BHAG.SNXP.14

શ્રીમદ્ ભાગવત સ્કંધ: પહેલો

શૌનકાદિ ઋષિ એક હજાર વર્ષ ચાલે તેવો યજ્ઞ નૈમિષારણ્યમાં કરી રહ્યા હતા. બ્રાહ્મણ અને ક્ષત્રિયથી ઉત્પન્ન થયેલા સૂતપુરાણી પણ ત્યાં આવ્યા હતા. સૂતપુરાણીએ ચાર વેદ લખ્યા હતા. શૌનકાદિ ઋષિઓએ  `સૂતપુરાણીને પ્રશ્નો કર્યા કે અમને બધા શાસ્ત્રોનો સાર કહો. અમને શ્રીકૃષ્ણ અર્થાત્ ઇશ્વર વિશે કંઇક કહો. તેમના અવતારની કથાઓ, પરાક્રમો, લીલાઓ પણ કહો, શૌનકાદિ મુનિએ સૂતને છ પ્રશ્ન પૂછ્યા.(1)માનવનું કલ્યાણ શેમાં છે?(2) કલ્યાણનું સરળ સાધન શું? (3) ભગવાન શા માટે વસુદેવને ત્યાં પ્રગટ્યા? (4) ભગવાનની ચરિત્ર લીલાઓ કંઇ? (5) ભગવાનના અવતારો કેટલાં? (6) શ્રીકૃષ્ણ સ્વધામ પધાર્યા પછી ધર્મ કોને શરણે ગયો?

સૂતપુરાણીએ ઉત્તર આપ્યા: મનુષ્યને માટે સર્વશ્રેષ્ઠધર્મ એ જ છે કે જેના વડે શ્રીકૃષ્ણ અર્થાત્ ભગવાનમાં નિષ્કામ ભક્તિ થાય.શ્રીહરિને સંતોષવા એ જ ધર્મનું ફળ છે. ભગવાનનું એકાગ્ર મનથી નિત્યશ્રવણ, કીર્તન, ધ્યાન, પૂજન કરવું, ભગવાનની કથા(ભાગવતકથા) સાંભળવી અને કહેવી, જેના પરિણામે મનુષ્યના હ્રદયમાં શ્રીકૃષ્ણનો વાસ થાય. ભક્તિયોગથી શાંત થયેલા મનવાળા  અને સંસારસંગથી મુક્ત થયેલા મનુષ્યને ભગવાનના તત્ત્વોનો આપોઆપ અનુભવ થઇ, ઇશ્વર સાક્ષાત્કાર થતાં મનુષ્યની અહંકાર અને અજ્ઞાનરૂપી ગાંઠો તૂટી જાય છે. સર્વ સંશયો નાશ પામે છેઅને સર્વ કર્મનો ક્ષય થાય છે. પરમાત્મા એક છે પરંતુ ભિન્ન પ્રાણીઓમાં જીવ સ્વરૂપે હોઇ અનેક જેવા લાગે છે. જગતના સૃષ્ટા ભગવાન મનુષ્યોમાં લીલાવતાર ધારણ કરી સત્ત્વગુણથી મનુષ્યોનું કલ્યાણ કરે છે.

ભગવાનના ચોવીસ અવતારો ગણાવ્યા છે. (1) નિરંજન નિરાકાર (2) વરાહ (સનતકુમાર (4) નારદ (5) નરનારાયણ(6) કપિલ (7) દત્તાત્રેય (8) યજ્ઞ (9) ઋષભદેવ (10) પૃથુ (11) મત્સ્ય (12) કૂર્મ (13) ધનવન્તરિ (14) શ્રીહરિ (15) મોહિની (16) નૃસિંહ (17) વામન (18) પરશુરામ (19) વ્યાસ (20) રામ (21) બળદેવ (22) કૃષ્ણ (23) બુદ્ધ (24) કલ્કિ.

ભગવાનને અવારનવાર પૃથ્વી પર અવતાર ધારણ કરી મનુષ્યોનું રક્ષણ કર્યું છે. ભગવાનના અવતારોની જુદી જુદી કથા ભાગવતમાં કહેવામાં આવી છે.

વ્યાસજીની કથા:

વ્યાસમુનિ એકસોને અગ્ઇયાર વર્ષના થયા હતા. તેમની પત્ની અરણી સાથે સરસ્વતી નદીને કિનારે જીવન ગાળતા હતા.હમણાં હમણાં વ્યાસજીનું મન –દિલ અશાંત રહેતું હતું. વ્યાસજી જમતા નથી. અરણીએ કારણ પૂછ્યું,  આપણે દેવ જેવો દીકરો છે, આપે મહાભારત જેવો મહાન ગ્રંથ લખી નામના મેળવી છે, છતાં તમારા મનને અશાંતિ શા માટે?  વ્યાસજી પ્રશ્નનો જવાબ આપતા નથી. આમને આમ ચાર દિવસ ગયા, પાંચમે દિવસે અરણીએ ફળ કાપી વ્યાસ પાસે મૂક્યાં, પણ વ્યાસે ખાધાં નહીં. વ્યાસજીનું મન મૂંઝાય છે. આ મૂંઝવણ કોને કહેવી? એટલામાં ‘શ્રીમન્ નારાયણ નારાયણ’ કરતાં નારદજી ત્યાં આવી પહોંચ્યા. નારદજેએને વંદન કરી અરણીએ નારદજીને પૂછ્યું કે , વ્યાસજીનું મન અશાંત કેમ રહે છે?

વ્યાસજી કહે છે કે મહાભારત જેવો ગ્રંથ લખવા છતાં મારો આત્મા સંતોષ પામતો નથી.

નારદજી વ્યાસજીનો પ્રશ્ન સાંભળી પોતાનો ભૂતકાળ યાદ કરવા લાગ્યા, હે વ્યાસમુનિ તમે મારી કથા સાંભળો.

નારદની કથા:

હું દાસીનો દીકરો હતો. માતાના પેટમાં પાંચ માસનો હતો ત્યારે પિતાનું મૃત્યુ થયું. ઉપર આભ અને નીચે ધરતી એવી અમારી સ્થિતિ થઇ હતી. મારી મા પારકા કામ કરતી. માટીના પાત્રમાં લાવેલું અન્ન મને બપોરે ખવડાવતી. મારી માની ઇચ્છા હતી કે હું મોટો માણસ થાઉં, મહાન બનું. અમે મા દીકરો ભાંગીતૂટી ઝૂંપડીમાં રહેતા હતા. વાત કરતાં નારદજીનું હૈયું ભરાઇ ગયું.

એક દિવસ બપોરે મા કામ કરી માટીના વાસણમાં અન્ન લઇ આવતી હતી, ત્યારે મારી માતાએ મને પાડોશીના દીકરાને અપશબ્દ કહેતાં સાંભળ્યો. હાથમાંનું માટીનું પાત્ર પડી ગયું. મારાં પર ખૂબ ગુસ્સે થઇ. ઝૂંપડીનો દરવાજો ખોલી મને કહેવા લાગી, નારદ ચાલ્યો જા. માને ખૂબ દુ:ખ થયું. અમે મા દીકરો બન્ને ગામ છોડી ચાલી નીકળ્યા. બપોર થયો. માને મેં કહ્યું, મા, મારાં પગ બળે છે. મારી માતાએ મને તેડી લીધો. ચાલતાં ચાલતાં મા થાકી ગઇ. રસ્તામાં આંબાના સુંદર ઝાડ આવ્યાં. માએ મને નીચે ઉતાર્યો. મેં ઝાડ પર સુંદર મજાની કેરી જોઇ. મેં મા પાસે કેરી માંગી. માએ મને કહ્યું, દીકરા, કોઇનું આપણાથી ન લેવાય. તે ચોરી કહેવાય. મેં માને કહ્યું. મા, મને ખૂબ ભૂખ લાગી છે. મને ખાવાનું આપ. મેં હઠ પકડી. મારી મા ઝાડ નીચે આંખ બંધ કરી બેઠી અને વિચારવા લાગી, કોને કહુ મારો દીકરો ભૂખ્યો છે. અચાનક આંબા પરથી એક કેરી પડી. આખી કેરી હું ખાઇ ગયો. મા માટે ન રાખી. મા તું પણ ભૂખી છે તનેય ભૂખ લાગી હહે, પણ હું ભૂખ્યો આખી કેરી ખાઇ ગયો. તારા માટે ન રાખી. ત્યાં થોડો આરામ કરી ફરી અમે ચાલવા લાગ્યાં. સાંજે સાત વાગ્યે જ્યાં ઋષિમુનિઓનો ચાતુર્માસ ચાલતો હતો તેથી અન્નક્ષેત્ર ચાલતું હતું, ત્યાં અમે પહોંચ્યા. ફાટેલાં કપડાંવાળી મારી માતા મુનિઓ પાસે ગઇ, કરગરતી હાથ જોડી કહેવા લાગી, હું જમવા નથી આવી. અહીંના મોટા મહંતને મારે મળવું છે. આ દીકરાને ચાતુર્માસમાં તમારા આશ્રમમાં મૂકવા આવી છું, જેથી તમારા સંસ્કાર મારા દીકરામાં આવે. મારી માએ વિનંતી કરી કે મારા દીકરાને આશ્રમમાં રાખવા બદલ હું તમારા બધા માટે રાંધીશ. મહંતે પૂછ્યું,  હે દાસી ! તું ક્યાં જમીશ ?   મહારાજ મારી વ્યવસ્થા હું કરી લઇશ.મહંત મારી માને જોઇ જ રહ્યા, આ ગરીબ માતા એક ટંકના ભોજનની પણ આશા રાખ્યા વિના દીકરાને સંસ્કાર આપવા વિનંતી કરે છે ! મહંતે મારી માને કહ્યું, હે દાસી ! એક ટંક તું અહીં જમજે. મારી માએ મને મહાત્માની સોબતમાં મૂક્યો.

મારી મા આશ્રમને રસોડે રસોઇ કરે. વહેલી ઊઠી મને ગંગામાં સ્નાન કરાવે. કડકડતી ઠંડીમાં પણ પાણીમાં મને ઊભો રાખી એક મંત્ર શિખવાડ્યો-ૐ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ અમે મા-દીકરો કરતાં. કપડાં બદલી સરસ્વતી નદીના કિનારે બેસી ઠાકોરજીનું ધ્યાન ધરવાનું પણ મારી માતાએ શિખવાડ્યું .

મારી મા મધ્યાહ્ન થતાં તપસ્વીઓને પોતે તૈયાર કરેલી સામગ્રી પીરસે ત્યારે હું માને તેના કામમાં મદદ કરતો. અમે બન્ને બધાને જમાડીને પછી જમતાં. એક દિવસ તપસ્વી જમી રહ્યા પછી અન્નનો થોડો જ ભાગ બચેલો હતો. મારી માએ તે મને મારી પાતળમાં પીરસી દીધો. મેં જમી લીધું. પાત્રમાં જોયું તો કાંઇ બચ્યું ન હતું. માને મેં કહ્યું, મા તું ભૂખી છે, તારે માટે કાંઇ બચ્યું નહીં? માએ મારે ખાતર ઉપવાસ કર્યો. બીજે દિવસે બધાએ જમી લીધા પછી જે અન્ન બચ્યું હતું તેની રાબ બનાવી અમે મા દીકરાએ અર્ધી અર્ધી પીધી. હું ભૂખ્યો હોઉં તો હું મારી માને કહું, મા મને ભૂખ લાગી છે. મને ખાવાનું આપ, પણ મારી બિચારી ગરીબ મા ભૂખી હોય તો કોને કહે કે હું ભૂખી છું?

આશ્રમમાં તપસ્વીઓ સાથે રહી હું ભગવાનમાં મન પરોવું. ઇશ્વર આરાધના કરૂં, જપ કરૂં. જપ કરવાથી મારી બુદ્ધિ સતેજ થઇ. ચાતુર્માસ પૂરો થયો.ઋષિઓ આશ્રમ છોડી તપ કરવા જવાના હતા. મેં ઋષિઓને કહ્યું, મારે તમારી સાથે તપ કરવા આવવું છે. ઋષિએ કહ્યુંકે, તું તારી માતાને છોડી કઇ રીતે આવીશ? તારી માતા તારા વિના તરફડીને મરી જશે.ચાતુર્માસ પૂરો થતાં મેં માને વિનંતી કરી કહ્યું. મા, આપણે સાથે રહેવાથી મારા જપ અને ધ્યાનના માર્ગમાં અવરોધ થાય છે.મા તું મને ઋષિઓ સાથે તપ કરવા જવાની રજા આપ, પણ મારી માએ મને રજા ન આપી, ઋષિઓ આશ્રમ છોડી ચાલી નીકળ્યા. ત્યાંથી અમે મા-દીકરો ચાલી નીકળ્યાં. ચાલતાં ચાલતાં એક બ્રાહ્મણને ત્યાં આવ્યા. બ્રાહ્મણને પોતાની ગૌશાળામાં રખેવાળની જરૂર હતી. ગૌશાળામાં ગાયો ઘણી હતી, તે બધીને નવડાવી, દોહી, ધણમાં મોકલવી, સાંજે પાછી નવડાવવી. આ કામ બ્રાહ્મણે મારી માતાને આપ્યું. મારી માતાને તેના કામના બદલામાં એક ગ્લાસ દૂધ રોજ આપવું એમ નક્કી કર્યું. મારી માતાએ બ્રાહ્મણને કહ્યું મને નહીં આ મારા દીકરાને દૂધ આપજો. બીજો ચાતુર્માસ આવ્યો. હું મારી માને તેના કામમાં મદદ કરતો. રથયાત્રાનો દિવસ હતો. બારે મેઘ વરસવા લાગ્યા. ચારે બાજુ પૂર આવ્યાં. ધરતીમાંથી ભયંકર અજગરો બહાર નીકળવા લાગ્યા. અમારા ઘરના ઊંબરાના પોલાણમાં એક અજગર સમાઇ ગયો. અષાઢી એકાદશીને દિવસે હું અને મારી માતા બ્રાહ્મણને ઘેર આવ્યા. બ્રાહ્મણ પાસે અઢળક સંપત્તિ હતી. બધી ગાયોને શણગારેલી. બ્રાહ્મણે મારી માતાને કહ્યું, જલદી ગાયને દોહી દૂધ લઇ આવો. આજે ઉપવાસ છે. મંદિરમાં આરતી થાય છે.મારી માતા ઉતાવળી ઉતાવળી ગૌશાળા તરફ જતી હતી. ત્યાં જ તેનો પગ અજગર પર પડ્યો. તેના જમણા પગનાં અંગૂઠા પર અજગરે દંશ દીધો. તરત જ મારી માતાએ   નારદ નારદ કરતાં મારા ખોળામાં માથું ઢાળી દીધું. મેં મારી માના મુખમાં ગંગાજળ મૂક્યું. મા મને છોડીને ચાલી ગઇ. મેં મારી માતાની માફી માગી. મા આમ અચાનક છોડી ગઇ તેથી ખૂબ દુ:ખ થયું.

આમ હું અચાનક માતાથી છૂટો થયો. મારા ગુરૂએ અમે કહેલું કે અશ્વત્થ એટલે પીપળાના ઝાડ નીચે બેસી ઇશ્વરનું આરાધન કરવું. અશ્વત્થ ઇશ્વરનું સ્વરૂપ છે. પીપળાના ઝાડ નીચે હું બેઠો. કલાકોના કલાકો હું ઇશ્વરનું ધ્યાન ધરતો. ઇશ્વરના પ્રત્યક્ષ દર્શનની ઝંખના કરવા લાગ્યો. મારી ઇશ્વરને મળવાની, જોવાની તીવ્ર ઇચ્છા હતી પણ ઇશ્વર ન મળ્યા. તે પછી મેં એક જ વાર દિવસમાં જળ પીને ઇશ્વર આરાધન કરવા માંડ્યું. ત્યારે આકાશવાણી થઇ, હે નારદ તને આવતાં જન્મમાં ઇશ્વર મળશે. મારો કાળ આવી પહોંચતાં હું પરમાત્મામાં લીન થયો. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યુંત્યારે હું અને મરીચ્યાદિ ઋષિઓ ઉત્પન્ન થયા. ત્યારથી હું હરિગુણ ગાઉં છું અને વીણા વગાડું છું. ભગવાન મને મારા ચિત્તમાં દર્શન આપે છે !

પૂર્વજન્મનાં જપ-તપથી મન શાંત હતું. ફરી એ જ પીપળાના ઝાડ નીચે ઇશ્વરાઅરાધના કરતો બેઠો હતો, ત્યારે મારે કાને અવાજ અથડાયો.

રાધે, રાધે, રાધે. મેં આંખ ખોલી તો રાધાજીનાં દર્શન થયાં. રાધાજીના ચરણમાં નમસ્કાર કર્યા.કરોડો સૂર્યના તેજ સમા રાધાજી મારો  હાથ ઝાલી મને કૃષ્ણ પાસે લઇ ગયા.રાધાજીએ કૃષ્ણને કહ્યું, હે ભગવાન, આ નારદજીને એક તંબૂરો આપો. ભગવાને કહ્યું, શા માટે ?  હે ભગવાન, આ નારદજી તંબૂરો વગાડતાં વગાડતાં તમારું ભજન કરશે, અને તેમનામાં સંસારમાં તણાતા જીવોને મદદ કરવાની શક્તિ છે. તેથી અનેક સંસારી જીવોને ભક્તિનો માર્ગ બતાવશે. ભગવાને મને એક તંબૂરો આપ્યો. આમ મને ઇશ્વરનાં દર્શન થયાં.

હે વ્યાસમુનિ ! તમે ભગવાનની ભક્તિ માણસે કેમ કરવી તેમજ ભગવાન વાસુદેવનો મહિમા, ભગવાનની લીલાઓ  તથા ભગવાનના યશનું વર્ણન કરો કે જેથી વિદ્વાનોની સર્વ જિજ્ઞાસા પૂર્ણ થાય અને સાંસારિક દુ:ખોથી પીડાતાં મનુષ્યોને શાંતિ મળે. જેથી તમારા પોતાના મનને પણ શાંતિ મળે. હે વ્યાસમુનિ ! મેં તમને મારી કથા કહી. આપ હવે મને ભિક્ષા આપો. આપણે સાથે જમીએ. વ્યાસજીએ નારદજીને ભિક્ષા આપી. ઇશ્વરની આરાધના કરતાં કરતાં નારદ દાસેવેના દીકરામાંથી દેવર્ષિ થયા. રંકમાંથી રાય થયા,. માટીમાંથી સોનું થયા. નારદજી ત્યાંથી ચાલી નીકળ્યા.