Posts filed under 'Uncategorized'

વિવેકાનંદ ની કવિતા

** આપણે બધાં બીજી બધીયે
ભાંગી નાખીએ મૂર્તિ
મારો ભગવાન એવો છે કે
એના હાથમાં સ્ફૂર્તિ.
આપણું શરીર એ એનું શરીર
આપણા પગ તે એના પગ
આપણી અંદર-બહાર વસે એ :
ચારે બાજુ એનું જગ
તમરાં, ભમરા, પતંગિયાં ને
એ જ આપણો પરમેશ્વર છે
નજીક જુઓ કે દૂરથી
મારો ભગવાન એવો છે
કે એના હાથમાં સ્ફૂર્તિ.

એ આપણો છે :આપણે એના:
બંને વચ્ચે ભેદ નથી
એ આપણો ભગવાન ભલો છે :
મંદિરમાં એ કેદ નથી
એને ભજવા માટે આપણી
ભક્તિ સદાયે ઝૂરતી
મારો ભગવાન એવો છે
કે એના હાથમાં સ્ફૂર્તિ.
જીવતો ભગવાન માણસ જેવો
પથ્થરને નહીં પૂજવાના
પડછાયાની સાથે આપણે
કહો, કેટલું ઝૂઝવાના?
આંખ સામે ભગવાન જોઇને
મને કવિતા સ્ફુરતી
મારો ભગવાન એવો છે કે
એના હાથમાં સ્ફૂર્તિ.

બહુ ઓછા લોકોને ખબર હશે કે સ્વામી વિવેકાનંદે પણ કવિતા લખી છે. તેમના કાવ્યસંગ્રહનું નામ’ઇશ્વરની તલાશમાં’- ઇન સર્ચ ઓફ ગોડ.એમણે કેટલાંક કાવ્યો બંગાળીમાં તેમ કેટલાંક સંસ્કૃતમાં લખ્યાં છે. આપણે તો મોટે ભાગે એમની વાત અંગ્રેજીને આધારે કરી શકીએ.
વિવેકાનંદનું મૂળ નામ નરેંદ્ર. શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય. અમેરિકામાં વિશ્વધર્મ પરિષદમાં એમના પ્રવચનની વાહવાહ થઇ. પશ્ચિમના લોકો એમના પ્રવચનના પ્રારંભથી જ મુગ્ધ થઇ ગયા, એમણે ચીલાચાલુ –Ladies and Gentleman—સન્નારી અને સજ્જનો એવું સંબોધન ન કર્યું. પણ Brothers and Sisters –કહીને સંબોધ્યાં. અમેરિકન પ્રજાને એમના સંબોધનમાં અનોખી આત્મીયતા વરતાઇ. રામકૃષ્ણ પરમહંસ શાંતિકારક, વિવેકાનંદ ક્રાંતિકારક.પ્રારંભમાં વિવેકાનંદ પશ્ચિમનાતત્ત્વજ્ઞાનના રંગે રંગાયેલા. પરમહંસના પરિચયમાં આવીને આત્માભિમુખ અને આધ્યાત્મિક થયા.

ઇશ્વર જો સર્વવ્યાપક હોય તો અમુક જ સ્થળમાં કઇ રીતે કાયમ વસી શકે? એ તો સર્વત્ર છે પ્રત્યેક સ્થળમાં છે. જડમાં છે અને ચેતનમાં છે. એ સ્થિર છે અને ગતિશીલ છે. મંદિરના કેદખાનામાં જે પુરાઇને રહ્યો છે એ ઇશ્વર નહીં પણ પથ્થર. ઇશ્વરની મૂર્તિ એ ઇશ્વરનો પડછાયો પણ નથી. ઇશ્વરની મૂર્તિ એ સમજણ વિના થયેલો તરજુમો છે.
વિવેકાનંદ માટે ઇશ્વર એ પલાંઠી વાળીને બેઠેલો જમીનદાર કે જાગીરદાર નથી. એ આપણી અંદર વસે છે અને આપણી બહાર પણ હોય છે. આપણા હાથ પાછળ એનો જ હાથ છે. આપણે હાથે જે કામ કરીએ છીએ એ કર્મમાં આપણો ઇશ્વર વસે છે અને શ્વસે છે. આપણે કહીએ છીએ કે આપણા પગે આપણે ચાલીએ છીએ, પણ આપણા પગ અને એના પગ જુદા નથી. ઇશ્વર વૃક્ષની જેમ સ્થિર છે અને પવન અને સુગંધની જેમ ગતિશીલ છે. આપણું શરીર અને એનું જુદું નથી.ખુદ અને ખુદા જુદા નથી. ક્રાંતિકારી વિવેકાનંદ તો એમ કહે છે બધી મૂર્તિઓને ભાંગી નાખો. શિયાળાની ઠંડી રાતે બુધ્ધના એક શિષ્યે બુધ્ધની લાકડાની મૂર્તિ બાળી નાખી હતી, જેથી એના તાપણામાં એની ઠંડી ઓછી થાય. એક પુસ્તકનું નામ એવું હતું કે બુધ્ધ જો તમને રસ્તામાં મળે તો તમે એને મારી નાખજો. તમારે તમારામાંથીબુધ્ધનું –પ્રબુધ્ધનું સર્જન કરવાનું છે.
ઇશ્વર વિરાટ છે અને વામન છે. એ પાપી અને શયતાન છે અને સંત પણ છે. આપણે જેવા છીએ એવો એ છે. એ જંતુ પણ છે અને ઇશ્વર પણ છે.એને જોઇ શકાય છે અને અનુભવી શકાય છે. નકરી વાસ્તવિક્તાછે.
આ આખું જગત ઇશાવાસ્યમ્ છે.
એને ભૂતકાળ નથી,ભવિષ્ય નથી. જન્મ કે મરણ નથી. આપણે જ એનામાં વસતા હોઇએ છીએ. ઇશ્વર અને આપણે જુદા નથી. હાથથી કામ કરતો માણસ , શ્રમ કરતો માણસ—શ્રમજીવી ઇશ્વર છે. શ્રમને કારણે પરસેવાના ટીપામાં ગંગાજળનો અનુભવ થઇ શકે. આપણે બધા જ એનાં પ્રતિબિંબો છીએ અને જગત આ પ્રતિબિંબો થી સભર અને સમૃધ્ધ છે. એ કાશીમાં નથી કે કૈલાસમાં નથી. આપણા શરીરને મંદિર બનાવીએ તો આપણા આત્મામાં એ પરમાત્મા થઇ રહી શકે.

આપણે મૂર્તિપૂજામાં ફસાયેલા છીએ. ક્રિયાકાંડમાં અટવાયેલા છીએ. આપણે અસલને ભૂલી ગયા છીએ અને કલ્પિત પડછાયાના પ્રેમમાં છીએ. આપણે એની તલાશમાં અમથું અમથું દોડ્યા કરીએ છીએ અને પડછાયાને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ખોટું ઝૂઝીએ છીએ. ઇશ્વર તો આપણી આંખ સામે હાજરાહજૂર છે. આપણા હોવાપણામાં જ ઇશ્વરનું હોવાપણું છે. ઇશ્વરની પથ્થરની મૂર્તિને ભાંગી નાખો.


1 comment July 22, 2008

વૈષ્ણવજનતો…/નરસિંહ મહેતા

વૈષ્ણવ જન તો…/નરસિંહ મહેતા
ભજનયોગ/સંપાદક:સુરેશ દલાલ/પાનું 73

વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ, કાછ, મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.
સમદૃષ્ટિ ને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામનામશું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયો તેનું દરશન કરતાં કુળ ઇકોતેર તાર્યા રે.

નરસિંહ મહેતાનું આ પદ સાંભળ્યું તો ઘણા બધાએ હોય. ગાંધીજીને નિમિત્તે એ પ્રસિધ્ધથયું. આ કાવ્ય એ કેવળ સાંભળવાનું નથી, પણ અંતરની આંખથી ઉકેલવાનું છે.કોઇક નવોસવો આધુનિક ઉકળાટમાં એમ પણ કહી બેસે કે એમાં તો વૈષ્ણવજનની વ્યાખ્યાઓ છે, કવિતા ક્યાં છે?આપણે એને સમજાવવું પડે કે ‘સકળ તીરથ તેના તનમાં રે; એ પંક્તિમાં પણ તને કવિતાનો શ્વાસ નથી સંભળાતો? પોતાની પીડા તો બધાં જ જાણે છે, પણ પારકાંની પીડાને જાણવી અને પોતાની કરવી, અને એ પીડાને દૂર કરવા માટે થાય તે બધું જ કરી છૂટવું , એ સંતોની ક્રીડા ભૂમિ છે.માણસો કોઇનું દુઃખ જોઇને દ્રવી જાય અને આવેશમાં ઉપકાર પણ કરે, ઓઅણ પછી ઉપકારના લાઉડ-સ્પીકર્સ ચારે બાજુ ગોઠવી દે.સ્થૂળ અને સૂક્ષ્મ અભિમાનને પોષ્યા કરે—આવું બધું સામાન્યપણે સંસારીઓ કરતા હોય છે; પણ જે માણસ સ્વસ્થ અને સ્થિતપ્રજ્ઞ છે, બીજાના દુઃખને કારણે દ્રવે-એમાં કોઇ આવેશ ન હોય, પણ સમજણ હોય અને પોતે કાંઇક ઉપકાર કરે તો, આ ઉપકાર છે એની પણ સભાનતા ન હોય અને એને કારણે મનમાં અભિમાનનું નામનિશાન ન હોય. મનમાં તો એટલું જ હોય કે ચાલો આપણે નિમિત્ત બન્યા અને કોઇકનું દુઃખ દૂર થયું. ઉપકાર કર્યા પછી પોતે કરેલા ઉપકારોની યાદી મનમાં સાચવવી અને સામાને યાદ કરાવ્યા કરવું અને આવા ઉપકારોની ફલડ લાઇટ ફેંક્યા કરવી એ અંતે તો આસપાસ અંધારું જ સર્જે છે. આ કાવ્યમાં એકએક શબ્દ એટલો બધો મહત્ત્વનો છે કે સાચો સહૃદય કોઇપણ શબ્દને ઓળંગીને વાત ન કરી શકે.
‘સકળ લોકમાં જે સહુને વંદે’ તે વૈષ્ણવજન. અમુકને જ વંદે, કોઇકને સલામ કરે, કોઇકને પ્રણામ કરે, કોઇક સાથે હસ્તધૂનન કરે, કોઇક સથે ચક્ષુધૂનન કરે, કોઇકને પાસે બોલાવે, કોઇકને તરછોડે,– આમાં તો ગમા અને અણગમા હોય, પૂર્વગ્રહ અને પક્ષપાત હોય. પણ સંતને પ્રત્યેક જનમાં વસંત જ દેખાય,ચૈતન્યનો ઉલ્લાસ દેખાય. માનવની પાછળ માધવ દેખાય. આપણે જેને પામર કહીએ એની પાછળ એને પરમ દેખાય અને એ હાથથી નહીં, પણ અંતઃકરણથી સૌને વંદન કરતો કરતો ભવાટવિનો મારગ કાપતો જાય,એ ઘટના છાપામાં હેડલાઇન બને એવા સમાચાર નથી, અને હોયતો પણ વૈષ્ણવજનને એમાં કોઇ રસ નથી.
આપણે સહેજ વિચારી જોઇએ, જાતને પૂછી જોઇએ કે દિવસ આખામાં આપણે વ્યક્તિઓની વાતને નિમિત્તે કેટલી નિંદા કરીએ છીએ? વિચારો કે ભાવનાઓની તો અરસપરસ આપલે થતી નથી, પણ રાત ને દિવસ, દિવસ ને રાત, સ્થળેસ્થળે અને પળેપળે નિંદારસનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. નિંદા પણ આઅપણે હિત અને હેતુથી કરતાં હોઇએ છીએ.કોઇને ઉતારી પાડવા, કોઇનું મૂર્તિખંડન કરવા; વૈષ્ણવજન આવી વૃત્તિ અને પ્રવૃત્તિથી, આવી વિકૃત્તિથી ઊફરો ચાલે છે અને એ મેળવેલી કે કેળવેલી નહીં પણ સહજ પ્રકૃત્તિ છે. વાણી, કાયા અને મન એ ત્રણે સાથે હોવા છતાંયે ત્રણેના રસ્તા જુદા છે. આ ત્રિવિધની એકતા ભાગ્યે જ જોવા મળે. અને મન તો એટલું ચંચળ છે છે કે એને નિશ્ચલ રાખવા માટે ભગીરથ પુરુષાર્થ જોઇએ. મન સ્થિર હોય તો સબ સલામત. જે સ્ત્રી આવા વૈષ્ણવજનને જન્મ આપે એ ધન્યધન્ય કહેવાય. પશુઓ પણ જણે છે, પણ માનવતાના મેરુ જેવા માણસની માતા થવું એ તો ભાગ્યની પરાકાષ્ટા છે.
કોઇના પર બહુ વરસી જવું કે કોઇને કાયમના તરસ્યા રાખવા, કોઇકને આવકાર આપવો ને કોઇકને હડધૂત કરવા, એ વિષમ દૃષ્ટિ છે, સમદૃષ્ટિશીલ માણસ ભેદભાવ નહીંકરે. ગણિત અને ગણતરી નહીં કરે.પણ સમદૃષ્ટિ કોણ રાખી શકે?જેણે તૃષ્ણાનો ત્યાગ કર્યો હોય. આ તૃષ્ણા જ આપણી પાસે હલકાં કામો કરાવે છે. પારકાંની સ્ત્રી પર નજર રાખવી,સ્ત્રીમાત્રને ભોગવિલાસનું સાધન બનાવવી, એ બહારવટિયાવૃત્તિ છે.બહારવટિયા તો ધનને લૂંટીને જાય છે, આ તો કાયા લૂંટનારા છે. એમનીપાસે પોતાની કોઇ આચારસંહિતા નથી.જે થાળીમાં જમે એમાં થૂંકતા પણ શરમાતા નથી.આ તો આપણે બધું વિવરણ કર્યું; પણ નરસિંહે તો અડધી પંક્તિમાં કહ્યું’પરસ્ત્રી જેને માત રે’ આખી માનવજાત અસત્યના પ્રયોગો પર નભે છે,એમાં કોઇક સત્યના પ્રયોગ કરનાર જન્મે છે અને જીવે છે.જીભ આમ તો શરીરમાં લપાઇ છુપાઇને રહે છે. પણ અભી બોલા, અભી ફોક કે બોલવું કંઇ ને કરવું કંઇ એવી વૃત્તિ એ માણસને જાણે કે કોઠે પડી ગઇ છે. વૈષ્ણવજનની વાણી અને એના વર્તનમાં સંવાદ હોય છે,વિવાદ નથી હોતો. પારકાંના ધનની ઇચ્છા નથી હોતી. પરધનને ઝાલે તો હાથ અને જીવન બંને અભડાય, આવો કોઇ વિચાર જ ન હોય તો વર્તન તો ક્યાંથી હોય?
ઇશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્.
તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્.
આ જગતમાં જે કંઇ (સ્થાવર) જંગમ છે તે બધામાંઇશ્વરનો વાસ છે.તેણે આપેલાનો તું ઉભભોગ કર. કોઇના ધન માટે લોભ કર નહિ.
મોહ અને માયા એ આપણી ઇમારતમાં ભોંયતળિયું છે.આમ તો એ તળિયે હોય છે, પણ એનો વ્યાપ એ ખાસ્સો હોય છે.કદાચ આપણી સર્વ પ્રવૃત્તિ પાછળ આ મોહમાયા સરસેનાપતિ જેવાં છે.પાઠકની એક પંક્તિ છે કે ‘પ્રતારણાનું છિદ્ર છે વાસના જ ‘ આપણે આપણી વાસનાથી છેતરાઇએ છીએ અને કોઇકની વાસના જાણી જઇએ છીએ પછી એને છેતરવાના પ્રયત્ન કરીએ છીએ. મનુષ્ય સહજ નબળાઇઓને સંત ઓળંગી જાય છે.રાગ નહીં પણ વૈરાગ્ય, એ એના મનમાં ન ડોલે એવું આસન જમાવીને બેઠો છે. ગોળગોળ ઘૂમતા સંસારના રાસમાં એ હોય છે ખરો, પણ એની તાળી બડે ઘર લાગી ગઇ હોય છે. જેને રામનામ સાથે સંબંધ છે, એ બીજામાં શું કામ પડે? ગંગા-યમુના કે આપણાં અડસઠ તીરથ એ તો એની કાયામાં કાયમના વસેલાં છે. એવા નર—સિંહો પણ છે કે જેમને મળીએ ત્યારે આસપાસ સાત્ત્વિકતાની ફોરમ ગુંજ્યા કરે.
કહેવાય છે કે બધાં જ્ક પાપનું મૂળ લોભમાં છે અને આ લોભને થોભ નથી હોતો. લોભ અને લાભ એ સાથે જ હોય છે અને એટલે જ શુભ દૂર ને દૂર રહે છે. લોભ અને લાભને કારણે જ છળ-કપટ-પ્રપંચ થતાં હોય છે. નિષ્કપટ માણસ વિરલ છે અને આવો વિરલ જ વૈષ્ણવજન કહેવાય. કામ અને ક્રોધને નિવારવા સહેલા નથી. કામ, કામના, વાસના, લાલસા, અહંની આતશબાજી—પરિણામે ક્રોધ. આ રજોગુણ અને તમોગુણ અને એની ગઠરિયાંઓ અને એનો ભાર આપણી હોડીને ડુબાડે છે. કામ એષઃ ક્રોધ એષઃરજોગુણસમુદભવઃ
મહાશનો મહા પાપ્મા વિધ્યેનમિહ વૈરિણમ.
(ગીતા 3:37)
એ તો કામ તથા ક્રોધ,જન્મ જેનો રજોગુણે,
મહાભક્ષી મહાપાપી, વેરી તે જાણજે જગે.
રજોગુણમાંથી ઉત્પન્ન થયેલો એ કામ છે, ક્રોધ છે અતિશય લોભી અને પાપી એવા એને અહીં શત્રુ જાણ. નરસિંહ છેલ્લે કહે છે કે આવા વૈષ્ણવજનનું દર્શન થાય તો આપણા એકોતેર કુળ તરી જાય. મારે આ કાવ્ય વિશે અત્યંત સંક્ષેપમાં જો કાંઇ કહેવાનું હોયતો એટલું જ કહીશ કે આ દશ પંક્તિમાં ગીતાના અઢારે અધ્યાય સમાઇ ગયા છે અને ગુજરાતી કવિતાના આદિકવિ નરસિંહે આ કાવ્ય આપીને કવિતાનાં એકોતેર કુળ તો તાર્યા જ છે.


1 comment July 21, 2008

પ્રતીક્ષાનું ગીત/મધુમતી મહેતા

બુધવાર આષાઢ સુદી તેરસ 2064 ને 16મી જુલાઇ 2008

ભજનયોગ/ પ્રતીક્ષાનું ગીત/મધુમતી મહેતા સંપાદક:સુરેશ દલાલ/પાનું146-147

મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને,
મારા ફેરાનાં મીંડાં ઘૂંટાય હે! રામ હવે આવો ને.
મારું હોવું અભરખાનું ઝાડ કે રામ તમે આવો ને,
મારી ફરતે અજંપાની વાડ હે !રામ હવે આવો ને.
મારી છાતીમાં નોધારી ચીસ કે રામ તમે આવો ને,
મેં તો સાચવીને રાખી છે રીસ હે! રામ તમે આવો ને.

મારી આંખે ઉજાગરાનું જાળું કે રામ તમે આવોને,
હું તો આવ્યાના ભણકારા પાળું હે! રામ તમે આવોને.
છેડો આતમમાં મલ્હારી રાગ કે રામ તમે આવોને,
મારા ઇંધણમાં ચાંપો રે આગ હે! રામ હવે આવોને.
હવે જીવતર આ જૂના કથીર કે રામ તમે આવોને,
મારી અંદરથી ખોવાણા પીર હે! રામ હવે આવોને.

ઇશ્વર હંમેશાં આપત્તિમાં જેટલો યાદ આવે છે એટલો બીજે કયારેય નથી આવતો.આપણો દરિયો સુકાતોહોય કે આપણે લલાટે જે સદભાગ્ય લખાયું હોય અને આપણી પાટી પર વિધાતાએ જે અક્ષર પાડ્યા હોય તે ભૂંસાતા હોય ત્યારે હૃદયમાંથી એક ચીસ નીકળી જાય છે અને એટલે જ પહેલી પંક્તિની વેધકતા આપણી આરપાર નીકળી જાય છે.લગ્નના દેખીતી રીતે સાત ફેરા હોય છે. પણ એક પછી એક વીતતા વર્ષો એ ઘૂંટાતાં મીંડાં છે. આમીંડાં વધતા જાય એ ગમે પણઘૂંટાઇઘૂંટાઇને ગૂંગળાય એ ન ગમે. ‘રામ તમે આવોને’માં વિનંતી છે. પણ ‘રામ હવે આવોને’માં ઉત્કટતા છે.
માણસ ઉમળકા અને અભરખાથી જીવતો હોય છે. ધીમેધીમે અભરખાનું ઝાડ ઉછેરતો હોયછે, પણ ક્યારેક અજંપાની વાડ વૃક્ષને ગૂંગળાવે છે અને એટલે જ બેચેનીમાં રામનો ઉદગાર સરી પડે છે. જીવનમાં એવી કેટલીયે ક્ષણ હોય છે કે આપણે અચાનક પરિસ્થિતિના મોહતાજ થઇ જઇએ છીએ.આપણો ગમે તેટલો પુરુષાર્થ હોય તો એ પુરુષાર્થ આપણને પાંગળો લાગે છે.જીવનનાતમામ આધાર સરી જતા હોય છે, પગ નીચેની ધરતી સરતી હોય એમ આવી પરિસ્થિતિમાં જે ચીસ પ્રગટે છે તે પ્રાર્થનાનો જ એક પ્રકાર છે.પરિસ્થિતિની ચિંતા કરવી એના કરતાં પ્રાર્થના કરવી એ ઉત્તમ માર્ગ છે.ક્યારેક ઇશ્વર સાથે પણપ્રેમથી ઝગડવાનું મન થાય છે, એટલે તો અહીં સાચવી રાખેલી રીસની વાત કહેવાઇ છે. માણસનું મન જ્યારે આવરું-બાવરું હોય, બેબાકળું હોય ત્યારે આંખને ને નિદ્રાને વેરભાવ ઊભો થાય છે.ઊંઘ આવતી નથી.ઉજાગરો ખૂંચે છે અને ખટકે છે. સૂવાના પ્રયત્નોમાં પણ સૂઇ શકાતું નથી. ઉજાગરાનું જાળું મૂંઝવે છે. ઇશ્વર આવે તો જાગરણ થાય. અંતરમાં અણસારા છે. કાનમાં ‘આવશે’ ના ભણકારા છે. પણ અણસારા ને ભણકારાથી જીવી જીવીને કેટલું જિવાય. માણસ એટલે જ પેરેડોકસ, વિરોધ અને વિરોધાભાસ.જીવનમાં એક બાજુ ઇચ્છાના ઇંધણ છે, કામના છે, વાસના છે, બીજી બાજુ ઉપાસનાની આરત છે. કવયિત્રી એકસાથે બે વસ્તુ માગે છે—આગ અને વરસાદ. આત્મામાં મલ્હારી રાગ છે અને ઇંધણમાં આગ ચંપાયેલી અપેક્ષા છે. રૉબર્ટ ફૉસ્ટનું એક નાનકડું કાવ્ય યાદ આવે છે. કોઇક કહે છે કે વિશ્વનો વિનાશ અગ્નિથી, કોઇક કહે છે બરફથી, જો વિશ્વે બે વાર વિનાશ નોતરવો હોયતો વિનાશ માટેની આગની જેમ બરફ પણ પૂરતો છે. સમગ્ર જીવતર કથીર જેવું છે. જીવું છું, પણ જીવન નથી. જીવની ભીતરનો શિવ ખોવાઇ ગયો છે. ઝંખના ખોવાયેલા પીરની છે.આ કાવ્યની મજા એ છે કે એમાં લોકગીતના લયના ભણકારા છે. આપણા કવિ ન્હાનાલાલ માટે પણ લોકગીત પ્રાણવાયુ જેવાં હતાં. એમનું એક કાવ્ય યાદ આવે છે: આ વસંત ખીલે શતપાંખડી હરિ આવોને વેર્યા તારલિયાના ફૂલ હવે તો હરિ આવોને. મધુમતી મહેતા શિકાગોમાં રહેતાં કવયિત્રી છે. ગીત અને ગઝલ બંને સ્વરૂપ પરની એમની ફાવટ અજાણી નથી.


1 comment July 16, 2008

લાલ લાલ ચુંદડી//લોકગીત

લાલ લાલ ચુંદડી//લોકગીત

લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી
સોનાનાં કંકણ ઘડાવ રે,
ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી
સેંથે સિંદૂર ભરાવ રે !

બારણિયે ઊભા મારા સસરાજી
હસી હસી દીકરી વળાવ રે.
જેમ જંગલનાં પંખી રે માડી
વ્હાણું વાતાં ઊડી જાય રે;
તેમ પરાઇ થઇ દીકરી
દેશ પરાયે જાય રે !
નાનો વીરો મારો રોકે રે પાલખી
આંસુનાં ઝરણાં વહાવી રે;
બાપુને ધીરજ ધરાવ મારા વીરા
જેણે કીધી મને પરાઇ રે !


Add comment July 16, 2008

કર્ણ અને કૃષ્ણનું મિલન

મંગળવાર,આષાઢ સુદ બારસ 2064 ને 15મી જુલાઇ 2008

કૃષ્ણ અને કર્ણની મુલાકાત
કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પાનુ 93 થી99

કૃષ્ણ વિષ્ટિ (કૌરવો સાથેની નિષ્ફળ વિષ્ટિ)પછી નગરની બહાર જાયછે,ત્યારે કર્ણને પોતાના રથમાં બેસાડે છે.એ વેળા કર્ણ અને કૃષ્ણ વચ્ચે જે સંવાદ થાય છે એ આપણા યુગમાં રવીંદ્રનાથે અને આપણી ભાષામાં સુંદરમ્ ઉમાશંકર જેવા કવિઓએ પોતપોતાની રીતે કાવ્યસ્થ કર્યો છે. પણ આપણે તો વ્યાસ ભગવાને આલેખેલા કૃષ્ણ-કર્ણ સંવાદ તરફ જ જઇએ. કૃષ્ણ વાતનો પ્રારંભ કર્ણના ધર્મ વિશેના જ્ઞાનથી કરે છે. કર્ણ અધર્મના પક્ષે છે એનું કારણ એ નથી કે ધર્મ શું છે એનો એને ખ્યાલ નથી.કૃષ્ણ એને કહે છે:
ત્વમેવ કર્ણ જાનાસિ વેદવાદાંસનાતનાન,
ત્વં હ્યેવ ધર્મશાસ્ત્રેષુ સૂક્ષ્મેષુ પરિનિષ્ઠિતઃ
(ઉદ્યોગ.138;7)
હે કર્ણ, તું સનાતન વેદવાદને જાણનાર છો. તું ધર્મશાસ્ત્રના સૂક્ષ્મમાં સૂક્ષ્મ મર્મને પણ જાણે છે. કૃષ્ણ કર્ણને પછી તેના જન્મનું રહસ્ય કહે છે. કુંતી અવિવાહિત હતી ત્યારે કર્ણને તેણે જન્મ આપ્યો હતો. પરંતુ શાસ્ત્રવિદ લોકો ‘કાનીન’-વિવાહપૂર્વે જ્ન્મેલા પુત્રનો પિતા કન્યાનું પાણિગ્રહણ કરનાર પુરુષ જ ગણાય એમ કહે છે. એટલે કર્ણ પાંડુપુત્ર છે. એટલે ધર્મશાસ્ત્ર અનુસાર એ યુધિષ્ઠિરનો મોટો ભાઇ હોઇ એ જ રાજા થવાને હકદાર છે. કર્ણને કૃષ્ણ કહે છે: તું કંઇ સૂતવંશી નથી–
પિતૃપક્ષે હિ તે પાર્થા માતૃપક્ષે ચ વૃષ્ણયઃ
(ઉદ્યોગ.138;10)
પિતૃપક્ષે તું પૃથાવંશી છો: માતૃપક્ષે વૃષ્ણિવંશી છો. આવાં બે સમર્થ કુળોની તને સહાયતા છે. કૃષ્ણ કર્ણને કહે છે કે આ જ ક્ષણે તું મારી સાથે ચાલ. પાંડવોને જાણ થશે કે તું કુંતીનો પુત્ર છે તો પાંચ પાંડવો, દ્રૌપદીના પાંચ પુત્રો અને સુભદ્રાનંદન અભિમન્યુ એ સૌ તને પ્રણામ કરશે, તારો ચરણસ્પર્શ કરશે. આટલું જ નહિ–
ષષ્ટે ચ ત્વાં તથા કાલે દ્રૌપદ્યુગમિષ્યતિ
(ઉદ્યોગ.138:15)
વર્ષનો છઠ્ઠોભાગ દ્રૌપદી તને પાંડુપુત્ર માની તારી સેવામાં, તારી સમીપ રહેશે.
પાંડવોના પુરોહિત ધૌમ્ય તારો રાજ્યાભિષેક કરશે. તું રાજા થઇશ.યુધિષ્ઠિર તારો યુવરાજ થશે. ભીમ તને ચામર ઢોળશે. અર્જુન તારો રથ ચલાવશે.અભિમન્યુ તારી સેવા કરશે.અને મારાં સુધ્ધાં અસંખ્ય રાજવીઓ તારા અનુનાયીઓ બનશે. કર્ણ આગળ કૃષ્ણે મૂકેલાં પ્રલોભનો કંઇ નાનાંસૂનાં નથી. રાજ્યલક્ષ્મી એ એક; દ્રૌપદી જેવી કામ્ય ચારુ સર્વાંગી સ્ત્રીનો સહવાસ એ બીજું પ્રલોભન, અને સૌથી મોટું પ્રલોભન તો કૃષ્ણ એના અનુયાયી બને એ હતું ! ભાગ્યે જ કોઇ માનવી સમક્ષ આવાં પ્રલોભનો આવ્યાં હશે. અને પ્રલોભનો માનવી તરફથી મુકાય તો તો બુધ્ધની માફક તેનો પ્રતિકાર કરવો સહેલો છે; કારણકે તે આસુરી પ્રલોભનો છે. પણ આ તો ભગવાન પોતે પ્રલોભનો મૂકે છે.હજી થોડા સમય પહેલાં જ કુરુસભામાં જેના વિરાટ સ્વરૂપનું દર્શન સૌ કોઇએ કર્યું છે, એવા કૃષ્ણ કર્ણને આ કહેછે. કાચાપોચા માનવી માટે આટલું જ પૂરતું છે. એ રાજવીપદ, દ્રૌપદીનું ભર્તાપદ તથા કૃષ્ણનું સખાપદ એ ત્રણ એકસાથે પામે એવો વિરલ યોગ જતો કરે જ નહિ. પરંતુ કર્ણ જુદી માટીનો બનેલો છે. કર્ણ અધર્મના પક્ષે છે, પણ એમાં જ એનો ધર્મ છે. એ મૂલ્યહીન દુર્યોધનનો સાથ કરે છે; પણ એમાં એના જીવનનાં મૂલ્યો રહ્યાં છે. કર્ણ જે ઉત્તર આપે છે એ માનવ સંબંધોના આદર્શ તરીકે યુગોથી ટકી રહ્યો છે, યુગો સુધી ટકી રહેશે. કૃષ્ણે જે કહ્યું તેની પાછળ છળ નથી, પણ સૌહાર્દ, પ્રણય તથા કર્ણનું શ્રેય કરવાની વૃત્તિ છે એ વિશેની પોતાની પ્રતીતિથી કર્ણનો ઉત્તર આરંભાય છે. એટલું જ નહિ, પણ કર્ણ કહે છે–
સર્વ ચૈવાભિજાનામિ પાણ્ડોઃ પુત્રોઅસ્મિ ધર્મતઃ.
( ઉદ્યોગ.139;2)
એ તો બધું જ જાણે છે. પોતે પાંડુનો પુત્ર છે, એટલું જ નહિ પણ ધર્મના સૂક્ષ્મ મર્મના જ્ઞાતા તરીકે પોતાનો દાવો ટકી શકે એમ છે. કૃષ્ણ કહે છે એથી ઘણુંબધું કર્ણ જાણે છે. સૂર્યદેવના અંશથી માતા કુંતીએ તેને જન્મ આપ્યો હતો અને પછી તજી દીધો હતો એનાથી પણ કર્ણ વાકેફ છે. એક તરફ ધર્મશાસ્ત્ર છે.આ ધર્મશાસ્ત્ર અનુસાર કર્ણ જયેષ્ઠ પાંડુપુત્ર તરીકે રાજવીપદ પામી શકે એમ છે. બીજી તરફ માનવસંબંધો છે.કુંતીથી તજાયેલા આ બાળકને અધિરથ અને રાધાએ ઉછેર્યો છે.તેનાં મળમૂત્ર ધોયાં છે.
ધર્મ હમેશાં શાસ્ત્રમાં જ નથી હોતો. માનવસંબંધોમાં વધુ મોટો ધર્મ છે. અધિરથ-રાધાના સ્નેહનો અનાદર કરી કર્ણ ધર્મનું પાલન કર્યાનો દાવો કરી શકે ખરો? અહીં એક સમાંતર વાત યાદ આવે છે. કૃષ્ણના જીવનમાં પણ આ દ્વિધા આવી હતી.કૃષ્ણ વસુદેવ-દેવકીના પુત્ર હતા અને જશોદા-નંદે તેમને પોતાના પુત્ર માની ઉછેર્યા હતા. કૃષ્ણ જ્યારે સમય આવ્યો ત્યારે નંદ-જશોદાને તજી શક્યા, તો કર્ણ અધિરથ-રાધાને તજી કુંતા પાસે, પાંડવો પાસે કેમ ન જઇ શકે? દેખીતી રીતે આ બંને સમાન પરિસ્થિતિ છે.પણ અંદર એક ઘણી મોટી અસમાનતા છે.કૃષ્ણ માટે એક બૃહદ જીવનકાર્યનો સાદ આવ્યો હતો; કંસ, જરાસંઘ,કાળયવન ઇત્યાદિ અધર્મીઓનો નાશ કરવા, પ્રતિકાર કરવા માટે કૃષ્ણે વૃજભૂમિ છોડવી અનિવાર્ય હતી.જ્યારે કર્ણની પરિસ્થિતિ જુદી છે. એની સામે આવો કોઇ પડકાર નથી.વૈભવ, કામ અને સુખની આકાંક્ષાથી જ એ પાલક માતાપિતાનો ત્યાગ કરી શકે એમ છેઅને એટલે જ કૃષ્ણે આ પ્રકારની પરિસ્થિતિમાં જુદો નિર્ણય કર્યો હતો.અક્રૂરના રથમાં બેસી કૃષ્ણ કંટકની પથારી તરફ ગયા હતા.કૃષ્ણના રથપર બેસી કર્ણ સુખની સેજ તરફ જઇ શકે એમ હતો. એટલે જ દેખીતી સમાન પરિસ્થિતિમાં કૃષ્ણે જે નિર્ણય કર્યો,એ એમની રીતે સાચો હતો.કર્ણે જે નિર્ણય કર્યો એ એની રીતે સાચો હતો. કર્ણના નિર્ણયનાં બીજા કારણો પણ છે, એકહે છે–
ન પૃથિવ્યા સકલયા ન સુવર્ણસ્ય રાશિભિઃ,
હર્ષાદ્ ભયાદ્ વા ગોવિન્દ અનૃતં વક્તુમુત્સહે.
(ઉદ્યોગ.139;12)
આ સમસ્ત પૃથ્વી,કે સુવર્ણનો ઢગલો મળે, હર્ષ હોય કે ભય – આવાં કોઇ પણપ્રલોભનો દ્વારા હું અસત્ય બોલી શકું એમ નથી. કર્ણ મૂલ્યભાવનાથી પ્રેરાયેલો છે.એ રાજા છે. તેર વરસથી નિષ્કંટક રાજ્ય કરી રહ્યો છે; એ માટે એ દુર્યોધનનો કૃતજ્ઞ છે. દુર્યોધને પાંડવો સાથે યુધ્ધ કરવા હામ ભીડી છે.કારણકે કર્ણનું એને પીઠબળ છે. અર્જુનની સામે જીતી ન શકે તો પણ ટકી શકે એવો વીર કૌરવોના પક્ષે એકમાત્ર કર્ણ જ છે. એટલે જ કર્ણ કહે છે:’વધ, બંધન, ભય કે લોભથી વિચલિત થઇ ધીમાન એવા ધૃતરાષ્ટ્રપુત્ર સાથે હું અસત્ય વ્યવહાર ન કરી શકું’
આટલું જ નહિ કર્ણ તથા અર્જુન વચ્ચે જે પ્રતિસ્પર્ધી ભાવ સ્થાપિત થયો છે એ જોતાં હવે જો કર્ણ અને અર્જુન યુધ્ધમાં સામસામા ન ઊતરે તો બંનેની અપકીર્તિ થાય એમ છે. આટલું જ નહિ કર્ણ પાંડવોની ધર્મપ્રીતિ જાણે છે,એટલે કૃષ્ણને કહે છે : હું કુંતીપુત્ર છું એ વાત તમે પાંડવોથી છુપાવી રાખજો કારણ કે ધર્માત્મા યુધિષ્ઠિરને જો આની જાણ થશે તો એ મને રાજ્ય સોંપી દેશે. અને મારા હાથમાં એ રાજ્ય આવ્યું તો હું દુર્યોધનને એ સોંપી દઇશ.પછી કર્ણ કહે છે:
સ એવ રાજા ધર્માત્મા શાશ્વતોઅસ્તુ યુધિષ્ઠિરઃ,
નેતા યસ્ય હૃષીકેશો યોધ્ધા યસ્ય ધનંજયઃ.
(ઉદ્યોગ. 139;23)
એ ધર્માત્મા યુધિષ્ઠિર શાશ્વત રાજા બની રહે –જેના નેતા છે હૃષિકેશ, જેનો યોધ્ધો છે ધનંજય. આ પછી કર્ણ અદભુત કાવ્ય રચે છે. આખાયે મહાભારતના યુધ્ધના પરિણામને કર્ણ પોતાની આર્ષદૃષ્ટિથી જુએ છે. એ કહે છે: ધૃતરાષ્ટ્રના ઔત્ર દુર્યોધને શસ્ત્રરૂપી યજ્ઞનું અનુષ્ઠાન આરંભ્યું છે.કૃષ્ણ એ યજ્ઞ કરાવવાવાળા બ્રહ્મા છે એટલું જ નહિ યજ્ઞના અધ્વર્યુ છે. અર્જુન હોતા છે શસ્ત્રવિદ્યાના મંત્રો યજ્ઞના મંત્રો છે, અભિમન્યુ ગ્રાવસ્તોત્ર ગાવાકાળો થશે. વીરોનું રક્ત એનું હવિ બનશે.અને–
યદા દ્રક્ષ્યસિ માં કૃષ્ણ નિહતં સવ્યસાચિના,
પુનશ્ચિતસ્તદા ચાસ્ય યજ્ઞસ્યાથ ભવિષ્યતિ.
(ઉદ્યોગ. 139;46)
હે કૃષ્ણ, સવ્યસાચી અર્જુનથી હણાયેલા એવા મને તમે જોશો ત્યારે મારું મૃત્યુ એ યજ્ઞની પુનશ્ચિતિ સમું હશે. અને કર્ણ જાણે ભવિષ્યમાં દૃષ્ટિ કરતો હોય એમ કહે છે:
દુર્યોધનં યદા હંતા ભીમસેનો મહાબલઃ,
તદા સમાપ્સ્યતે યજ્ઞો ધાર્તરાષ્ટ્રસ્ય માધવ.
(ઉદ્યોગ.139;49)
જ્યારે મહાબલિ ભીમસેનના હાથે દુર્યોધન હણાશે ત્યારે ધૃતરાષ્ટ્રના પુત્રે આરંભેલા આ યજ્ઞની સમાપ્તિ થશે. કૃષ્ણ આ પછી પણ કર્ણને આકર્ષવા પ્રયત્ન કરે છે. કૃષ્ણ સારી પેઠે જાણે છે કે કર્ણ દુર્યોધનનો પક્ષ છોડી દે તો આ મહાયુધ્ધ ન થાય. અને કૃષ્ણ એ પણ જાણેછે કે આ મહાયુધ્ધ થઇને જ રહેવાનું છે. કર્ણને હવે કોઇ પ્રલોભન વશ કે વિચલિત કરી શકે એમ નથી. ,કર્ણ ફરી વારના કૃષ્ણના વાક્યના ઉત્તરમાં કહે છે કે શુભ શુકનની દૃષ્ટિએ કે સર્વ દૃષ્ટિએ વિજય તો પાંડવોનો જ છે.દુર્યોધનને તો બધી જ દિશાઓસળગતી દેખાય છે.એનો પરાજય નિશ્ચિત છે એટલું જ નહિ, પણએ પોતે જોયેલા સ્વપ્નની વાત કરે છે. કર્ણના સ્વપ્નમાં યુધિષ્ઠિર પોતાના ભાઇઓ સાથે હજાર થાંભલાવાળા એક ઊંચા મહેલ ઉપર ચઢી રહ્યાછે. આ સૌએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે; તેમનાં છત્ર શ્વેત છે. તેમનાં આસન પણ શ્વેત છે અને સ્વપ્નને અંતે કર્ણ જુએ છે કે પૃથ્વી રુધિરથી સભર છે. અને યુધિષ્ઠિર હાડકાંના ઢગલા પર બેસી સુવર્ણપાત્રમાં ઘી અને દૂધ પી રહ્યા છે. કર્ણના સ્વપ્નમાં પાંડવોનો વિજય નિશ્ચિત છે.પણ એમાં એ માત્ર વિજય જ નથી જોતો, વિજયનો વિષાદ પણ જુએ છે. હાડકાંના ઢગલા પર બેસી સુવર્ણપાત્રમાં ઘી અને દૂધ પીવામાં યુધિષ્ઠિરને ક્યો આનંદ આવી શકે? અને શ્વેત વસ્ત્ર,શ્વેત છત્ર,શ્વેત આસન: કર્ણ્ને સ્વપ્નમાં સ્વર્ગારોહણ પર્વનું જ આર્ષદર્શન થતું નથી લાગતું? કર્ણ અધર્મના પક્ષે છે; એ કૃષ્ણને કહે છે કે દુર્યોધનના પક્ષેરહી મેં તમને, પાંડવોને ઘણાં કટુવચન કહ્યાં છે. પણ સાથે સાથે તેને એ વાતની શ્રધ્ધા પણ છે:
વિદિતં મે હૃષિકેશ યતો ધર્મસ્તતો જયઃ
(ઉદ્યોગ. 141;33)
હે કૃષ્ણ, હું એ જાણું છું કે જ્યાં ધર્મ છે, ત્યાં જ જય છે. કર્ણ છતાં પણ છેવટે કહે છે:
અપિ ત્વા કૃષ્ણ પશ્યામ જીવંતો અસ્માન્મહારણાત્ ,
સમુત્તીર્ણા મહાબાહો વીરક્ષયવિનાશનાત્ .
(ઉદ્યોગ.141;45)
ચાતાં હે કૃષ્ણ, વીરોનો વિનાશ કરનારા આ મહાયુધ્ધને પાર કરી જો જીવતો રહ્યો. તો તમને મળીશ. નહિ તો– અથ વા સંગમઃ કૃષ્ણ સ્વર્ગે નો ભવિતા ધ્રુવમ્
તત્રેદાનીં સમેષ્યામઃ પુનઃ સાર્ધ ત્વયાનઘ.
(ઉદ્યોગ. 141;46)
અથવા તો હે કૃષ્ણ, સ્વર્ગલોકમાં તો આપણે અવશ્ય મળીશું . હે નિષ્પાપ, હવે તો એ જ સ્થાન પર તમારો ને મારો મેળાપ સંભવિત છે. કર્ણ જીવતા રહીશું તો મળીશુંએમ કહે છે, પણ એ તો ‘ કેમ છો –મઝામાં’ જેવું રૂઢિગત કથન છે, એટલે એ જ શ્વાસમાં કહે છે, નહિ તો આપણે સ્વર્ગમાં મળીશું. પોતાને સ્વર્ગ નક્કી મળવાનું છે એમ કર્ણ માને છે. આ યુધ્ધમાં અર્જુનના હાથે પોતાનો વધ નિશ્ચિત છે એમ પણ એ જાણે છે, અને મૃત્યુ પછી એની ગતિ જ્યાં કૃષ્ણ હશે ત્યાં થવાની છે, એ પણ એનો દૃઢ મત છે. આ માત્ર કર્ણની શ્રધ્ધાનથી.કૃષ્ણે એમ કહ્યું એમ કર્ણ ધર્મશાસ્ત્રના ગૂઢ મર્મનો જ્ઞાતા છે. એટલે એ પ્રતીતિથી આ વાક્યો કહે છે. કર્ણ અને કૃષ્ણનો આ સંવાદ માનવસંબંધોમાં એક નવો આદર્શ સ્થાપે છે.કર્ણનાં બે પાસાં છે. એક કર્ણ દુર્યોધન,શકુનિ અને દુઃશાસનની સાથે હુંકાર કરે છે. પણ કૃષ્ણની નિકટ આવે છે ત્યારે અહમ્ ના બધા પડદા હટી જાય છે. નિરાવૃત સત્ય પ્રગટ થાય છે અને કર્ણનું આ બીજું પાસું વધારે મનોરમ છે અને સવિશેષ મહાન છે- એટલે જ કદાચ કવિઓને – મનુષ્યમાત્રને તેનું આકર્ષણ રહે છે.
કર્ણ અને માતા કુંતી નું મિલન હવે પછી ટૂંક સમયમાં
આ પ્રસંગ કેવો લાગ્યો અભિપ્રાય જણાવવા નમ્ર વિનંતી


1 comment July 15, 2008

કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પાનું 31 અને 32
અર્જુનના સુભદ્રા સાથે લગ્ન
અર્હુનના સુભદ્રા સાથેનાં લગ્નનો કૃષ્ણનો નિર્ણય સુભદ્રાના, પોતાના કે યાદવોના હિતને લક્ષમાં લઇ કરાયો ન હતો, અર્જુનના હિતને લક્ષમાં લઇને કરાયો હતો,યાદવો, ખુદ બળરામ પણ અર્જુને સુભદ્રાનું હરણ કર્યું તેનો વિરોધ કરતા હતા.પણ કૃષ્ણે કેવળ અર્જુનના કલ્યાણ માટે આ યોજનામાં સાથ આપ્યો હતો. આ પ્રસંગ પણ યાદ કરવા જેવો છે. અર્જુન સુભદ્રાને લઇ સુવર્ણરથ પર પોતાના નગરની દિશામાં જવા લાગ્યો ત્યારે સૈનિકો ચીસો પાડતા દ્વારકા નગર તરફ દોડ્યા.ત્યાંની ‘દેવસભા જેવી રાજસભા’માં આ કહી સંભળાવ્યું. મહારથી અને પુરુષવ્યાઘ્ર જેવા વૃષ્ણિ અને અંધક વંશના નેતાઓ ઝટપટ સિંહાસનો પરથી ઊભા થઇ ગયા; અને અર્જુને કરેલા હરણની વાત સાંભળીને કોઇકે કહ્યું: ‘લડાઇની તૈયારી કરો.’ કોઇએ શરાસન તથા કવચ મંગાવ્યાં. કોઇએ સારથિને રથ તૈયાર કરવા કહ્યું. રથ, કવચ, ધ્વજા ઇત્યાદિ લાવવા માટે દોડાદોડ મચી ગઇ.પણ એ વખતે બળરામે કહ્યું: ’તમે સૌ દોડાદોડ કરો છો, પણ પહેલાં કૃષ્ણને તો પૂછો કે એને શું કહેવું છે?’ અને પછી કૃષ્ણને બળરામ પોતાનો મત તો સાફસાફ કહે છે :
કથં હિ શિરસો મધ્યે પદં તેન કૃતં મમ,
મર્ષયિષ્યામિ ગોવિન્દ પાદસ્પર્શમિવોરગઃ
( આદિ.212;30)
હે ગોવિન્દ, એણે (અર્જુને) મારા મસ્તક પર લાત મારી છે. સર્પ જેમ બીજાના પગને સહન નથી કરી શકતો, તેમ હું પણ આ સહન નહિ કરી શકું.
આ બધો વખત શાંત બેઠેલા કૃષ્ણ હવે બોલે છે. એ તો અર્જુને જે કર્યું તેમાં કુળનું અપમાન નથી થયું એમ સમજાવે છે. પછી કહે છે કે સુભદ્રા જેવી યશસ્વિની છે, એવો જ પાર્થ ગુણવંત છે ! વળી આ અર્જુનને હરાવી શકે એવું ત્રિલોકમાં છે કોણ? અને આગળ ચાલતાં કૃષ્ણ કહે છે:
સ ચ નામ રથસ્તાદક મદીયાસ્તે ચ વાજિનઃ
(ઍઍડિ. 213;9)
શબ્દનો અર્થ તો આટલો જ છે: ‘એક તો એવો એ રથ અને એવા એ મારા અશ્વો.’ પણ આ એક ચરણ પર એક પુસ્તક લખી શકાય એટલું દૈવત તેને મળ્યું છે.કૃષ્ણ જે થોડીક અધિકારવાણી ઉચ્ચારે છે, એમાંની આ એક છે. એ કહે છે: એક તો અર્જુનનો રથ છે: અને એને મારા અશ્વો જોડેલા છે. ‘તે મારા અશ્વો ‘ એ શબ્દ પર ભાર મુકાયો છે. અર્જુનનો રથ દુર્જેય ક્યારે બને છે? જ્યારે કૃષ્ણના અશ્વો તેને જોડવામાં આવે ત્યારે. રથને દેહ તરીકે ઓળખાવી, અશ્વોને પ્રભુપ્રેરિત ઇન્દ્રિયો સાથે પણ સરખાવી આશ્લોકને નવા અર્થમાં ઉપસાવી શકાય. આ દેહરૂપી રથ પણ જ્યાં સુધી પ્રભુના અશ્વો જોડાતા નથી, ત્યાં સુધી નિરર્થક છે, પણ એકવાર પ્રભુના અશ્વો જો રથને જોડાય તો કોની મજાલ છે કે રથને રોકી શકે? અર્જુન અજેય છે; ત્રણ લોકમાં માત્ર શંકર સિવાય કોઇ એને હરાવી શકે એમ નથી; અને એના એ રથ સાથે જોડાયા છે કૃષ્ણના અશ્વો.


Add comment July 14, 2008

કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે-માંથી એક પ્રસંગ

શનિવાર, બારમી જુલાઇ, 2008 ને આષાઢ સુદ દશમ 2064

“કૃષ્ણ અને માનવ સંબંધો”/હરીંદ્ર દવે/”

‘જયદ્રથ વધ’ના પ્રકરણમાંથી એક પેટા પ્રસંગ(પાનું-218 અને 219)
કૃષ્ણ અર્જુનના રથને શત્રુસેનામાં(જયદ્રથ ભણી) ધીરે ધીરે એના લક્ષ્ય તરફ જ દોરી રહ્યા છે.
રથશિક્ષાં તુ દાશાર્હો દર્શયામાસ વીર્યવાન્,
ઉત્તમાધમમધ્યાનિ મંડલાંનિ વિદર્શયન્.
દશાર્હવંશી,વીર્યવાન એવા કૃષ્ણ પોતાની રથશિક્ષાને ઉત્તમ, અધમ, અને મધ્યમ એવાં ત્રણે મંડળો દ્વારા પ્રદર્શિત કરી રહ્યા હતા. કૃષ્ણ સારથિ તરીકેની પોતાની કળાને પ્રગટ કરી રહ્યા હતા.
આવા પ્રસંગે કૃષ્ણ અને અર્જુનની મહત્તાને સિધ્ધ કરતો એક પ્રસંગ બને છે. યુધ્ધમાં સામાન્ય રીતે યોધ્ધાનું ધ્યાન પોતા પર જ હોય;સારથિનું ધ્યાન પણ પોતાને લક્ષ્ય બનતા બચાવવામાં હોય. પરંતુ અર્જુન કૃષ્ણને કહે છે : અશ્વો બાણથી પીડાયા છે: જયદ્રથ હજી ઘણો દૂર છે. મને લાગે છે કે રથ છોડીને અશ્વોના શરીરમાંથી બાણ કાઢવાં જોઇએ. ઘોર યુધ્ધ ચાલી રહ્યું ચી, ત્યારે અર્જુનને આ વાત સૂઝે તેની નવાઇ લાગે છે.કૃષ્ણ પણ કહે છે: ‘ અર્જુન, તેં એ જે વાત કરી, જે મારો પણ મત છે.’ સાતવળેકરજી સિવાયની આવૃત્તિમાં એક નવું પ્રતિરૂપ છે.
અર્જુન એક્લે હાથે ભૂમિ પર ઊભો રહીને કૌરવસેનાને રોકી રાખે છે આ લગભગ અશક્ય છે: એટલે તો ધૃતરાષ્ટ્ર પૂછી બેસે છે:
અર્જુને ધરણીં પ્રાપ્તે હયહસ્તે ચ કેશવે,
એતદંતરમાસાદ્ય કથં પાર્થો ન ઘાતિતઃ.
અર્જુન ધરતી પર ઉતરી આવ્યો અને કૃષ્ણ અશ્વોની ચિકિત્સામાં જોડાયા. આ તો અજબનો અવસર છે. એ મોકો ઝડપીને મારા સૈનિકોએ અર્જુનનો વધ કર્યો કે નહિ? સંજયનો જવાબ એટલો જ ધારદાર છે:
સદ્યઃ પાર્થિવ પાર્થેન નિરુધ્ધાઃ સર્વપાર્થિવાઃ,
રથસ્યા ધરણીસ્થેન વાક્યમચ્છાન્દસં યથા.
અછાંદસ વાક્ય જેમ અસ્વીકાર્ય બને.(અથવા રૂઢિગત અર્થમાં વેદવિરુધ્ધ વાક્ય જેમ અગ્રાહ્ય બને) તેમ બધા જ રાજવીઓને અર્જુને રોકી લીધા. આવા અપૂર્વ નરસંહાર વચ્ચે પ્રાણી પ્રત્યેની દયાની આ ઘટના વિરલ છે.વાત અહીં જ અટકતી નથી.કૃષ્ણ અર્જુનને કહે છે : અશ્વોને જળ પીવું છે. અને અર્જુન પૃથ્વીમાં બાન ફેંકી સ્વચ્છ જળથી યુક્ત જળાશયની રચના કરે છે,એટલું જ નહિ પણબાણો દ્વારા કૃષ્ણની આસપાસ દીવાલ રચી દે છે. કૃષ્ણ જાણે સ્ત્રીઓની મધ્યે ઊભા હોય એમ અર્જુને રચેલા શરગૃહની વચ્ચે હસતાં હસતાં ઊભા રહી અશ્વોને જળ પાતા હતા, સ્નાન કરાવતા હતા. સંહારની સામે જીવદયાની આ સમતુલા વ્યાસ જેવા સમર્થ કવિ જ કરી શકે એવી છે.


1 comment July 12, 2008

લોકગીતા–સ્વામી આનંદ/ભાગ 1

નવમી જુલાઇ 2008 ને આષાઢ સુદ સાતમ 2064

લોકગીતા/સ્વામી આનંદ
(1) અર્જુન વિષાદ યોગ

ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે ઉભો અર્જુનનો રથ,
સારથી કૃષ્ણ સાથે એ નિહાળે બેઉ સૅનને…1
ત્યાં દીઠા અર્જુને ઊભા મારવા મરવા સહુ
કાકા મામા ગુરુ દાદા ભાઇ પિતરાઇ સૌ સગા….2
જોઇ અર્જુન ઊઠ્યો ધ્રૂજી કહે,
હે કૃષ્ણ !
આ બધા વડીલો ગુરુઓને હું મારીને રાજ શું કરું?……3
કુળનો નાશ કરનારું આવું જુધ્ધ નહીં કરું
એથી તો ભીખ માંગીને જીવવું હું ગણું રુડું…..4
આમ અફસોસ ઉદ્વેગે છોડી ધનુશબાણને
રથમાં બેસી ગયો રોતો, ‘નૈ લડું’ કહી અર્જુન…..5
++++++++++++++++++++++++++++++++++++++
(2) સાંખ્ય યોગ
કહે કૃષ્ણ, અરે ! આ શું સૂઝ્યું આવે સમે તને ?
લડવાનો ધર્મ છે તારો, તેમાં તું થી ડગાય નૈં….6
ન કૅવાના વૅણ કૅશે સૌ, તું ભાગ્યો જુધ્ધ થી ડરી
અકીર્તિ, કીર્તિવંતાને મૉતથી આગળી નકી…..7

તું હું ને આ બધા રાજા હતાં પહેલાં અને હશું,
હું જાણું, તું ન જાણે એ બધું યે; માન નિશ્ચિત….8
આત્મા તો અવિનાશી છે, હણ્યો કોઇથી હણાય નૈં,
મરનારું મારનારું કો’મૂળમાં નથી આ જગે….9
વસ્ત્ર જીરણ કે ફાટ્યાં છોડીને માનવી નવાં પૅરૅ છે
તેમ આ આત્મા દેહ બદલી નવા ધરે…10
વળી જો માનીએ કે એ મરે જન્મે ફરી ફરી
જન્મ્યું તે મરશે નિશ્ચે, મોત કોને ટળ્યું કદી?….11
માટે જે જિંદગીમાંથી કદી ટાળ્યું ટળાય નૈં,
તે તણો શોક છે મિથ્યા, આવે-જાય બધું જગે….12
હક તને કર્મનો માત્ર, ફળ તો હરિ હાથમાં
મેલ્ય તું ફળની આશા, મેલ્ય વેન ‘ન લડું’ તણું….13
સુખદુઃખ લાભ ને હાણ, હાર કે જીત ભૂલીને
નિરલેપ રહીને ઝૂઝાય; પાપ એમાં નથી કશું…..14
++++++++++++++++++++++++++++++++++++++

(3)કર્મયોગ
કિરતારે પ્રાણી સાથે જ કર્મને સૃષ્ટિમાં ઘડ્યું
એનાથી દેહ આ ચાલે, બધા વહેવાર આપણા….15
આવું આ કર્મનું ચક્ર જે મૂજી ચલવે નહિ
તેનું જીવ્યું વૃથા જાણ;–ચોર એ નકરો જગે….16
જનક વિદેહી ને બીજા મોટા જે મૉર્ય થૈ ગયા
એ બધાયેય પોતાના બ્જાવ્યા કર્મ આમ જ….17
જોને કરવા કમાવાનું મારે જગમાં નથી કશું
તૉય તું જુવે છે હું છું સદા કર્મમાં મચ્યો…….18
કાંકે જો ન કરું કર્મ જાતે આળસ છાંડીને
સૌ કરે તેમ; ને કર્તા હું બનું લોકનાશનો……19
કર્મ કયારેક પોતાનું દિસે હીણું, બીજું રુડું.
તોય એ ધર્મ પોતાનો; આચરતાં મરવું ભલું….20
અલેખે ના કશું જાય એવા નિશ્કામ-ધર્મમાં
થોડો યે આચર્યે મોટા ઉગારે ભયથી નકી…21
તોય હે કૃષ્ણ! એવો આ ધર્મ માણસ કાં તજે?
ઇચ્છા ન્હોય છતાં જાણે ધકેલે કોક માંહ્યથી…22
હે અર્જુન ! લાંઠ વેરી એ કામ ને ક્રોધ આપણા
પાપી ખાઉધરા,- એને વશ ન થા; હણ તું સદા….23

(4)જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આવો આ કર્મનો મર્મ,
પુરાણો યોગ શ્રેષ્ઠ જે આવ્યો છે ચાલતો જૂના કાળથી; મેં તને કહ્યો…..24
ધર્મની પડતી થાયે, વાધે જોર અધર્મનું
ત્યારે ત્યારે લઉં જન્મ , હું આવી પર્થમી પરે…..25
દુષ્ટોને ડામવાને ને રક્ષવા સંત-સજ્જન
ધર્મને થાપવા પાછો અવતરું હું ફરી ફરી….26

સમર્પી પ્રભુને એવા કરે નિષ્કામ કર્મ જે
પાપથી તે ન લેપાય, જળમાં જેમ પોયણું….27
તેથી તું રહી નિરલેપ, તારાં જે કર્મ,
જા કર્યે જીવ્યાની શ્રેષ્ઠ સિધ્ધિનો કીમિયો એ જ આ જગે….28
(6)આત્મ સંયમ યોગ
શાણે ઓધ્ધરવું જાતે, મનથી ના હારવું કદી
આપણે આપણા મિત્ર, આપણે શત્રુ આપણા…..29
પણ ચંચળ તો મન;- એને નાથવું કેમ?
હે પ્રભુ ! પોટલે બાંધવો વા ને, એથી યે કામ આકરું….30
હે અર્જુન ! તો ય એ મનને લૈ ખીલે બાંધવું રહ્યું
વારેવારે મથીને યે વળી વૈરાગને બળે….31
અર્જુન પૂછે છે:
પણ એવા યત્નવાળો, જો ચળે અધવચ હે પ્રભુ !
તો એના હાલ શા? એનાં બેય શું બગડે નહિ?….32
ભગવાન કહે છે: ના બાપુ ! જગમાં કોયે સત્ત માર્ગે વળેલની
દુર્ગતિ ના કદી થાય; નિશ્ચે આગળ એ જશે….33
મનની સમતાવાળા જ્ઞાની યોગી તપસ્વીમાં
શ્રધ્ધાથી સર્વદા હું માં લીન,- તે સહુ થી વડો…..34
(7) જ્ઞાન વિજ્ઞાન યોગ
લાખોમાં કોઇ એકાદ પામવા મુજને મથે
મથનારા મહીં યે પાછા જાણે મર્મથી કોક જ ……35
મારાથી અદકું કોય તત્વ આ જગમાં નથી
એકદોરે પ્રોવ્યું, સૌ હુંમાં, માળાના મણકા સમું…..36
જગના મોહ માયા તે કોયથી ન તરાય
આ ભક્ત, જે શરણે મારે આવે, -તે એકલા તરે….37

( 8) અક્ષર બ્રહ્મ યોગ તેથી તું સદા મુજમાં પ્રોવીને લડ જુધ્ધ
આ બધો ભાર મને સોંપી; નિશ્ચે તું પામશે મને…..38

(9) રાજ વિદ્યા રજગુહ્ય યોગ
વળી સાંભળ બીજું યે ગુપિત શ્રેષ્ઠ તને કહું
બધા ધર્મ તણો સાર, મોંઘેરી સમજણ નકી…39
મને જે માનવી રુપે વિચરતો અવગણે જગે
ન જાણે મૂઢ તે મારો મહિમા જે વિશ્વ ચાલવે….40
જાણે એ મહિમા ભક્તો,જે જીવે વળગી મને
પ્રભુને જ બધે દેખે; સંત એ દોહ્યલા જગે …….41
એવા અનન્ય ભક્તોના ઘર વહેવારની
બધી ચિંતા વેંઢારું હું પોતે; એમને રાખું મોકળા …..42
પત્ર ફળ ફૂલ કે નકરું પાણી યે જે ધરે મને
ભક્તનું ભાવથી આપ્યું; એ બધું લઉં હું સુખે…..43
લેખાતાં હોય જે હલકાં, ને મારું શરણું ગ્રહે થાપું
ઊંચાં કરી વહાલા પામે એ સૌ પરમગતિ….44
હોય મોટો દુરાચારી, થૈ અનન્ય ભજે મને
તે ય ઝટ ધર્માત્મા, તો જનતાજન કાં નહિ? ….45
ત્યાં ધ્યાની કર્મયોગી રાજરુશિનું પૂછવું જ શું?
જાણ નિશ્ચે કરી મારા ભક્તનો નાશ ના કદી. ….46
જે જે કૈં ખાય, આપે કે જપતપ ધ્યાન તું કરે
કરવાના કામ તે સરવે મને જ કર અર્પણ ……47
(10) વિભૂતિ યોગ
નજાણે મહિમા મારો મહર્ષિ દેવ કે મુનિ
મૂળ હું સર્વ સૃષ્ટિનું, જાણે તે સૌ ભજે મને….48
મન પ્રાણે હું જ એવા એ, બોધ લે દે પરસ્પર
રહે સંતોશ આનંદે સૌ ભીના મુજ કીર્તને……49
એવા રંગાયેલા ભીના ભક્ત પ્રીતે ભજે મને
એવાને સમજણ શ્રેષ્ઠ દઇને હું મળું નકી….50
મહિમાવંતા પ્રભુ ! કેમ ઓળખું મહિમા તુજ,
તારી કૈં કૈં વિભૂતિનું કરવું ધ્યાન ચિંતન ?…..51
ભલે, લે સાંભળી અર્જુન ! થોડી મારી વિભૂતિઓ
અંત ના’વે કદી એનો, વિગતે વદવા જતાં….52
વસુ છું આત્મરૂપે હું જીવ માત્ર તણા રુદે
સચરાચર સર્વેનું આદિ ને અંત, મધ્ય હું…..53
આદિ ઉચ્ચાર ઔમકાર, અક્ષરોમાં અ’કાર હું
કીર્તિ લક્ષ્મી બુધ્ધિ નારીમાં, સ્મૃત્તિ વાણી ધારણા ક્ષમા….54


1 comment July 11, 2008

vANANAA KOi vAADHi JAv Re vAANSH

વાઢી જાવ રે વાંસ /દેવજી રા.મોઢા/અખંડ આનંદ /30.11.1966
વનના કોઇ વાઢી જાવરે વાંસ !
ધરા કેરા ઉર ચીરી ચીરી
નીકળતા નિશ્વાસ સમા
આ વનના કોઇ વાઢી જાવરે વાંસ !
વાંસના ઊભા વન ભોંકે મારા પડખા માંહી શૂળ !
પવનોનો સુસવાટ ઉડાડે પગતળેની ધૂળ !
ભોંય સમાણા વાંસ ઢાળીને ભડભડ એમાં ચાંપી દિયો હુતાશ-
આ વનના કોઇ ….
બળતામાંથી જાય બચી
એને ચડાવો ડૂબતે વ્હાણ !
તોયે ન ડૂબે તો ખડકાવો
મહીં મોટા પ્હાણ !
પણ એવું કરો કે તરવાનો ફરી
આ ભવમાં તો ઊભો ન થાય અવકાશ !
આ વનના કોઇ….
વાંસ જતાં, ક્યાંયે વાંસળી તો નહીં હોય !
વાંસળી વિના ક્હાન મારો
કોઇ કામિનીમાં ભલે મોહ્યો !
આ તો પેલી એક વાંસળીથી એને
વારી લેવાની મારામાં ન્હોતી ગુંજાશ !
આ વનના કોઇ…..
ઉર કેરી ધરા ચીરી ચીરી,
નીકળતા નિઃશ્વાસ સમા,
આ વનના કોઇ વેડી જાવરે ,વાઢી જાવરે
અરે સમૂળા કાઢી જાવરે વાંસ
આ વનના કોઇ….
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
નેજવાંની છાંય તળે/હરિકૃષ્ણ પાઠક/ “કુમાર”/ નવેંબર 1966

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો,
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયા કાયાના હીર,
તોયે ફૂલ જેમ ખૂલ્યું છે મન.
આંગણામાં ઉગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ.
એવું લાગે રે ઘડી,
ઊગી છે આજ ફરી, વીતેલી રંગભરી કાલ !
છોગાંની શંકાએ માથે ફેરવીને હાથ
ખોળે ખોવાયેલું ગવન.
નેજવાંની છાંય તળે….
ઠમકાતી મંદ ચાલ
ઘરમાંને બારણે ને છલકાતું એ જ નર્યું રૂપ.
કંકુના પગલામાં મ્હોરી ગૈ વાત
જેને રાખી’તી માંડમાંડ ચૂપ !
શમણાંનો સાદ કરી,
હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગન
નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન. +++++++++++++++++++++++++++++++++++++++++++++++
વગડે આવો તો…

(કવિ કોણ? ક્યાંથી આ કવિતા મળી? કાંઇ જ માહિતી મારી પાસે નથી, જો કોઇ જણાવશે તો તો નંદ ઘેર આનંદ ભયો ! 1967માં વાંચવામાં આવી હતી એમ નોટબુકમાં લખેલી તારીખ ચાડી ખાય છે)

વગડે આવો તો વાતુ કૈયે વાલમજી(2)
છાપરામાં રૈયે છાના,વાલમજી (2)
નમતે પહોરે તમે નીકળજો એકલા
વાડાની ઝાંપલી વાસી,
ઊડીને નેળને નાકે તળાવડી
ભેળીહાલીશ હુંય તૈથી.
ખોળે દુનિયાને ખોવાઇ જૈયે વાલમજી,
વગડે આવો તો….
મૂંગો પડાળીમાં ખોસી મૂકેલો તે
પ્રીતમજી લાવજો પાવો.
ઊંચે રે આંબલે બેસીને મારો
કોઇ મનમાં બાંધેલ રાગ ગાવો.
(હાલો) ઘડીક રાધાને કાન થૈયે વાલમજી વગડે આવો તો…
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
અનુમાન/દેવજી રા.મોઢા/અખંડ આનંદ/31મી ઑગષ્ટ 1966
સખી, તમે આજ લગાવો અનુમાન;
મથુરાથી કદી પાછા વળે
તો ક્યારે વળશે ક્હાન?-સખી…
એને ગમી ગૈ મથુરા નગરી,
ગમી ગ્યા રાજ ને પાટ,
ફૂલપરે ફરે એને ગમે કેમ
કંટકછાયી વાટ? તહીં આરસના મહેલ,
અહીં ના માટીનાં ય મકાન?
શું કહિયે જેને પોતે આપેલા
વાયદાનું નથી મૂલ,
કૈંક દિવાળીના દીપ બૂઝ્યા
શમી કૈંક હોળીની ધૂળ !
ખર્યાં ને કોળ્યાં કેટલી યે વાર
ફળીના પીપળ પાન ? મથુરાથી સખી…
હું તો માનું કે એ નહીં આવે ,
કરશે ત્યાં જ મુકામ;
ને મારે અહીં જીવવું
ઝૂરી ઝંખી તલખી ‘શ્યામ’ !
ને એમ થવું નિઃશેષ
ગોકલ પડઘાતાં સુણી ગાન .
મથુરાથી સખી…
++++++++++++++++++++++++++++++++++++++


Add comment July 10, 2008

MITAI/MAKARAND DAVE

******************************************************** મિતાઇ ગીતિ/મકરંદ દવે/સમર્પણ/17મી ઑક્ટોબર 1965

(1) પ્રથમ પ્રીતિ
દેખો મિતાઇ !
અંધ ઘુમડ વેગે આવે
ઝંઝા દૂર દિગંતે
રુદ્ર તડિત તેગે
નિયમ કરમ ઘોળ્યાં જાયરે
ધરમ બને ધૂળ;
હૈયું ક્યાંથી હાક્લ્યું રહે?
હચમચે ધરમૂળ-
ટગલી ડાળે મન તો જાણે
થથરે પીળું પાંદ;
આંધી પાછળ ઊગતો આવે
આછો કાનાઇ ચાંદ.
++++++++++++++++++++++++++++++++
(2) દ્વિધા
હાય રે, મિતાઇ !
અસહ્ય હાહાકાર ! દ્વિધા જડિત હૃદય ઘડી ઘરમાં,
ઘડી બહાર.
આવડું મોટું ઇજન,
સખી ! આટલું બધું માન ?
કોઇને કાજે, કોઇ તે આપે
આવું સહન* દાન?

કાનાઇઅ કાજે પ્રાણ ઓવારું
આજે અહીં ને અહીં,
અંધ હૃદય, બંધ નયન
બોલે નહીં રે નહીં.
*સહન શબ્દ બંધ બેસતો નથી,અભ્યાસુ રસિકોને આ શબ્દ કયો હોઇ શકે તે વિષે માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી
+++++++++++++++++++++++++++++++++++++++++++++
(3) આત્મખોજ
ચરણ મારા અટક્યા છે અધવાટે,
જૈ શકું ના ઘેર હું મિતાઇ.
જૈ શકું ના ઘાટે.
અધફૂટ્યાં એ વેણની તરે અરધપરધ ઝાંય
નયણાં એનાં નોતરે ને સૈ,
તરછોડે જો બાંય?
કેમ કહું રે કપટી કાનાઇ,
કેવું વદન રાંક? મૂરખ મારું કાળજું, મિતાઇ !
મારો જ હશે વાંક . =============================================
(4)અસહાય
મિતાઇ !મારા હાથની જો હોત બાજી,
આઘીથી હું વંદન કરત,
આઘેથી રહેત રાજી.
કોણ જાણે, જોઇ હડસેલે,
હાય ! કાંઇ ન કહ્યું માને,
નહીં તો આવા ઊંડા જળમાં
કોઇ પડે શાને?
ડૂબવા લાગ્યું આજ તો જીવન,
ઘૂંટાય ઘેરા શ્વાસ,
કાનાઇ, મારા પ્રાણ ન મૂકે
તોયે ઘેલો વિશ્વાસ.
=============================================
(5)અવલંબન
મોરે મનભાવન ગોપાલ,
મારી નાખે તોયે તે મિતાઇ ! ઊલટું છૂટે વ્હાલ.
સીધાં વેણથી વાત કરે નહીં, સીધાં નેણ ન તાકે,
છેતરાતું જાય હૈયું એવું છેતરાઇને છાકે
મદીલ બાંકી મૂરત પર
ઉર નિહાલ નિહાલ
મોહન પ્યારે, મોહન પ્યારે મોહન પ્યારેલાલ.

(6) ઝાંખી
દયા લાવી,
દેખો તો ભાઇ મીત !
સામેની ફૂલ કુંજમાં તે શું ફરક્યું વસન પીત?
સુન તો સખી, કોઇ પુકારે ધીરે મારું નામ?
ક્યાંથી બજે મુરલી મોહન ?
ક્યાં છે નયનારામ? હાય રે,
મારું ભ્રમણાનું જગ ચિત્તનો આ ચગડોળ.
ખોટું મિતાઇ?
રૂપની કેવી ઊઠે અરૂપ છોળ !
+++++++++++++++++++++++++++++++++++++++++++++
(7) મૌન
ના, હવે સઇ ! ના,
હવે નહીં બોલું,
ગાંઠ વાળી જે ગોપન તે હું
કોઇ કને નહીં ખોલું.
ઘડીક ચૂવે નેણ નોધારાં.
ઘડીક ફૂટે હાસી,
કોને કહું ?
કોણ બન્યું આ કમલવનનું વાસી?
મિતાઇ, ભરી નિંદરામાંથી
જીવ તો જાગે જાગે,
સબહારાના દેશમાં મારી
મોહન મોરલી વાગે.


Add comment July 9, 2008

Previous Posts


Recent Posts

Recent Comments

pragnaju on વૈષ્ણવજનતો…
Chirag Patel on કર્ણ અને કૃ…
pragnaju on વિવેકાનંદ …
pragnaju on પ્રતીક્ષાન…
pragnaju on કૃષ્ણ અને મ…

Categories

Top Posts

Blog Stats

Calendar

July 2008
M T W T F S S
« Jun    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Feeds