કબીર
કૈસે દિન કટિ હૈ જતન બતાયે જઈઓ
એહિ પાર ગંગા વોહિ પાર જમના
બિચવાં મંડૈયા હમકાં છવાયે જઈઓ !
અંચરા ફારિકે કાગદ બનાઈન
અપની સુરતિયાં હિયરે લિખાયે જઈઓ !
કહત કબીર સુનો ભાઈ સાધો
બહિયાં પકરિકે રહિયા બતાયે જઈઓ !
ક્યાંકથી એકલા નીકળી પડવાનું હોય અને મીરાં, કબીર અને ટાગોર સાથે હોય તો પછી કોઈ ચિંતા નથી. આ બધાં કવિતાનાં કલ્પવૃક્ષો છે. ભીતરના સંતાપમાં સાતા આપે, માનવીય ક્રૂરતાની ઠંડીમાં હૂંફ આપે.અલબત્ત, કવિતા આપણે માત્ર એટલા માટે વાંચતા નથી પણ જ્યારે તરસ લાગે છે ત્યારે આ ત્રણેની કવિતા જળનો અને અમૃતરસનો અનુભવ કરાવે છે. આપણને તરસ ન લાગી હોય તો આપણને તરસ જગાડે પણ છે.
કોઈક માણસ વારંવાર એમ કહ્યા કરે કે હું સુખી છું તો એ શબ્દોમાં શ્રદ્ધા બેસતી નથી.કોઈક કવિએ કહ્યું’તું સુખ તો સૂર્ય જેવું છે. એ ચહેરા પર ઝગમગે , મીરાં, કબીર કે ટાગોરની કવિતામાંસચ્ચાઈનો રણકો જુદો કરીને બતાવી શકાય નહી6. એ તો સૂર્યની જેમઝળહળતો જ હોય છે.
કબીરનું પદ નાનકડું, પણ એ પદનો અનુભવ આખો અવતાર ચાલે એટલો. જીવ અને શિવનો સંબંધ પ્રિયતમ અને પ્રિયતમા જેવો છે. બંને વિખૂટા પડી શકે નહીં. એકમેક વિના રહી શકે નહીં.
અહીં વાતને વિપ્રલંભ શૃંગારની ભાષામાં વહેતી કરી છે. વિયોગ આવ્યો નથી પણ વિયોગ આવવાની તૈયારી થઈ ચૂકી છે. વિયોગ પણ એક યોગ છે, વિશિષ્ટ યોગ છે. સંયોગ વિના વિયોગ નથી અને વિયોગ વિના સંયોગ નથી.આપણે બધા જ સંયોગ અને વિયોગની પાતળી રેખા પર ઊભા છીએ
પહેલીજ પંક્તિમાં પ્રિયતમ વિનાની અસહાયતા અને નિરાધરપણાની વાત છે. પ્રિયતમને સીધું સંબોધન છે. તમે જાઓ છો તો ખરા પણ તમારા વિના દિવસ અને રાત, રાત અને દિવસ કેવી રીતે વીતશે ? તમે જ એનો ઉપાય બતાવતા જાઓ. કેલી પણ તમે જ કરો છો અને મુશ્કેલી પણ તમે જ કરો છો. ક્રીડા કરનારા તમે અને પીડા દેનારા તમે. આ પીડા અમારે કઈ રીત વેઠવી એનો ઉપાય અને ઉપચાર તમે જ બતાવો વેણીભાઈની એક પંક્તિ યાદ આવે છે:
તમારા વિનાના અમે અમારા વિનાના.
એક બાજુ ગંગા છે અને એક બાજુ જમના છે અને ગંગા અને જમનાની વચ્ચે તમે જાઓ તો અમારે માટે એક મઢૂલી તૈયાર કરીને જજો.તત્ત્વજ્ઞાનીઓ આ ગંગાજમના અને આ વચ્ચેનો માર્ગ ઈંગલા અને સુષુમ્ણા માર્ગ તરીકે ઓળખે છે.મારી સીધી સમજ આવી છે કે એક બાજુ જાત છે, બીજી બાજુ જગત છે. આ બંનેની વચ્ચે તમે છો તો હું કાયમ તમારામાં લીન અને તલ્લીન રહું એવી મારી મનની મઢૂલી કરી આપો. તમારું જ તપ, તમારા જ જપ, તમારી જ આસક્તિ,તમારીજ ભક્તિ, તમારી જ સ્તુતિ,તમારો જ રંગ, તમારો જ રાગ, તમારીજ આગ, તમારું જ જ જળ , તમારું જ જ્ઞાન, તમારી જ સમાધિ.
તમારી જ ચૂંદડી ઓઢી છે. તમે જાઓ તો જતાંજતાં આ ચૂંદડીનો પાલવ ચીરી નાખો. એનો કાગળ બનાવો અને એ કાગળ પર તમારી મોહિની મૂરત આ હ્રદયમાં આલેખતા જજો.
આ અંતિમ કથનમાં ઉત્કટતાની પરાકાષ્ઠાછે. જતા પ્રિયતમને બાંય પકડીને રોકી તો શકાય નહીં, પણ એ બાંય પકડવામાં છૂટા નથી પડવું. એનો ભાવ છે. તમે જાઓછો તો ખરા,પણ જતાં જતાં મને રાહ બતાવતા જાઓ . આ રસ્તો તે ક્યો રસ્તો? હું તમારી સાથે ને સાથે કાયમ રહી શકું એવો કોઈ રસ્તો બતાવો.તમારું સતત સાન્નિધ્ય મળે,એનો કોઈ રસ્તો બતાવો.