ઉપર ગગન—અવિનાશ વ્યાસ
ઉપર ગગન ને નીચે ધરતી,
ઢળ્યા ઢળે પણ મળ્યા મળે નહિ,
આંખ્યું નીતરતી……ઉપર ગગન0
ક્ષિતિજ કોરે, સંધ્યા રંગે
અડીને ઉભા અંગે અંગે,
ક્યારે મળશો, મનના માન્યા,
ધરતી કરગરે….ઉપર ગગન0
વર્ષાના વારિમાં વિરહની વાતડિયું વરસી,
સર્જન જુની પ્રીત પુરાણી, સદાયે રહો તરસી
વિરાટ કેરો ઓઢી અંચળો,
તારલિયાની ભાતે,
ચંદ્ર મઢેલો પાઘ પહેરીને
ગગનરાજ નિસર્યા રાતે,
હૈયું ઉછળે ધરતી કેરું,
સાગરની ભરતી….ઉપર ગગન0

પ્રતિભાવો