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પાનું 31 અને 32
અર્જુનના સુભદ્રા સાથે લગ્ન
અર્હુનના સુભદ્રા સાથેનાં લગ્નનો કૃષ્ણનો નિર્ણય સુભદ્રાના, પોતાના કે યાદવોના હિતને લક્ષમાં લઇ કરાયો ન હતો, અર્જુનના હિતને લક્ષમાં લઇને કરાયો હતો,યાદવો, ખુદ બળરામ પણ અર્જુને સુભદ્રાનું હરણ કર્યું તેનો વિરોધ કરતા હતા.પણ કૃષ્ણે કેવળ અર્જુનના કલ્યાણ માટે આ યોજનામાં સાથ આપ્યો હતો. આ પ્રસંગ પણ યાદ કરવા જેવો છે. અર્જુન સુભદ્રાને લઇ સુવર્ણરથ પર પોતાના નગરની દિશામાં જવા લાગ્યો ત્યારે સૈનિકો ચીસો પાડતા દ્વારકા નગર તરફ દોડ્યા.ત્યાંની ‘દેવસભા જેવી રાજસભા’માં આ કહી સંભળાવ્યું. મહારથી અને પુરુષવ્યાઘ્ર જેવા વૃષ્ણિ અને અંધક વંશના નેતાઓ ઝટપટ સિંહાસનો પરથી ઊભા થઇ ગયા; અને અર્જુને કરેલા હરણની વાત સાંભળીને કોઇકે કહ્યું: ‘લડાઇની તૈયારી કરો.’ કોઇએ શરાસન તથા કવચ મંગાવ્યાં. કોઇએ સારથિને રથ તૈયાર કરવા કહ્યું. રથ, કવચ, ધ્વજા ઇત્યાદિ લાવવા માટે દોડાદોડ મચી ગઇ.પણ એ વખતે બળરામે કહ્યું: ’તમે સૌ દોડાદોડ કરો છો, પણ પહેલાં કૃષ્ણને તો પૂછો કે એને શું કહેવું છે?’ અને પછી કૃષ્ણને બળરામ પોતાનો મત તો સાફસાફ કહે છે :
કથં હિ શિરસો મધ્યે પદં તેન કૃતં મમ,
મર્ષયિષ્યામિ ગોવિન્દ પાદસ્પર્શમિવોરગઃ
( આદિ.212;30)
હે ગોવિન્દ, એણે (અર્જુને) મારા મસ્તક પર લાત મારી છે. સર્પ જેમ બીજાના પગને સહન નથી કરી શકતો, તેમ હું પણ આ સહન નહિ કરી શકું.
આ બધો વખત શાંત બેઠેલા કૃષ્ણ હવે બોલે છે. એ તો અર્જુને જે કર્યું તેમાં કુળનું અપમાન નથી થયું એમ સમજાવે છે. પછી કહે છે કે સુભદ્રા જેવી યશસ્વિની છે, એવો જ પાર્થ ગુણવંત છે ! વળી આ અર્જુનને હરાવી શકે એવું ત્રિલોકમાં છે કોણ? અને આગળ ચાલતાં કૃષ્ણ કહે છે:
સ ચ નામ રથસ્તાદક મદીયાસ્તે ચ વાજિનઃ
(ઍઍડિ. 213;9)
શબ્દનો અર્થ તો આટલો જ છે: ‘એક તો એવો એ રથ અને એવા એ મારા અશ્વો.’ પણ આ એક ચરણ પર એક પુસ્તક લખી શકાય એટલું દૈવત તેને મળ્યું છે.કૃષ્ણ જે થોડીક અધિકારવાણી ઉચ્ચારે છે, એમાંની આ એક છે. એ કહે છે: એક તો અર્જુનનો રથ છે: અને એને મારા અશ્વો જોડેલા છે. ‘તે મારા અશ્વો ‘ એ શબ્દ પર ભાર મુકાયો છે. અર્જુનનો રથ દુર્જેય ક્યારે બને છે? જ્યારે કૃષ્ણના અશ્વો તેને જોડવામાં આવે ત્યારે. રથને દેહ તરીકે ઓળખાવી, અશ્વોને પ્રભુપ્રેરિત ઇન્દ્રિયો સાથે પણ સરખાવી આશ્લોકને નવા અર્થમાં ઉપસાવી શકાય. આ દેહરૂપી રથ પણ જ્યાં સુધી પ્રભુના અશ્વો જોડાતા નથી, ત્યાં સુધી નિરર્થક છે, પણ એકવાર પ્રભુના અશ્વો જો રથને જોડાય તો કોની મજાલ છે કે રથને રોકી શકે? અર્જુન અજેય છે; ત્રણ લોકમાં માત્ર શંકર સિવાય કોઇ એને હરાવી શકે એમ નથી; અને એના એ રથ સાથે જોડાયા છે કૃષ્ણના અશ્વો.
Posted in Uncategorized
પ્રતિસાદ આપો