Kaljaa no katko
કાળજા કેરો કટકો//કવિ દાદ
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રુએ જેમ વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…
કાળજા કેરો કટકો મારો…
છબતો નઈ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો
ડુંગરા જેવો ઉંબરો લાગ્યો માંડ રે ઓળંગ્યો…
કાળજા કેરો કટકો મારો…
બાંધતી નઈ અંબોડલો, ભલે હોય ઈ છૂટી ગ્યો;
રાહુ થઈ ધૂંધટડો મારા, ચાંદ ને ગળી ગ્યો-
કાળજા કેરો કટકો મારો…
આંબલી પીપળ ડાળ બોલાવે, એક વાર સામું જો;
ધૂબકા દેતી જે ધરામાં, ઈ આરો અણોહરો-
કાળજા કેરો કટકો મારો…
ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો;
ધારથી હેઢી ઊતરી ધીડી, સૂરજ ડૂબી ગ્યો –
કાળજા કેરો કટકો મારો…
લૂંટાઈ ગ્યો મારો લાડ ખજાનો, ‘દાદ’ હું જોતો રયો;
જાન ગઈ જાણે જાન લઈ; હું તો સૂનો માંડવડો-
કાળજા કેરો કટકો મારો…
કવિ દાદ
કવિશ્રી દાદનુ આ ખુબ જ જાણીતું વિદાય ગીત દરેક બાપને એની દિકરીની વિદાયનો પ્રસંગ યાદ અપાવીને આંખો ભીંજવી જાય છે. ઘણા વર્ષો પહેલાં વડોદરામાં પુજ્ય શ્રી મોરારી બાપુના ધીરગંભીર અવાજમાં આ ગીત સાંભળેલું અને હજ્જારો શ્રોતાઓને આંખો લૂછતાં જોયાનુ યાદ આવે છે. ખુબ જ હ્રદયસ્પર્શી, રડાવી દે એવું ગીત.