‘રઢિયાળી રાત’ /સં:ઝવેરચંદ મેઘાણી માંથી વીણેલું
મોરબીની વાણિયણ—(‘રઢિયાળી રાત’-સંપાદક-ઝવેરચંદ મેઘાણી)પાનું ક્રમાંક 266, બ્રૂહદ આવ્રૂત્તિ 1997
[એવોયે વખત હશે, જ્યારે વાણિયા જેવી પોચી જાત અને તેમાંયે એક અબળા, પોતાના ઉપર કુદ્રષ્ટિ કરનાર રાજાને પણ કાળજે કારી ઘા પડે તેવો માર્મિક જવાબ આપીને ભોંઠો પાડતી. જીવાજી ઠાકોરે રોજ રોજ લાલચો દીધી. વાણિયાણીએ ખામોશ પકડી. પણ આખરે તો એણે રાજાની રાણીઓની, રાજ્યની અને મસ્તકની જ હરરાજી બોલાવી,ત્યારે ઠાકોર ઘોડાં પાવા જવાનું ભૂલી ગયા.]
કૂવા કાંઠે ઠીકરી,કાંઇ ઘસી ઊજળી થાય,
મોરબીની વાણિયણ મછુ પાણી જાય;
આગળ રે જીવોજી ઠાકોર,
વાંહે રે મોરબીનો રાજા,
ઘોડાં પાવાં જાય.
કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા બેડ્લામાં તારા હાથીડા બે ડૂલ.—મોરબી0
કર્ય રે, વાણિયાણી, તારી ઇંઢોણીનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો,મોરબીના રાજા
નથી કરવાં મૂલ;
મારી ઇંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ.—મોરબી0
કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા રે વાટકામાં તારું રાજ થાશે ડૂલ.—મોરબી0
કર્ય રે, વાણિયાણી, તારી પાનિયુંનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારી પાનિયુંમાં તારી રાણિયું બે ડૂલ.—મોરબી0
કર્ય રે , વાણિયાણી , તારા અંબોડાનાં મૂલ,
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા અંબોડામાં તારું માથું થાશે ડૂલ.—મોરબી0
=========================================
વઢિયારી સાસુ—(રઢિયાળી રાત—સંપાદક—ઝવેરચંદ મેઘાણી)
પાનું ક્રમાંક 57 બ્રૂહદ્આવ્રૂતિ 1997
દાદા હો દીકરી(2) વાગડમાં નવ દેજો રે સઇ,
વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે.
દિ’એ દળાવે મને રાતડીએ કંતાવે રે સઇ
પાછલે ને પરોડિયે પાણીડાં મોકલે રે સઇ
ઓશીકે ઇંઢોણી, વહુ, પાંગતિયે સીંચણિયું રે સઇ
સામે તે ઓરડે વહુ, તમારું બેડલું રે સઇ
ઘડો ન બૂડે, મારું સીંચણિયું નવ પોગે રે સઇ
ઊગીને આથમિયો કૂવાકાંઠડે રે સઇ
ઊડતા પંખીડા! મારો સંદેશો લઇ જાજો રે સઇ
દાદાને કે’જે કે દીકરી કૂવે પડે રે સઇ
દાદાને કે’જે, મારી માડીને નવ કે’જે રે સઇ
માતાછે માયાળુ, આંસુ સારશે રે સઇ
કૂવે નો પડજો , ધીડી ! અફીણીયાં નવ ખાજો રે સઇ
અંજવાળી આઠમનાં આણાં આવશે રે સઇ
કાકાના કાબરિયા મામાના મૂંઝડિયા રે સઇ
વીરાના વાગડિયા વઢિયારે ઊતર્યા રે સઇ
કાકે સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સઇ
વીરે ને ફોડાવ્યું વઢિયારને આંગણે રે સઇ
==========================================================================================
ઓળખ્યો (રઢિયાળી રાત સંપાદક: ઝવેરચંદ મેઘાણી)
બ્રૂહદ આવ્રૂતિ1997, પાનું 91 તથા92
[બાર-બાર વરસ થયાં સાસરે વળાવેલી અને વચમાં એકેય વાર ઘેર ન આવેલી બહેનને એનો ભાઇ તેડવા જાયછે. નાનપણનાં સ્મરણો ભૂલેલી એ બહેન ભાઇને કેમ કરીને ઓળખી લે છે?પોતાની માતાની આંખો જેવી એની આંખો દેખીને, અને પિતાના અવાજ જેવો એનો અવાજ સાંભળીને.(માતાના જેવી આંખોવાળો ને પિતાના જેવા સ્વરવાળો પુરુષ પંકાય છે.)ભાઇઅને પોતાનાં દુઃખો સંભળાવતી બહેન ભાઇના નિમંત્રણને નકારે છે.એ સમજે છે કે ભાઇઓ તો ભાભીને વશ હોય.બધું દુઃખ ઠલવીને બહેન ડૂબી મરે છે.]
વેલ્યું છૂટિયું રે, વીરા, વાડીના વડ હેઠ
ધોળીડા બાંધ્યા રે વડને વાંકીએ.
ચાર પાંચ સૈયરું રે, વીરા, પાણીડાની હાર્ય,
વચલી પાણિયારે વીરને ઓળખ્યો.
ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર
બાપની બોલાશે વીરને ઓળખ્યો.
વીરા ચાલો રે દખણી બેની ને ઘેર,
ઉતારા દેશું ઊંચા ઓરડા.
વેલ્યું છોડજો રે, વીરા! લીલા લીંબડ હેઠ,
ધોળીડા બાંધજો રે વચલે ઓરડે.
નીરીશ નીરીશ રે, વીરા,લીલી નાગરવેલ્ય,
ઉપર નીરીશ રાતી શેરડી.
રાંધીશ રાંધીશ રે,વીરાકમોદુંનાં કૂર,
પાશેર રાંધીશ કાજુ ખીચડી
પાપડ શેકીશ રે, વીરા, પૂનમ કેરો ચંદ,
ઉપર આદુ ને ગરમર આથણાં.
જમશે જમશે રે મારો માડી જાયો વીર,
ભેળી બેસશે રે એક જ બેનડી.
ઊંચી મેડી રે, વીરા, ઊગમણે દરબાર,
તિયાં રે ઢળાવું તારા ઢોલિયા.
પોઢશે પોઢશે રે મારો માડી જાયો વીર,
પાસે બેસશે રે એક જ બેનડી.
કરજે કરજે રે, બેની, સખદખની વાત,
ઘેરે જાશું તો માતા પૂછશે.
ખાવી ખાવી રે, વીરા, ખોરુડી જાર,
સૂવું રે માડીના જાયા સાથરે.
બાર બાર વરસે રે , વીરા, માથડિયા ઓળ્યાં,
તેર તેર વરસે રે તેલ નાખિયાં.
મેલો મેલો રે, બેની, તમારલાં દેશ,
મેલોરે, બેની, તમારાં સાસરાં.
વીરા વીરા રે, બેની, માસ છ માસ,
આખર જાવું રે બેનને સાસરે.
ભરવાં ભરવાં રે, વીરા,
ભાદરુંનાં પાણી,
ભાદરની રેલે બેની તણાઇ ગયાં.
આ ને કાંઠે રે, વીરો રહ રહ રુએ,
ઓલ્યે કાંઠે રુએ એની માવડી.

પ્રતિભાવો