ચારણ-કન્યા/ઝવેરચંદ મેઘાણી

ગુરૂવાર,પહેલી મે 2008,(ગુજરાત સ્થાપના દિવસ) ચૈત્ર વદ એકાદશી 2064

ચારણ –કન્યા/ઝવેરચંદ મેઘાણી/સોના-નાવડી/પાનું 168

સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે?
બાવળનાં જાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાંવાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે આંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !

જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ !લસ ! કરતી જીભ ઝુલાવે.
બહાદર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડ્ગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે
ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા !તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે
ગા-ગોઝારા ઊભો રે’જે !
ચારણ-કન્યા !
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઊઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણમેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મુછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
**1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે.ત્યાંની હીરબાઇ નામની એક ચૌદ વરસની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો. ”તુલસી શ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા. ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થાવા માંડ્યા.રોળકોળ વેળા થઇ હતી. ખાડું –ધણ ઝૂંપડે આવતાં હતાં.તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી, અમે બધાં દોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી.સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી,પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી…. એ વખતે ‘ચારણૅ-કૅણ્યૅઍ’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા.અમે એમને માંડમાંડ પકડી રાખેલા”(દુલા કાગ)

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
9 comments on “ચારણ-કન્યા/ઝવેરચંદ મેઘાણી
 1. વિવેક ટેલર કહે છે:

  દુલા ભાયા કાગની વાત વાંચી રૂંવાડા ખડા થઈ ગયા…

  આભાર…

 2. ઊર્મિ કહે છે:

  સાચે જ ગોપાલકાકા… ફૂટનોટ વાંચવાની ખૂબ જ મજા આવી… કંઇક નવિન જાણ્યું… અને વિવેકે કહ્યું એમ સાચે જ રૂંવાડા ખડા થઈ ગયા હોં…

 3. pragnaju કહે છે:

  ગીરમાં તુલસીશ્યામની મુલાકાત તો ભાગ્યે જ કોકે ન લીધી હોય!અને આ ચારણ કન્યાની વાત દુલા કાગની કહેલી હોય ત્યારે તે કેવી સુંદર લાગે!!આવી વાતની કવિતા ઝવેરચંદ મેઘાણી લખે ત્યારે ફરી વાંચવાનો એટલો જ આનંદ.સાથે બે કાવ્યો યાદઆવે…હૃદયમાં ‘મીઠી ! મીઠી !’નાં પડઘા અચૂક પડે છે… શ્રી વિઠ્ઠલરાય આવસત્થીના આ કાવ્યનું વિષયવસ્તુ અને અંગ્રેજકવિ વર્ડ્ઝવર્થના કાવ્ય ‘Lucy Grey’ નું વિષયવસ્તુ સમાન છે. બહાર ગયેલી મા ને બરફના તોફાનમાં મદદ કરવા માટે હાથમાં ફાનસ લઈને લ્યુસી નીકળી પડે છે અને આપણી મીઠીની જેમ ક્યારેય ઘરે પાછી ફરતી નથી…
  ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,
  ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ.
  સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
  ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.
  નવાણ છે નવ કોસનું, ફરતા જંગી ઝાડ,
  રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.
  પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
  મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.
  શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
  વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.
  કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
  રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.
  ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
  બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યાં તૈયાર.
  સોંપ્યું સાથી સર્વને બાકી બીજા કામ,
  સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.
  પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
  રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

  કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
  કીકો લાવ મારી કને, જા તું બાપુ.
  હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
  ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા’.
  ‘ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
  દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?
  મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
  દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.’
  કહી એમ માથે લઈ ભાત ચાલી,
  મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.
  વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
  ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.
  ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
  સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.
  હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
  એમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત.
  બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ,
  થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.
  ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં ઝકડાઈ,
  મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ.
  વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ !
  વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂની બની સૌ વાટ !
  સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
  રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.
  પ્હોંચી ઘેર પાંચો કરે ‘મીઠી! મીઠી! સાદ :
  ’મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ’.
  પટલાણી આવી કહે: ‘મેલી છે મેં ભાત,
  મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?’
  ’મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
  કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ !
  બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
  ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ.
  નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ,
  ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુ:ખ.
  ’મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ,
  જવાબ પાછો ના મળે તેથી કર વિલાપ.
  પડતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
  તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.
  ખાલી આ કોણે કરી? હશે સીમના શ્વાન?
  મીઠી કાં મેલી ગઈ? –બોલે નહિ કંઈ રાન.
  વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
  મીઠી કેરી ઓઢણી—પોકે પોકે રોય.
  ’હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર !’
  ઉત્તર એનો ના મળે: બધુંયે વિશ્વ બધિર.
  નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
  ’મીઠી! મીઠી!’ નામથી રડતાં આખી વાટ.
  વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત,
  તો પણ દેખા દે કદી મીઠે માથે ભાત.
  LUCY GREY
  Oft I had heard of Lucy Gray,
  And when I cross’d the Wild,
  I chanc’d to see at break of day
  The solitary Child.No Mate, no comrade Lucy knew;
  She dwelt on a wild Moor,
  The sweetest Thing that ever grew
  Beside a human door!You yet may spy the Fawn at play,
  The Hare upon the Green;
  But the sweet face of Lucy Gray
  Will never more be seen.
  “To-night will be a stormy night,
  You to the Town must go,
  And take a lantern, Child, to light
  Your Mother thro’ the snow.”
  “That, Father! will I gladly do;
  ‘Tis scarcely afternoon—
  The Minster-clock has just struck two,
  And yonder is the Moon.”
  At this the Father rais’d his hook
  And snapp’d a faggot-band;
  He plied his work, and Lucy took
  The lantern in her hand.
  Not blither is the mountain roe,
  With many a wanton stroke
  Her feet disperse, the powd’ry snow
  That rises up like smoke.
  The storm came on before its time,
  She wander’d up and down,
  And many a hill did Lucy climb
  But never reach’d the Town.
  The wretched Parents all that night
  Went shouting far and wide;
  But there was neither sound nor sight
  To serve them for a guide.
  At day-break on a hill they stood
  That overlook’d the Moor;
  And thence they saw the Bridge of Wood
  A furlong from their door.
  And now they homeward turn’d, and cry’d
  “In Heaven we all shall meet!”
  When in the snow the Mother spied
  The print of Lucy’s feet.
  Then downward from the steep hill’s edge
  They track’d the footmarks small;
  And through the broken hawthorn-hedge,
  And by the long stone-wall;
  And then an open field they cross’d,
  The marks were still the same;
  They track’d them on, nor ever lost,
  And to the Bridge they came.
  They follow’d from the snowy bank
  The footmarks, one by one,
  Into the middle of the plank,
  And further there were none.
  Yet some maintain that to this day
  She is a living Child,
  That you may see sweet Lucy Gray
  Upon the lonesome Wild.
  O’er rough and smooth she trips along,
  And never looks behind;
  And sings a solitary song
  That whistles in the wind.

 4. સુરેશ જાની કહે છે:

  આ કવીતા અમદાવાદમાં રાજકોટના એક રેડીયો આર્ટીસ્ટના મુખે સાંભળી હતી. ત્યારે એમની વાંચન શૈલીથી વાતાવરણમાં એ ઘટના છવાઈ ગયેલી અનુભવી હતી.
  સ્કુલમાં પણ આ કવીતા ભણેલો છું. અમારા ગુજરાતી શીક્ષક શાસ્ત્રી સાહેબે પણ એ બહુ સરસ રીતે ગાઈ હતી.
  આપણા આ રાશ્ટ્રીય શાયરની જીવનઝાંખી વાંચો –
  http://sureshbjani.wordpress.com/2006/06/03/zaverchand_meghani/

 5. ચારણ-ક્ન્યાનું ગીત જ્યારે જ્યારે સાંભળીએ કે વાંચીએ ત્યારે એજ કાઠિયાવાડી જુસ્સો, જોમ અને
  નિર્ભયતા યાદ આવી જાય…સાથે સાથે સોરઠ, કાઠિયાવાડની ભૂમી પર પગપળે મુસાફરી કરી સૌના મૂખે સાંભળેલી વાતો ને આપણી સમક્ષ મૂકતા ઝવેરચ્ંદ મેઘાણીની તસ્વીર આપણી સામે આવી જાય!

 6. rohit vavadia કહે છે:

  charan kanya git sambhalvu chhe kya male?
  gujarati varaso have kyarey bhulashe nahi no santosh thayo

 7. R K PARMAR કહે છે:

  meghaniji ne apeli kavi kage anjali
  chanda,geeta ne sortha e sortha sarvani
  rata pani ye a roya marta meghani
  tari kavta tana jene pidhela pani
  a ne lakha sarovara na pani mola lagya meghani

 8. rasik savaj કહે છે:

  Khare khar bal pan yad avigayu

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 621,397 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: