અગિયારમો અધ્યાય
ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
કૃષ્ણે કરાવેલું વિશ્વરૂપ દર્શન
ગીતાના દસમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે અર્જુનને પોતાના વિભૂતિતત્ત્વનો સઘન અને ગહન પરિચય આપ્યો. બધામાં હું છું અને મારામાં બધાં છે એની વાત કરી. જ્યાં જ્યાં નજર પડે ત્યાં પરમાત્માની જ વિભૂતિ છે. જે વ્યક્તિ સમગ્રમાં રહી સમગ્રને અતિક્ર્મી જાય છે, ઓળંગી જાય છે તે વિભૂતિ છે.અલબત્ત, ખુદ કૃષ્ણ પોતે પણ પોતાના વિભૂતિતત્ત્વની વાત કરે ત્યારે શબ્દ દ્વારા જ વાત કરે. અર્જુન બધું સાંભળે પણ શબ્દથી. વર્ણનથી અર્જુનને તૃપ્તિ ય્હાય છે પણ પરિતૃપ્તિ થતી નથી. આમ પણ ઇશ્વર એ વર્ણનનો વિષય નથી. અર્જુન પ્રેમના અધિકારના નાતે બાળક જેમ માતાપિતા પાસે લાડ કરે એમ એના મિત્ર કૃષ્ણને કહે છે: આ બ્ધું તમારું રહસ્ય સાંભળ્યું. તમે એનું સવિસ્તર વર્ણન કર્યું એનાથી મારી મૂંઝવણ ટળી છે ખરી પણ હું તો આ બધું –તમારું દિવ્ય રૂપ નજરોનજર જોવા માગું છું. મને ખબર નથી કે મારાથી એ જોઇ શકાશે કે નહિ. આમ તો તમારી મારા પર કૃપાદૃષ્ટિ છે. મારે તો તમારા અવિનાશી સ્વરૂપનાં દર્શન કરવાં છે. કશું પરોક્ષ નથી જોઇતું. બધું પ્રત્યક્ષ જ જોવું છે. ભકતમાં જિજ્ઞાસા હોય તો ભગવાન એનો જવાબ આપે છે. હનુમાને છાતી ફાડીને રામને રામનું સ્વરૂપ બતાવ્યું હતું. અહીં જુદું જ બને છે. કૃષ્ણ કહે છે કે મારા રૂપનો, મારા રૂપની અનંત લીલાનો પાર નથી. એ સેંકડો અને હજારોમાં વિસ્તરે છે. મારા દેહમા6 આખું સચરાચર છે અને બીજું પણ ઘણું છે. પરંતુ તને તારા ચર્મચક્ષુથી કશું નહિ દેખાય. આ જોવા માટે દિવ્ય દૃષ્ટિ હોવી જોઇએ. અને એ દિવ્ય દૃષ્ટિ હું તને આપું છું.
માતા યશોદાને બાલકૃષ્ણના મુખમાં સમગ્ર બ્રહ્માંડ દેખાયું હતું. આ વાતને સારવીને ઉશનસે એક સૉનેટ લખ્યું, જેની બે પંક્તિ આ પ્રમાણે છે:
પ્રથમ શિશુ સૌ ક્હાનો માતા બધી જ યશોમતી
મૃદુલ મલિન મોંમાં બ્રહ્માંડ અનંત વિલોકતી.
આપણા સૌનો અનુભવ છે કે જ્યારે આપણે કશુંક અકલ્પ્ય જોઇએ છી ત્યારે એક બાજુ વિસ્મયનો ભાવ થાય છે અને બીજી બાજુ ભય્નો. આપણે મુંબઇ જેવા શહેરમાં રહીએ છીએ તોપણ જ્યારે ન્યૂયૉર્કને જોઇએ ત્યારે વિસ્મય પણ થાય અને આમાં ક્યાંક અટવાઇ જઇશું તો નહિને એવો ભય પણ લાગે. જો સામાન્ય માણસને સામાન્ય સ્થિતિમાં આ થતું હોય તો આખા બ્રહ્માંડના દર્શનથી શું થાય? ગીતાના પહેલા અધ્યાયમાં યુધ્ધસેનાની વચ્ચે ઊભેલા અર્જુનને હું છું અને મારે યોધ્ધા તરીકે આ બધાને હણવાના છે અને આ બધા સ્વજન મારા છે એનો ભય વ્યાપી વળેલો.ત્યારે એણે યુધ્ધ ન કરવા માટે બુધ્ધિના પ્રપંચથી કૃષ્ણસામે સ્લીલો કરી હતી. આપણે હોઇએ છીએ એનો પણ ભય હોય છે અને એ ભયમાંથી છૂટવા માટે દલીલોની કંટાળાજનક ગલીઓમાં ઘૂમતા હોઇએ છીએ. જ્યારે અર્જુન વિશ્વરૂપદર્શન કરે છે ત્યારે એને વિસ્મય તો થાય છે પણ આ સમગ્ર બૃહદમાં હું ક્યાં છું એનો પણ ભય એને વળગી રહે છે. અહીંયાં અર્જુન વિસ્મય અને ભય્ની ભીંસમાં છે. એ શું જુએ છે? અદભુત દૃશ્યો એની નજર સમક્ષ આવે છે. અનેક મુખ, અનેક નેત્રો, દિવ્ય આભૂષણો, દિવ્ય શસ્ત્રો, વ્યાકુળ કરીમૂકે અને શાતા આપે એવી દિવ્ય સુગંધો, હજારો સૂર્યનું તેજ….. અર્જુન વિસ્મયથી અહોભાવ અનુભવે છે. કહે છે કે પરમેશ્વર ! હું તમારા દેહમાં સમસ્ત દેવગણો, અનેક જીવો , બ્રહ્મા, ઋષિ, દિવ્ય સર્પો, અનેક બાહુઓ, અનેક ઉદરો જૌં છું. ચારે બાજુ અનંતરૂપે તમે જ વ્યાપેલા છો, નથી કોઇ આદિ, નથી કોઇ મધ્ય, નથી કોઇ અંત. બધે તમે જ તમે. તમારા મસ્તક પર કિરીટ, હાથમાં ગદાચક્ર, કોઇ અનન્ય દીપ્તિ, સૂર્ય અને અગ્નિ જેવો અગાધ અને અમાપ પ્રકાશ. તમે જ સર્વોત્તમ છો. તમે જ વિશ્વનું આશ્રયસ્થાન છો. તમે જ ધર્મના શાશ્વત સંરક્ષક છો, સનાતન છો. તમારા અનેક બાહુ, ચંદ્ર અને સૂર્ય તમારાં ચક્ષુઓ, તમારું સ્વત્જ, દસે દિશામાં તમે જ, પૃથ્વી અને આકાશ વચ્ચેનું અંતર પણ તમે જ. દેવો, મહર્ષિઓ તમારી સ્તુતિ કરે છે. કેટલાક તમને ભયથી પ્રાર્થી રહ્યા છે. રાક્ષસો અને ગંધર્વો પણ તમને ધારીધારીને જોઇ રહ્યા છે. આ તમારું વિરાટ રૂપ જોયું જોવાતું નથી. હિંમત અને શાંતિ સરી જાય છે. મન બેબાકળું થઇ જાય છે, કારણ કેતમે મોઢું ખોલો છો ત્યારે એ મોઢામાં કાળનો અગ્નિ દેખાય છે. આ બધા જ તમારા મુખમાં પડ્યે જતા હોય, તમારી અંદર ઓરાતા હોય એ બધાંને હું જૌં છું.કલાગ્નિ જેવા તમારા મુખમાં ધૃતરાષ્ટ્ર, અનેક રાજાઓ, દ્રોણ, કર્ણ—કેટલાય જણ અંદર ને અંદર આવતા જાય છે અને ચવાઇચવાઇને ચૂર્ણ થઇ જઇને બધા તમારા દાંતમાં ચોંટી ગયા છે. જે રીતે નદીનો પ્રવાહ સમુદ્રમાં ભળતો જાય એમ આખોય મનુષ્યલોક તમારી અંદર પ્રવેશ કરે છે. જે રીતે અગ્નિની જવાળા પાસે પતંગો નષ્ટથવા માટે જ ધસતા હોય એ રીતે આ બધા જ તમારા કાળમુખ તરફ વળે છે. તમારી લપકતી જીભ આ બધાને ચાટી રહી છે. હું તમને જૌં છું તોપણ પૂરેપૂરા પામી શકતો નથી. આ દર્શન મને વ્યાકુળ કરે છે. તમારું ભીષણ સ્વરૂપ ભય પમાડે છે. જોયું છતાં માન્યામાં ન આવે એવું આ છે. તો તમને આદ્યપુરુષને હું પૂરેપૂરા પામી શકું એટલા માટે તમે મને તમારા વિશે કંઇ કહો. દિવ્ય ચક્ષુથી દર્શન કર્યા તોય અકળ ઓળખાયો નહિ.
ઇશ્વર હવે પોતાનો પરિચય સ્વમુખે કહે છે. હું કાળ છું. આ જગતમાં કાળ જ એક એવો છે જે સતત વૃધ્ધિ પામે છે. હું અવિનાશી છું પણ વિનાશ કરું છું.કૃષ્ણે બહુ ખૂબીપૂર્વક પોતાનું કાળસ્વરૂપ અર્જુનને બતાવ્યું. કારણકે કૃષ્ણની ઇચ્છા તો એકમાત્ર એ જ છે કે ન લડવા માટે ઉત્સુક અર્જુનને યુધ્ધમાં કઇ રીતે પ્રેરવો. અર્જુન ! બધાનો અંત મારામાં આવે છે. તું ઊઠ, ઊભો થા. ક્ષત્રિય તરીકે તારા સ્વધર્મને જાળવીને યુધ્ધ કર અને યોધ્ધા તરીકે તારી કીર્તિ લણી લે. તું જેમને હણવાનો છે એ સૌને તો મેં ક્યારના હણી નાખ્યા છે. તારે તો નિમિત્ત થવાનું છે. તું એમ માને કે તારે આ બધાને હણવાના છે તો એ તારો જુઠ્ઠો અહમ ને પ્રપંચ છે.દ રોણ હોય કે ભિષ્મ હોય કે કોઇ પણ હોય—એ ક્યારના આમ તો હણાઇ ચૂક્યા છે.
ગીતાના પહેલા અધ્યાયમાં યુધ્ધભૂમિ પર અર્જુનને પરસેવો વળ્યો હતો. અહીં પણ એ ધ્રૂજે છે. એનો કંઠ ડૂમાથી રૂંધાઇ જાય છે અને ઇશ્વરનું દિવ્ય, ભવ્ય, રમ્ય, સૌમ્ય અને રૂદ્ર સ્વરૂપ જોઇને અર્જુન ઇશ્વરનું ગુણકીર્તન કરે છે. એને પહેલી વાર ખ્યાલ આવે છે કે મારો મિત્ર નથી પણ સ્વયં પરમાત્મા છે. અક્ષરબ્રહ્મ છે. આ વિશ્વએનું નિવાસ છે. બ્રહ્માંડને ઘડનારો પણ આ જ છે. પુરાણપુરુષ છે. વાયુ, યમ, અગ્નિ, ચંદ્ર, વરૂણ, બ્રહ્મા—આ બધા જ એકમાં જ છે. અર્જુનને દુઃખ એ થાય છે કે મેં આવા વિરાટને મિત્ર ગણીને એમને જાણ્યા વિના આજ લગી એનો મહિમા ન કર્યો અને એને કેવે કેવે નામે સંબોધ્યો ! હે કૃષ્ણ, હે યાદવ, હે સખા ! મેં એની જોડે બોલચાલમાં કેવી છૂટ લીધી? ક્યારેક મશ્કરીમાં અપમાન પણ કર્યા.હું આજ લગી એમને કેમ ન ઓળખી શક્યો? ત્રણે લોકમાં આમના જેવું અત્યંત પ્રભાવશાળી વિશિષ્ટ બીજું કોણ? જે વરિષ્ઠ ગુરૂ છે એને યોગ્ય થઇને હું જીવ્યો નહિ પણ આ કૃષ્ણની ઉદારતા, મહાનતા કેવી ! અર્જુન કહે છે કે જેમ મિત્ર મિત્રનો અપરાધ ભૂલી જાય તેવી રીતે આ કૃષ્ણે મારા અનેક અપરાધો સહ્યા છે. એક રીતે હું ખુશનશીબ છું કે મને આવું દિવ્ય દર્શન મળ્યું. છતાંય મારું મન ગભરાયેલું છે. મેં તમારું ભયભીત કરનારું, સંહાર કરનારું સ્વરૂપ જોયું. તમારું તાંડવ જોયું. અર્જુન માનવસહજ રીતે કહે છે કે હે વિશ્વમૂર્તિ !હવે મને તમારું સૌમ્ય સ્વરૂપ જ બતાવો. તમારું લાસ્ય જ
બતાવો.
કેવી અદભુત બન્નેની મૈત્રી ! કૃષ્ણ કહે છે કે તારા વિના આ સ્વરૂપ મેં હજી સુધી કોઇને બતાવ્યું નથી. જ્ઞાનીઓ, દાનીઓ, ઉગ્ર તપ કરનારા તપસ્વીઓ કોઇની પાસે આ સ્વરૂપ કદી પ્રગટ્યું નથી. મારું ભયાનક રૂપ જોઇને તું ભ્યમુક્ત થઇ જા. પ્રસન્ન ચિત્તથી તું હવે મારું આ રૂપ પણ જોઇ લે. અને કૃષ્ણે પોતાનું સૌમ્ય રૂપ ફરી પાછું પ્રગટ કર્યું. આ સૌમ્ય રૂપ કોઇને સાંપડ્યું નથી. એ એટ્લું બધું સુલભ નથી તેમ સાવ દુર્લભ પણ નથી. જે કોઇ મારો ભક્ત મારી અનન્ય, અવ્યભિચારિણી ભક્તિ કરે છે તે આ મારા રૂપને જોઇ શકે ને જાણી શકે. ભક્તિ દ્વારા જ એ મારી ભીતર પ્રવેશી શકે. જે માણસ મારા ક અર્મને મારામાં ઓતપ્રોત થઇને, આસક્તિ વિના, ભક્તિથી કરે તેને હું મારી ભીતર પ્રવેશવા દઉં છું. અને મારું રૂપ ઉઘાડું છું. જેની વેર અવૃત્તિ શમી ગઇ છે અને સૌ પ્રત્યે કરૂણ આ વહી રહી છે એ મનુષ્ય મને અને મારા વિશ્વરૂપદર્શનને પામી શકે છે.