Paramapita
લગ્ન-પ્રસંગે
પરમ સમીપે//કુંદનિકા કાપડીયા//અગીયારમી આવૃત્તિ//પાના 128 થી 130
પરમપિતા,
આજથી અમારા જીવનમાં એક નવું પ્રસ્થાન થાય છે
તમારા આશીર્વાદ વડે અમારો માર્ગ હરિયાળો કરજો
સહજીવનના કેન્દ્રમાં તમે રહેજો. અમારા માર્ગનું લક્ષ્ય પણ તમે જ રહેજો.
સુખમાં ને દુ:ખમાં, માંદગીમાં ને વાવાઝોડાંમાં
અમે પ્રેમ ને શ્રધ્ધાથી એકમેકની સાથે રહીએ
એકબીજા પ્રત્યે બેદરકારી કે અનાદર ન dakhavie
પોતાના વિચાર બીજા પર ન લાદીએ
બીજાના સ્વતંત્ર વ્યક્તિત્વનું માન કરીએ.
હવે અમે કેવળ પ્રવાસી નથી
જીવનના બધા સ્તરે, સાથે રહેવાના હેતુને વરેલા
યાત્રી છીએ.
અમારો પ્રેમ, તારા વિશાળ પ્રેમમાં પહોંચવા માટેનું
એક નાનું પણ મહત્ત્વનું પગથિયું છે.
અને એટલે, અમે અમારા સંબંધને
સાંસારિક અધિકારોનું માધ્યમ નહિ,
એક માર્ગના યાત્રીઓ વચ્ચેની મૈત્રી ગણીએ,
એકમેકને અવલંબીને પાંગળાં ન બનીએ,
પણ સાથ આપીને સબળ બનીએ.
અતિ પરિચયથી અવજ્ઞા ન કરીએ
પણ સતત સિંચનથી સુંદરતાનો ઉઘાડ કરીએ
અમારામાં ખોવાઇ ન જઇએ,
પણ એકબીજા દ્વારા પોતાને પામીએ.
લોકો કહે છે:લગ્ન એક પવિત્ર બંધન છે.
પણ જે બંધન છે તે પવિત્ર શી રીતે હોઇ શકે?
amaaro prem અમને ઊંચે ચડાવતી પાંખો બને.
અમારું જીવન સમાધાન ને ગોઠવણીની વ્યવસ્થા ન રહે
એક ધબકતો નિત્ય નવા ઉઘાડનો,
છલકતા આનંદનો ઉત્સવ બની રહે
અમારાં સુખ-સલામતીમાં તૃપ્ત થઇ અમે પુરાઇ ન રહીએ
પણ સહુને માટે બારણા સદા ખુલ્લા રાખીએ.
ekmek ne જ નહિ, ઘણાંને ચાહીએ
અમારા માળામાં જે કોઇ આવે તે શીળો છાંયો પામે.
એક ફૂલની જેમ ખીલતો, સુગંધ વેરતો સંબંધ
માનવજીવનનું એક ઉત્તમ સર્જન છે.
અમે એ સર્જનનો તમને અર્ઘ્ય ધરીએ
એકમેક ભણી જોઇ રહેવાને બદલે
તમારા ભણી સાથે મીટમાંડીએ
સુખી કરીને સુખી થઇએ સુખી થઇએ ને સુખી કરીએ,
એકબીજામાં ભળી ગયેલા પ્રવાહ જેવા નહિ, પણ
જોડાજોડ ઊભા રહી,
તમારી આરતી ઉતારતા બે દીવા બની રહીએ.
એવી આજના અવસરે અમારી પ્રાર્થના છે.