નંદરાણી—કવિ દુલા ભાયા કાગ
મારાં લખેલાં અત્યાર સુધીનાં ગીતોમાં ક્યાંયે માતા યશોદાનું નામ આવ્યું જ ન હતું. એ વિચારો આવવાથી આ ક્રૂષ્ણાવતારનાં ગીતો લખવા શરૂ થયાં,એમાં ‘માતા યશોદાનું આંગણું ‘ એ ભાવ બધાં ભજનોના આત્મા સમાન છે.ભગવાન ક્રૂષ્ણ સવારમાં તોફાન કરેછે.છાશ ફેરવવાનો સમય થઇ ગયો છે.ગાયોની ધકબક લાગી રહી છે.વાછડાં કૂદી કૂદીને એમની માતાઓને ધાવવા લાગ્યાં છે. એવે સમયે દેવનારીઓ જુદાં જુદાં રૂપ લઇ છાશ માગવા નંદરાણીને આંગણે આવેલ છે. જેને ત્યાં છાશ લેવા જાય તેના ઘરનું થોડુંક કામ માગનારી બાઇઓ કરી આપે. આ બાઇઓના ટોળામાં લક્ષ્મીજી પણ આવેલ છે. તે નંદરાણીની હેલ લઇને પાણી ભરવા લાગ્યાં છે. ઇંદ્રાણી છૂપે વેશે માટીની કુલડી લઇ લાંબો હાથ કરી કહી રહી છે કે: ‘માતા !મને છાશ આપો.’ આ બધી ધમાલ વચ્ચે ભગવાન ક્રૂષ્ણનું તોફાન વધી જાય છે. માતા યશોદા ખિજાઇને એક દોરડાથી તેને મોટા ખાંડણિયા સાથે બાંધી દે છે.
અહો ! ધન્યભાગ્ય માતા યશોદાનાં! કે જેની અલ્પ માયાએ અનેક બ્રહ્માંડો બાંધી લીધાં છે, એવો ભગવાન આજે એના દોરડા વતી બંધાય જાય છે.’હે માતા યશોદા! તારું ઘણા દિવસથી લેણું હતું: ચોપડા પણ બાંધી અભરાઇએ ચડાવી દીધેલા હતા; તે કરજ આજે ચૂક્તે થઇ ગયું છે.સ્રૂષ્ટિના સકલ જીવમાત્રમાં હે મા ! તારા જેવાં કોનાં ભાગ્ય વખાણું?’ ‘કાગ’ કહે છે કે ‘ હે મકતા ! ઉઘાડે પગે જગતનો નાથ જે આંગણામાં –ઓસરીમાં અને પગથિયાં પર ખેલે છે, એ પગથિયાંનો એક નાનકડો પાણો તે વખતે હું સરજાયો હોત તોપણ ક્રૂતાર્થ બનત’
(ગોઝારાં એનાં આંગણાં રે જી – એ રાગ)
માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
-નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી
મુરારિ કહે છે મુખથી માજી…
તારે હુકમે ભણે છે હાજી હાજી…
બાપુ બધાનો તારો બેટો રે…
માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !…ટેક
ઊભેલી અજાણી નારી, લખમી લોભાણી…;(2)
એને પ્રીતેથી ભરવાં છે તારાં પાણી… રે.માતાજી0 1
કરમાં લઇ કુલડી ને ઊભી ઇંદ્રાણી…;(2)
ભીખ છાશુંની માગે છે બ્રહ્માણી રે…માતાજી0 2
જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી; (2)
એની દેયું તારી દોરડીએ બંધાણી રે …માતાજી0 3
બેઠી જુગ જુગ માડી! ચોપડા તું બાંધી,(2)
(આજ) તારી બધી પતી ગઇ ઉઘરાણી રે …માતાજી0 4
’કાગ’ તારા ફળિયામાં રમે અડવાણો (2)
તારે પગથિયે સરજ્યો નંઇ હું એક પાણો રે…માતાજી0 5
(ભાવનગર એકત્રીશમી માર્ચ 1953)
==================================================
(“રઢિયાળી રાત” સંપાદક: ઝવેરચંદ મેઘાણી, બ્રૂહદ આવ્રૂત્તિ1997 પાનું ક્રમાંક 64)
[ઘરકામથી ત્રાસેલી વહુના અંતરની ગુપ્ત અવળચંડાઇના આ ચિત્રમાં સાસુએ જે કહ્યું હોય તેથી
ઊલટું જ સમજવાની આવડત બતાવી છે. મેંદી લેવાની ક્રિયાનું પ્રારંભિક ચિત્ર મસ્તીભર્યું છે.]
મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર
સૈયર! મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ્ય,
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે બેડલાં ફોડી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે ચૂલા ખોદી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે કો’ડ(1)માં દીવો મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે સોડમાં દીવો મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.
(1) કોડ: કોઢ, બળદને બાંધવાનું ઘાસથી ભરેલું સ્થાન.

» નંદરાણી—કવિ દુલા ભાયા કાગ સૈયર મેંદી લેશું રે ! (“રઢિયાળી રાત” સંપાદક: ઝવેરચંદ મેઘાણી ) » GujaratiLinks
Jan 22, 2012 @ 21:47:12