ક્રૂષ્ણ અને કર્ણનું મિલન
(ક્રૂષ્ણ અને માનવ સંબંધો—હરીન્દ્ર દવે, પાનું 92 થી99)
કર્ણ મહાભારતનુંઆગવું પાત્ર છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીઅનેક કવિઓ, સાહિત્યકારો આ પાત્રથીઆકર્ષાતા રહ્યા છે.સામાજિક અન્યાયના પ્રતીક તરીકે કેટલાક એને જુએ છે;કોઇ એને પરાક્રમ, વીરશ્રીના પ્રતીક તરીકે જુએ છે.મૈત્રી-સંબંધોની દ્રષ્ટિએ કર્ણને તપાસવો સૌથી સંગત છે.જાણીતા અંગ્રેજ સર્જક શ્રી.ઇ.એમ.ફૉસ્ટરે એકવાર કહ્યું હતું કે મારે મારા દેશનો કે મારા મિત્રોનો દ્રોહ કરવામાંથી પસંદગી કરવાની આવે તો ભગવાન મને દેશનો દ્રોહ કરવાનું બળ આપે.કર્ણના જીવનમાં આ પસંદગીઆવી હતી.અને તેણે મિત્રનો દ્રોહ કરવા કરતાં દેશના દ્રોહને વધુ પસંદ કર્યો હતો.
ભીષ્મકે દ્રોણની સલાહની દુર્યોધનપર કશી જ અસર થતી નથી. ભીષ્મકે દ્રોણ એક વખત દુર્યોધનના પક્ષેથીખસી પણ જાય તો દુર્યોધનને એની પરવા નથી; પણ કર્ણ જો યુધ્ધ કરવાની ના પાડે કે કૌરવોને પક્ષેથી ખસી જાય તો દુર્યોધનયુધ્ધ કરવા માટે તૈયાર ન થાય. કર્ણ આમ વ્યુહાત્મક બિંદુ પર છે.એ ધારે તો આ મહાભારત યુધ્ધને અટકાવી શકે એમ છે, અને એના પરિણામરૂપે સ્રુષ્ટિનું સામ્રાજ્ય પણ ભોગવી શકે એમ છે. પણ કર્ણ શા માટે આ પગલું ભરતો નથી?એના જીવનમાં મૈત્રી, સ્નેહ, વાત્સલ્ય આ બધાનું મૂલ્ય છે.
ક્રૂષ્ણ વિષ્ટિ પછી નગરની બહાર જાય છે ત્યારે કર્ણને પોતાના રથમાં બેસાડે છે.એ વેળા કર્ણ અને ક્રૂષ્ણ વચ્ચે જે સંવાદથાય છે એ આપણા યુગમાં રવીન્દ્રનાથે અને આપણી ભાષામાંસુન્દરમ્ ઉમાશંકર જેવા કવિઓએ પોતપોતાની રીતે કાવ્યસ્થ કર્યો છે.પણ આપણે તો વ્યાસ ભગવાનેઆલેખેલા ક્રૂષ્ણ-કર્ણ સંવાદ તરફ જ જઇએ.ક્રૂષ્ણ વાતનો પ્રારંભ કર્ણના ધર્મવિશેના જ્ઞાનથી કરે છે.કર્ણ અધર્મના પક્ષે છે એનું કારણએ નથી કે ધર્મ શું છે એનો એને ખ્યાલ નથી.ક્રૂષ્ણ એને કહે છે.
ત્વમેવ કર્ણ જાનાસિ વેદવાદાંસનાતનાન્ ,
ત્વં હ્યેવ ધર્મશાસ્ત્રેષુ સૂક્ષ્મેષુ પરિનિષ્ટિત:
(ઉદ્યોગપર્વ:138;7) હે કર્ણ, તું સનાતન વેદવાદને જાણનાર છો.તું ધર્મશાસ્ત્રના સૂક્ષ્મમાં સૂક્ષ્મ મર્મને પણ જાણે છે. ક્રૂષ્ણ કર્ણને પછી તેના જન્મનું રહસ્ય કહે છે.કુંતી અવિવાહિત હતી ત્યારે કર્ણને તેણે જન્મ આપ્યો હતો. પરંતુ શાસ્ત્રવિદ લોકો ‘કાનીન’ –વિવાહપૂર્વે જન્મેલા પુત્રનો પિતા કન્યાનું પાણિગ્રહણ કરનાર પુરુષ જ ગણાય એમ કહે છે. એટલે કર્ણ પાંડુપુત્ર છે. એટલે ધર્મશાસ્ત્ર અનુસાર એ યુધિષ્ઠિરનો મોટો ભાઇ હોઇ એ જ રાજા થવાનો હકદાર છે. કર્ણ્ને ક્રૂષ્ણ કહે છે: તું કંઇ સૂતવંશી નથી– પિત્રૂપક્ષે હિ તે પાર્થા માત્રૂપક્ષે ચ વ્રૂષ્ણય: (ઉદ્યોગપર્વ: 138:10)
પિત્રૂપક્ષે તું પ્રૂથાવંશી છે: માત્રૂપક્ષે વ્રૂષ્ણિવંશી છે. આવા બે સમર્થ કુળોની તને સહાયતા છે. ક્રૂષ્ણ કર્ણને કહે છે કે આ જ ક્ષણે તું મારી સાથે ચાલ. પાંડવોને જાણ થશે કે તું કુંતીનો પુત્ર છે તો પાંચ પાંડવો, દ્રૌપદીના પાંચ પુત્રો અને સુભદ્રાનંદન અભિમન્યુ એ સૌ તને પ્રણામ કરશે,તારા ચરણસ્પર્શ કરશે.
આટલું જ નહિ– ષષ્ઠે ચ ત્વાં તથા કાલે દ્રૌપદ્યુપગમિષ્યતિ. (ઉદ્યોગપર્વ:138:15) વર્ષનો છઠ્ઠો ભાગ દ્રૌપદી તને પાંડુપુત્ર માની તારી સેવામાં, તારી સમીપ રહેશે.
પાંડવોના પુરોહિત ધૌમ્ય તારો રાજ્યાભિષેક કરશે. તું રાજા થઇશ.યુધિષ્ઠિર તારો યુવરાજ થશે. ભીમ તને ચામર ઢોળશે.અર્જુન તારો રથ ચલાવશે..અભિમન્યુ તારી સેવા કરશે. અને મારા સુધ્ધાં અસંખ્ય રાજવીઓ તારા અનુયાયી બનશે.
કર્ણ આગળ ક્રૂષ્ણે મૂકેલાં પ્રલોભનો કંઇ નાનાંસૂનાં નથી.રાજ્યલક્ષ્મીએ એક:દ્રૌપદી જેવી કામ્ય ચારુ સર્વાંગી સ્ત્રીનો સહવાસ એ બીજું પ્રલોભન, અને સૌથી મોટું પ્રલોભન તો ક્રૂષ્ણ જેવા ક્રૂષ્ણ એના અનુયાયી બને એ હતું! ભાગ્યે જ કોઇ માનવી સમક્ષ આવાં પ્રલોભનો આવ્યાં હશે.અને પ્રલોભનો માનવી તરફથી મુકાય તો તો બુધ્ધ્ની માફક તેનો પ્રતિકાર કરવો સહેલો છે;કારણકે તે આસુરી પ્રલોભનો છે. પણ આ તો ભગવાન પોતે પ્રલોભનો મૂકે છે. હજી થોડા સમય પહેલાં જ કુરુસભામાં જેના વિરાટ સ્વરૂપનું દર્શન સૌ કોઇએ કર્યું છે, એવા ક્રૂષ્ણ કર્ણને આ કહે છે. કાચાપોચા માનવી માટે આટલું જ પૂરતું છે. એ રાજવીપદ, દ્રૌપદીનું ભર્તાપદ તથા ક્રૂષ્ણનું સખાપદ એ ત્રણે એકસાથે પામે એવો વિરલ યોગ જતો કરે જ નહિ. પરંતુ કર્ણ જુદી માટીનો બનેલો છે. કર્ણ અધર્મના પક્ષે છે, પણ એમાં એના જીવનનાં મૂલ્યો રહ્યાં છે. કર્ણ જે ઉત્તર આપે છે. એ માનવસંબંધોના આદર્શ તરીકે યુગોથી ટકી રહ્યો છે. યુગો સુધી ટકી રહેશે.
ક્રૂષ્ણે જે કહ્યું તેની પાછળ છળ નથી, પણ સૌહાર્દ, પ્રણય તથા કર્ણનું શ્રેય કરવાની વ્રૂતિ છે એ વિશેની પોતાની પ્રતીતિથી કર્ણનો ઉત્તર આરંભાય છે. એટલું જ નહિ, પણ કર્ણ કહે છે– સર્વ ચૈવાભિજાનામિ પાણ્ડો: પુત્રોસ્મિ ધર્મત: (ઉદ્યોગપર્વ139:2) એ તો બધું જ જાણે છે, પોતે પાંડુનો પુત્રછે એટલું જ નહિ પણ ધર્મના સૂક્ષ્મ મર્મના જ્ઞાતા તરીકે એને એ વાતનો પણ ખ્યાલ પણ છે કે ધર્મની કસોટીએ જ્યેષ્ઠ પાંડુપુત્ર તરીકે પોતાનો દાવો ટકી શકે એમ છે. ક્રૂષ્ણ કહે છે એથી ઘણુંબધું કર્ણ જાણે છે. સૂર્યદેવના અંશથી માતા કુંતીએ તેને ત્યજી દીધો હતો એનાથી પણ કર્ણ વાકેફ છે.
એક તરફ ધર્મશાસ્ત્ર છે. આ ધર્મશાસ્ત્ર અનુસાર કર્ણ જ્યેષ્ઠ પાંડુપુત્ર તરીકે રાજવીપદ પામી શકે એમ છે.
બીજી તરફ માનવસંબંધો છે. કુંતીથી તજાયેલા આ બાળકને અધિરથ અને રાધાએ ઉછેર્યો છે, તેનાં મળમૂત્ર ધોયાં છે.
ધર્મ હમેશાં શાસ્ત્રમાં જ નથી હોતો. માનવસંબંધોમાં વધુ મોટો ધર્મ છે. અધિરથ—રાધાના સ્નેહનો અનાદર કરી કર્ણ ધર્મનું પાલન કર્યાનો દાવો કરી શકે ખરો?
અહીં એક સમાંતર વાત યાદ આવે છે.
ક્રૂષ્ણના જીવનમાં પણ આ દ્વિધા આવી હતી. ક્રૂષ્ણ વસુદેવ-દેવકીના પુત્ર હતા અને જશોદા-નંદે તેમને પોતાના પુત્ર માની ઉછેર્યા હતા. ક્રૂષ્ણ જ્યારે સમય આવ્યો ત્યારે નંદ-જશોદાને તજી શક્યા.તો કર્ણ અધિરથ-રાધાને તજી કુંતા પાસે, પાંડવો પાસે કેમ ન જઇ શકે? દેખીતી રીતે આ બંને સમાન પરિસ્થિતિ છે. પણ અંદર એક ઘણી મોટી અસમાનતા છે. ક્રૂષ્ણ માટે એક બ્રૂહદ જીવનકાર્યનો સાદ આવ્યો હતો;કંસ, જરાસંધ, કાળયવન ઇત્યાદિ અધર્મીઓનો નાશ કરવા, પ્રતિકાર કરવા માટે ક્રૂષ્ણે વ્રૂજભૂમિ છોડવી અનિવાર્ય હતી. જ્યારે કર્ણની પરિસ્થિતિ જુદી છે. એની સામે આવો કોઇ પડકાર નથી.વૈભવ, કામ અને સુખની આકાંક્ષાથી જ એ પાલક માતાપિતાનો ત્યાગ કરી શકે એમ છે. અને એટલે જ ક્રૂષ્ણે આ પ્રકારની પરિસ્થિતિમાં જુદો નિર્ણય કર્યો હતો. અક્રૂરના રથમાં બેસી ક્રૂષ્ણ કંટકની પથારી તરફ ગયા હતા. ક્રૂષ્ણના રથ પર બેસી કર્ણ સુખની સેજ તરફ જઇ શકે એમ હતો. એટલે જ દેખીતી રીતે સમાન પરિસ્થિતિમાં ક્રૂષ્ણે જે નિર્ણય કર્યો, એ એમની રીતે સાચો હતો. કર્ણે જે નિર્ણય કર્યો એ એની રીતે સાચો હતો.
કર્ણના નિર્ણયના બીજાં કારણો પણ છે. એ કહે છે—
નપ્રૂથિવ્યા સકલયા ન સુવર્ણસ્ય રાશિભિ: હર્ષાદ્ ભયાદ્ વા ગોવિન્દ અંરૂતં વક્તુમુત્સહે. (ઉદ્યોગપર્વ: 139:12) આ સમસ્ત પ્રૂથ્વી, કે સુવર્ણનો ઢગલો મળે, હર્ષ હોય કે ભય- આવાં કોઇ પણ પ્રલોભનો દ્વારા હું અસત્ય બોલી શકું એમ નથી.
કર્ણ મૂલ્યભાવનાથી પ્રેરાયેલો છે.એ રાજા છે. તેર વરસથી નિષ્કંટક રાજ્ય કરી રહ્યો છે;એ માટે એ દુર્યોધનનો ક્રૂતજ્ઞ છે. દુર્યોધને પાંડવો સાથે યુધ્ધ કરવા હામ ભીડી છે. કારણ કે કર્ણનું એને પીઠબળ છે. અર્જુનની સામે જીતી ન શકે તો પણ ટકી શકે એવો વીર કૌરવોના પક્ષે એકમાત્ર કર્ણ જ છે. એટલે જ કર્ણ કહે છે:’વધ, બંધન, ભય કે લોભથી વિચલિત થઇ ધીમાન એવા ધ્રુતરાષ્ટ્રપુત્ર સાથે હું અસત્ય વ્યવહાર ન કરી શકું.’ આટલું જ નહિ કર્ણ તથા અર્જુન વચ્ચે જે પ્રતિસ્પર્ધી ભાવ સ્થાપિત થયો છે એ જોતાં હવે જો કર્ણ અને અર્જુન સામસામાન ઊતરે તો બંનેની અપકીર્તિ થાય એમ છે.
આટલું જ નહિ કર્ણ પાંડવોની ધર્મપ્રીતિ જાણે છે, એટલે ક્રૂષ્ણને કહે છે : હું કુંતીપુત્ર છું એ વાત તમે પાંડવો થી છુપાવી રાખજો કારણ કે ધર્માત્મા યુધિષ્ઠરને જો આની જાણ થશે તો એ મને રાજ્ય સોંપી દેશે. અને મારા હાથમાં એ રાજ્યા આવ્યું તો દુર્યોધનને એ સોંપી દઇશ. પછી કર્ણ કહે છે: સ એવ રાજા ધર્માત્મા શાશ્વતો અસ્તુયુધિષ્ઠર: નેતા અસ્ય હ્રષીકેશો યોધ્ધા યસ્ય ધનંજય: (ઉદ્યોગપર્વ:139:23)
એ ધર્માત્મા યુધિષ્ઠિર શાશ્વત રાજા બની રહે—જેના નેતા ચી હ્રષીકેશ, જેનો યોધ્ધો છે ધનંજય. આ પછી કર્ણ એક અદ્ ભુત કાવ્ય રચે છે. આખાયે મહાભારતના યુધ્ધના પરિણામને કર્ણ પોતાની આર્ષદ્રષ્ટિથી જુએ છે. એ કહે છે: ધ્રુતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને શસ્ત્રરૂપી અનુષ્ઠાન આરંભ્યું છે. કૃષ્ણ એ યજ્ઞ કરાવવાવાળા બ્રહ્મા છે એટલું જ નહિ યજ્ઞના અધ્વર્યુ છે. અર્જુન હોતા છે. શસ્ત્રવિદ્યાના મંત્રો યજ્ઞના મંત્રો છે, અભિમન્યુ ગ્રાવસ્તોત્ર ગાવાવાળો થશે. વીરોનું રક્ત એનું હવિ બનશે. અને– યદા દ્રક્ષ્યસિ માં ક્રૂષ્ણ નિહતં સવ્યસાચિના, પુનશ્ચતિસ્તદા ચાસ્ય યજ્ઞસ્યાય ભવિષ્યતિ. (ઉદ્યોગપર્વ:139:46)
હે ક્રૂષ્ણ, સવ્યસાચી અર્જુનથી હણાયેલા એવા મને તમે જોશો ત્યારે મારું મ્રૂત્યુ એ યજ્ઞની પુનશ્ચિતિ સમું હશે. અને કર્ણ જાણે ભવિષ્યમાં દ્રષ્ટિ કરતો હોય એમ કહે છે: દુર્યોધનં યદા હંતા ભીમસેનો મહાબલ:, તદા સમાપ્સ્યતે યજ્ઞો ધાર્તરાષ્ટ્રસ્ય માધવ.
(ઉદ્યોગપર્વ:139:46) જ્યારે મહાબલી ભીમસેનના હાથે દુર્યોધન હણાશે ત્યારે ધ્રુતરાષ્ટ્રના પુત્રે આરંભેલા આ યજ્ઞની સમાપ્તિ થશે. ક્રૂષ્ણ આ પછી પણ કર્ણને આકર્ષવા પ્રયત્ન કરે છે.ક્રૂષ્ણ સારી પેઠે જાણે છે કે કર્ણ દુર્યોધનનો પક્ષ છોડી દે તો આ મહાયુધ્ધ ન થાય.અને ક્રૂષ્ણ એ પણ જાણેછે કે આ મહાયુધ્ધ થઇને જ રહેવાનું છે. કર્ણને હવે કોઇ પ્રલોભન વશ કરી શકે એમ નથી. કર્ણ ફરી વારના ક્રૂષ્ણના વાક્યના ઉત્તરમાં કહે છે કે શુભ શુકનની દ્રષ્ટિએ વિજયતો પાંડવો નો જ છે. દુર્યોધનને તો બધી જ દિશાઓ સળગતી દેખાય છે. એનો પરાજય નિશ્ચિત છે એટલું જ નહિ, પણ પોતે જોયેલા સ્વપ્નની વાત કરે છે.
કર્ણના સ્વપ્નમાં યુધિષ્ઠિર પોતાના ભાઇઓ સાથે હજાર થાંભલાવાળા એક ઊંચા મહેલ ઉપર ચઢી રહ્યા છે. આ સૌએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે;તેમનાં છત્ર શ્વેત છે. તેમનાં આસન પણ શ્વેત છે અને સ્વપ્નને અંતે કર્ણ જુએ છે કે પ્રૂથ્વી રુધિરથી સભર છે. અને યુધિષ્ઠિર હાડકાંના ઢગ પર બેસી સુવર્ણપાત્રમાં ઘી અને દૂધ પી રહ્યા છે.
કર્ણના સ્વપ્નમાં પાંડવોનો વિજય નિશ્ચિત છે. પણ એમાં એ માત્ર વિજય જ નથી જોતો, વિજયનો વિષાદ પણ જુએ છે. હાડકાંના ઢગલા પર બેસી સુવર્ણપાત્રમાં ઘી અને દૂધ પીવામાં યુધિષ્ઠિરને ક્યો આનંદ આવી શકે? અને શ્વેત વસ્ત્ર, શ્વેત છત્ર, શ્વેત આસન: કર્ણૅને સ્વપ્નમાં સ્વર્ગારોહણ પર્વનું જ આર્ષદર્શન થતું નથી લાગતું? કર્ણ અધર્મના પક્ષે છે; એ ક્રૂષ્ણને કહે છે કે દુર્યોધનના પક્ષે રહી મેં તમને, પાંડવોને ઘણાં કટુવચનો કહ્યાં છે.પણ સાથે સાથે તેને એ વાતની શ્રધ્ધાપણ છે: વિદિતં મે હ્રષીકેશ યતો ધર્મસ્તતો જય:
(ઉદ્યોગપર્વ:141:33) હે ક્રૂષ્ણ, હું એ જાણું છું કે જ્યાં ધર્મ છે,ત્યાં જ જય છે.
કર્ણ છતાં પણ છેવટે કહે છે: અપિ ત્વા ક્રૂષ્ણપશ્યામ જીવંતો અસ્માન્મહારણાત્ ,
સ્મુત્તીર્ણા મહાબાહો વીરક્ષયવિનાશનાત્ .
(ઉદ્યોગપર્વ:141:45) છતાં હે ક્રૂષ્ણ, વીરોનો વિનાશ કરનારા આ મહાયુધ્ધને પાર કરી જો જીવતો રહ્યો, તો તમને મળીશ. નહિ તો– અથ વા સંગમ: ક્રૂષ્ણ સ્વર્ગે નો ભવિતા ધ્રુવમ્ ,
તત્રેદાનીં સમેષ્યામ: પુન: સાર્ધ ત્વયાનઘ.
(ઉદ્યોગપર્વ:141:46) અથવા તો હે ક્રૂષ્ણ, સ્વર્ગલોકમાં તો આપણે અવશ્ય મળીશું.હે નિષ્પાપ, હવે તો એ જ સ્થાન પર તમારો ને મારો મેળાપ સંભવિત છે. કર્ણ જીવતા રહીશું તો મળીશું એમ કહે છે, પણ એ તો ‘કેમ છો- મઝામાં’ જેવું રૂઢિગત કથન છે. એટલે એ જ શ્વાસમાં કહે છે, નહિ તો આપણે સ્વર્ગમાં મળીશું. પોતાને સ્વર્ગ નક્કી મળવાનું છે એમ કર્ણ માને છે. આ યુધ્ધમાં અર્જુનના હથે પોતાનો વધ નિશ્ચિત છે એમ પણ એ જાણે છે,અને મ્રૂત્યુ પછી એની ગતિ જ્યાં ક્રૂષ્ણ હશે ત્યાં થવાની છે, એ પણ એનો દ્રઢ મત છે. આ માત્ર કર્ણની શ્રધ્ધાનથી.ક્રૂષ્ણે કહ્યું એમ કર્ણ ધર્મશાસ્ત્રના ગૂઢ મર્મનો જ્ઞાતા છે. એટલે એ પ્રતીતિથી આ વાક્યો કહે છે. કર્ણ અને ક્રૂષ્ણનો આ સંવાદ માનવસંબંધોમાં એક નવો આદર્શ સ્થાપે છે. કર્ણનાં બે પાસાં છે. એક કર્ણ દુર્યોધન, શકુનિ અને દુ:શાસનની સાથે હુંકાર કરે છે.પણ ક્રૂષ્ણની નિકટ આવે છે ત્યારે અહમ્ ના બધા પડદા હટી જાય છે. નિરાવ્રૂત સત્ય પ્રગટ થાય છે અને કર્ણનું આ બીજું પાસું વધારે મનોરમ છે અને સવિશેષ મહાન છે—એટલે જ કદાચ કવિઓને – મનુષ્યમાત્રને તેનું આકર્ષણ રહે છે.
નવમી જુલાઇ,2009 અષાડવદી બીજ 2065
khub sundar! aaTali vigato saathe lakhaayelo aa lekh vaanchavaani majaa aavi. mahaabhaarat maa karNa nu paatra mane hameshaa aakarshit kare chhe. jo ke enaa vishe aaTali unDaaN thi jaaNkaari nahoti. enjoyed!
thanks
Majaa padi
Incidently currently I am reading the same book and was so pleasant to read the same on this site.
ખૂબ સુંદર,
આજકાલ મારે આવા જ વાંચનની વધુ જરૂરત છે, તે આપ જાણો જ છો, એટલે આવી રીતે બ્લોગ પર પણ એ જ વાંચવા મળી જાય તો આનંદમ પરમ સુખમ