દીકરો//ઝવેરચંદ મેઘાણી

દીકરો ! //ઝવેરચંદ મેઘાણી//સૌરાષ્ટ્ર ની રસધાર ”આપા દેવાત! આ તમ સારુ થઇને હોકાની બજરનું પડતલું આણ્યું છે. મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.”
એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુંનું પડતલું ધરે છે અને જાણે કોઇ ખાંડિયાની પાસે નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકું હલાવે છે.એની સોનાની વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે. ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે:”આપા દેવાત! આ નવોનકોર હોકોય હું ગંગા-જમની તાર મઢાવીને ખાસ તમારા સાટુ જ લાવેલ છું. સારું રાચ તો ઠેકાણે જ શોભે ને, બા!” થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે.
“—ને આ ઊનની દળી—“ એમ કહેતા ત્રીજા ભાઇ આગળ આવે છે: “આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઇ પડશે.ઘોડીનું ડિલ નહિ છોલાય. ખાસ બનાવીને આણી છે, હો!” ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓઘડવાળાનાં આઇને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઇ છે.દેવાતને રીઝવવા સારુ સહુ મથે છે. દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને. આઘેની એક થાંભલીને થડ ડિલ ટેકવીને એક આઘેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે.પછેડીની પલાંઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે.એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછેછે: “કાઠીઓમાં આ કઢીચટ્ટાપણું કયારથી પેઠું, ભાઇ?જેની આટલી બધી ભાટાઇ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક?”
“ચૂપ, ભાઇ ચૂપ! આપા લાખા ! તું હજી છોકરું છો. તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડ્યો જાત.”
“હું? મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી દેવા જાઉં? ના,ના, એથી તો ભલું કે સૂડા, પોપટ ને કાગડા મારાં ફળને ઠોલે. કાઠીના દીકરા તો સહુ સરખા: કોણ રાંક, ને કોણ રાણા! આવી રજવાડી ભાટાઇ મારાથી તો ખમાતી નથી.” બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા, અને વચ્ચોવચ બેઠેલો વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું.ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું: “ઇ કોણ મુછાળો ચાંદા કરેછે ત્યાં બેઠો બેઠો? ઉઘાડું બોલો ને, બાપા!” ”આપા દેવાત વાંક!” આદમીએ થડ્ક્યા વિના જવાબ દીધો: “ઇ તો હું લાખો વાળો છું ને ભણું છુ6 કે કાઠીના દીકરા તો સહુ સરખા:છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઇ કરવા બેસી જાય, ઇથી તો આપા દેવાતને પણ દુઃખ થાવું જોવે, હરખાવું નો જોવે.”
“આપા લાખાવાળા ! તયેં તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે, બા !” ”તું તારે ચડી આવજે, આપા દેવાત! હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું ,પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ; આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.”
“લે ત્યારે, લાખાવાળા!” એમ બોલીને દેવાતવાંકે પોતાની અંજલિમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું:” લાખાપાદરને માથે જો હું મીઠાનાં હળ હાંકું,તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે, નીકર…..” ”હાં….હાં….હાં…. ગજબ કરો મા, બા!” એમ કરતો આખો ડાયરો આડો પડ્યો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું: “આપા, લાખો વાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી. તમારે સમદર પેટ રાખવું જોવે.” ”ના ના, આપા દેવાત ! મારું નોતરું અફર જાણજે, હોકે!” એમ કહીને લાખો વાળો તરવાર ભાલો લઇને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો:” કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીચ ન હોય; પણ તમે સહુએ બી-બીને દેવાત જેવા એક લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીન ધણીને નજરાણાં દેવાનો મોખ નથી, બાંધે એની તરવાર, અને ગા વાળે ઇ અરજણ; એમાં ભેદભાવ ન હોય.”
એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો. ***********************************************
ચલાળા ગામથી ચાર ગાઉ ઉપર, બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાયછે.કાળા પથ્થરોની એની ભેંકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરાં ધીરાં ગર્જતાં એનાં પાણી વહ્યાં જાયછે: જાણે કોઇ ભૂતાવળ નાં છોકરાં માને ધાવતાં ધાવતાં હોંકારા કરી રહ્યા છે. એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે. લાખાપદરની ચોપાસ નદીઓ જ ચાલી જાયછે.ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગક્ન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે.સતજુગના ઋષિ જેવા એક જૂના વડલા ની છંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે.એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યાં છે. પડખે જ શંકર બેઠાં છે. ત્યાં કુદરતે એકસામટી
ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે.નીચે એ ગૌમુખી ને ઝીલનારો કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે.નીચાણમાં ઊંડો ધરો છે.વડલા ઉપર મોર ટહુકે છે. ગૌમુખીનાં નીર ખળ્ખળે છે.કુંડમાં નાની માછલીઓ તગતગે છે, ને ધૂનામાં મગરો શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા કેવી જુક્તિથી આંકેલી છે. ! એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતાં: શૂરવીર ને પ્રેમી હતાં.એ ગામના તોરણ બાંધનારો જ આ લાખા વાળો. ધાનાણી શાખનો એ કાઠી હતો. લાખાપદર આવીને એણે ભાઇઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઇઓ પણ થથર્યા. તે દિવસથી લાખો વાળો પરગામ જઇને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલરટાણે તો ઝાંપામાં આવી જ પહોંચે.
એ વાતને તો છ-આઠ મહિના થઇ ગયા.લાખા વાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો, ને કાં તો થડકી ગયો.એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખો વાળો ચલાળે ગયેલ છે. ઓઘડ વાળાની એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડ્યે એણે રજા માંગી, પણ ઓઘડવાળો કહે: આપા, આજની રાત તો નહિ જાવા દઇએ; અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે?” લાખો વાળો કચવાતે મને રોકાયો. આંહી લાખાપાદરમાં શું થયું? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઇને આવેછે. ગામનો ઝાંપો બંધ કરી , આડાં ગાડાં ગોઠવી , લોકો હથિયાર લઇ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઇ,ઊલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખા વાળા ઉપર દાઝે બળી ગયા.
દેવાતનું કટક પડ્યું. ઝાંપા ઉપર લાખાપાદરના કંઇક જુવાન કામ આવ્યા.ઝાંપો તૂટ્યો, કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઇ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા મંડ્યા.
ગામમાં મસાણ જેવી શાંતિ છવાઇ ગઇ.દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઇ રહ્યો છે. એ લાખાવાળાની ફળીમાં જઇને હાકલા કરવા મંડ્યો: “કાઠી! બા’રો નીકળ,બા’રો નીકળ. તે દી તું ક્યે મોઢે બકી ગયો’તો!” ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી.એણે જવાબ દીધો: “આપા દેવાત! કાઠી ઘરે હોતતો શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહિ.” ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઇને લાખા વાળાની દીકરી હીરબાઇ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઇ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઇક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહિ. એ શાંત ઊભી હતી.અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી.મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય એવી એની મુખમુદ્રા હતી.પેલા વડલાની છાંયડીએ રમેલી;કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી;શેલ નદીના ધૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું:ને હીરબાઇએ તો લાખાપદરના ચોકમાં, શેલ નદીને કાંઠા ગૂંજી ઊઠે એવો “તેજમલ ઠાકોર’નો રાસડોયે કંઇ કંઇ વાર ગાયો હતો. ગાયું હતું કે:
ઉગમણી ધરતીના, દાદા, કોરા કાગળ આવ્યા રે એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યારે. કાકો વાંચે ને દાદો રહરહ રોવે રે ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે શીદને રોવોછો, દાદા, શું છે અમને કે’જો રે દળકટક આવ્યું, દીકરી વારે કોણ ચડશે રે ! સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાણા રે! હૈયે હિમ્મત રાખો, દાદા, અમે વારે ચડશું રે.
દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આત્મારામ એ વછેરો! દેવાતે વિચાર્યું કે ‘આ વછેરો લઇ જઇને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઇને હાલશે!” પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરેની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છોડવા મંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઇની સામો રહ્યો.
ઓરડામાંથી મા કહે:”બેટા હીરબાઇ, આંહીં આવતી રહે.” પણ હીરબાઇ શું જોઇ રહી છે? તૈયાર ભાલો, તૈયાર બરડો, અને નિર્જન ફળિયું! વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્યો;ત્યાં ઊભાં ઊભાં જ બે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો.
નીચે ઊતરી દેવાતની જ તરવાર કાઢી હીરબાઇએ એને ઝાટકા મૂક્યા.શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી: માડી, પછેડી લાવ્ય. ગાંસડી બાંધીએ.” દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઇને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઇ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે.
દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે: ‘ગઢવી, ચલાળે જાઓ, ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. આંહીં આવીને એક વાર મોઢે થઇને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.”
ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યા! ‘હવે હું શું મોઢું લઇ લાખાપાદર આવું? પરબારો શત્રુઓના હાથે જ મરીશ… પણ એકની એક દીકરીના સમ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે? મારાં સંતાનને મારુંમોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું? કાંઇક કારણ હશે! જાઉં તો ખરો.’ દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરી એ કહ્યું :”બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું.એક જણને તો મેં અહીં રાખ્યો છે.” એમ કહીને ઓરડામાં લઇ જઇને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળ્ખ્યું. એ તો દેવાત વાંક પોતે જ . દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હથ મૂક્યો:”બેટા ! દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે;પણ ના,ના, મારે તો દીકરો છે!!
“અને મૂરખા દેવાત ! વછેરાની પછાડી કાઢવા તું શીદ નીચે બેઠો! ઊભાં ઊભાં તરવારથી કાપતાં ન આવડ્યું? પણ તારાં અભેમાન ક્યાં ઓછાં હતાં!”

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
One comment on “દીકરો//ઝવેરચંદ મેઘાણી
  1. pragnaju કહે છે:

    કેટલી સુંદર વાત!
    લેખકનાં સ્વરમાં ટેપ થયેલીની ટેપમાં મૂકવા જેવી.
    અમારી ચાર દિકરી-કોઈ પણ બહાદુરીનું કામ કરે ત્યારે આ વાર્તા યાદ આવે અને તેનું આ અમર વાક્ય “એણે દીકરીને માથે હાથ મૂક્યો:”બેટા ! દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે;પણ ના,ના, મારે તો દીકરો છે!!”
    લાખા વાળાની જગ્યાએ અમે મૂકી તે દિકરીને બીરદાવીએ!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: