સુખને એક અવસર તોઆપો.//ફિલ બૉસ્મન્સ
અનુવાદ: રમેશ પુરોહિત //ઇમેજ પબ્લિકેશન્સ
(પાનું :31)
લોકો હસતા કેમ નહીં હોય?
મોટીમોટી સભાઓમાં,
કે ટી.વી. જોતી વખતે
કે મહત્ત્વના સમારંભોમાં,
લોકો મુક્ત મને કેમ હસતા નથી?
તેઓ જ્યારે જુએ છે કે પોતાનું મહત્ત્વ બતાવવામાં
અને પોતાનાં મહોરાંને અકબંધ રાખવાની મથામણમાં
કેટલાક લોકો દિવેલિયું ડાચું લઇને બેઠા હોય છે ત્યારે
પણ લોકો કેમ હસતા નથી?
જ્યારે કેટલાક લોકો પોતાના નાના નાના ખાલીખમ્મ
અહંકારની ખાઇમાં ઊંડે ને ઊંડે ગબડતા હોય ત્યારે
પણ કેમ લોકો એને હસી કાઢતા નથી?
કહેવાતી બનાવટી વૈજ્ઞાનિક ઢબછબના ઓઠા હેઠળ
ભયાનક રીતે ઘાંઘા થઇને તેઓ જીવનનાં સાચાં મૂલ્યોનું
અવમૂલ્યન કરે છે અને સંકુચિત વૃત્તિમાં રાચે છે.
શબ્દો એ શસ્ત્રો છે
(પાનું: 32-33)
કોઇનો ન્યાય તોળવા બેસો ત્યારે બોલવામાં ધ્યાન રાખજો.
શબ્દો શક્તિશાળી શસ્ત્રો છે.
જેને કારણે અનેક મહાભારત સર્જાય છે.
તમારી જીભને કારણે સામો માણસ ગમાર લાગે એવું તો ન જ કરો.
તમારા મોટે મોઢે સામો માણસ નાનો લાગે એવું તો કરતા જ નહીં.એક કઠોર શબ્દ, એક ધારદાર વાગ્બાણ
કોઇના દિલને લાંબા સમય સુધી કોતર્યા કરશે અને
મૂકી જશે એક કાયમી જખ્મ.
સ્વીકારો કે બીજાઓ તમારાથી જુદા છે,
જુદી રીતે વિચારે છે, જુદી રીતે વર્તે છે,
કંઇક જુદું જ અનુભવે છે અને બોલે છે,
થોડાક સૌમ્ય બનો અને શબ્દોથી એના ઘા રુઝાવો.
શબ્દો ફૂલ જેવા હળવા હોવા જોઇએ,
શબ્દો શાંતિ પમાડે તેવા હોવા જોઇએ, જે લોકોને એકમેક સાથે
જોડી આપે અને સુખચેનનો અહેસાસ કરાવે.
શબ્દો જ્યારે શસ્ત્રો બને છે ત્યારે,
લોકો એકમેકનો મુકાબલો દુશ્મનની જેમ કરે છે.
જિંદગી બહુ જ ટૂંકી છે
અને આપણી દુનિયા કુરુક્ષેત્ર
બનાવવા માટે બહુ નાનકડી છે.
મારે જે કહેવું છે એના વિશે હું પૂરેપૂરું જાણું નહીં
ત્યાં સુધી
હે ઇશ્વર! મારી વાણીના તીરને
મ્યાન કરવામાં મદદ કર
‘ૐ શાંતિ,શાંતિ, શાંતિ.’
સુખને….//પાનું 100
**જો તમારી પાસે સામા માણસ માટે સમય હોય તો,
તમે આખો વખત ઘડિયાળ જોયા ન કરો. **
તમે મજાના માણસ છો. આમ છતાં તમે તમારી પીઠ પર
આખેઆખો ભૂતકાળને લાદીને ફરો છો અને તમે ભવિષ્યનો
ભાર પણ વેંઢારો છો.
તમારા માટે આ બોજો વધુ પડતો કહેવાય–
ચોવીસ કલાકમાં વહેંચાયેલા તમારા દિવસને
આ બધાના ભારથી શા માટે ભાંગી નાખો છો?
તમારો જન્મ આને માટે નથી થયો.
આમ કરશો તો એ ભારણ તમને મારી નાખશે.
સુખને…..//પાનું 92
એવા લોકોહોય છે જે
પ્રકાશ પાથરે છે
અને એવા પણ લોકો હોય છે
જે તમામ વસ્તુઓને અંધકારમય કરી દે છે.
નિરાશા
તમને હૃદયમાં ઊંડો જ્ખમ થયો હોય અને તમે જો
એના વિશે ફરિયાદ કરો તો તમે નિરાશાવાદી નથી.
અથવા જ્યારે સમસ્યાનો સમુદ્ર ઘૂઘવતો હોય ત્યારે
તમે પછડાટની ફરિયાદ કરો તોપણ તમે નિરાશાવાદી નથી.
જ્યારે તમે અનેક નિર્દોષ માણસોની અસહ્ય યાતનાથી
ખૂબ ઉદાસ થઇ જાઓ ત્યારે પણ તમે નિરાશાવાદી નથી.
જગતમાં જંગલી હિંસાઓ અને અન્યાયો જોઇને બેચેન બની જાઓ ત્યારે પણ નહીં.
નિરાશાવાદી તો એને કહેવાય કે જે પોતાની આખી જિંદગી
ડાર્કરૂમમાં વિતાવે—નેગેટિવને ડેવલપ કર્યા કરે.
નિરાશાવાદી તો એ છે કે જે સૂર્ય આકરો તપતો હોય ત્યારે માવઠાની આગાહી કરે,
જે બધું સમુંસુતરું ચાલતું હોય ત્યારે એ કહ્યા કરે કે, આ કાંઇ લાંબો સમય ચાલશે નહીં.
કોઇ એના પ્રત્યે દયામાયા કે મૈત્રી બતાવે ત્યારે એ શંકાકુશંકા કર્યા કરે.
નિરાશાવાદી ટૂંકી દૃષ્ટિ ધરાવે છે;એને ક્યાંય સુંદરતા દેખાતી નથી.
એના કાને ધાક પડી હોય છે; એને કશું સારું સંભળાતું નથી.
એને કાયમી પીડાનો અનુભવ થાય છે પણ આનંદ ક્યારેય નહીં. એને
મન બધું જ કાળું, ખાલીખમ્મ. ઉદાસ. એ સિક્કાની બીજી બાજુ જોતો જ નથી કે જેથી બીજી બાજુનો ઉજાસ આંખે પડે.
તબીબી નિદાન: ‘હતાશાવાદ તમારી ભૂખતરસ મારી
નાખે છે અને બ્લડપ્રેશર વધારે છે.’
તારતમ્ય : ‘હતાશાવાદી કરતાં આશાવાદી વધુ જીવે છે.
‘
ઉપસંહાર : ‘હતાશાવાદી જીવતા નથી હોતા, એને દાટો કે
બાળો એ પહેલાં જ મરી ચૂક્યા હોય છે.’
સુખને…. //પાનું 109
ઇશ્વર ! મારી પાસે પૂરતું છે
અમૂલ્ય રત્ન જેવી બે આંખો
,
આનંદની બંસરી બજાવી શકાય એવું મુખ,
પૈસાથી ખરીદી ન શકાય
એવી તન્દુરસ્તી .
હે ઇશ્વર ! મારી પાસે પૂરતું છે
આકાશમાં સૂર્ય
,
માથા પર છાપરું
નેમારા હાથને કામ મળી રહે છે.
ખાવાપીવાની ખેંચ નથી,
અને પ્રેમ કરી શકું એવા માણસો મળ્યા છે
હે ઇશ્વર ! મારી પાસે પૂરતું છે.