નવમો અધ્યાય
ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
“ભજન કરે તે જીતે”
નવમો અધ્યાય રાજવિદ્યા, રાજગુહ્યયોગ તરીકે જાણીતો છે. ગીતાના કોઇ પણ અધ્યાયના પ્રારંભેયોગ શબ્દ છે. આ યોગ શબ્દ મહત્ત્વનો છે.કંઇ પણ હોય તે પરમ સાથે જ યુક્ત હોય.જે પરમ સાથે યુક્ત હોય એને યોગ કહેવાય. ઇશ્વર પોતાની વાણી વેડફે નહિ. એ અર્જુનને વાત કરે છે, અર્જુનની વાત સાંભળવાની યોગ્યતા છે એટલા માટે. કૃષ્ણ અર્જુનના અ6તર્યામી છે. અર્જુનના ગુણ-અવગુણને જાણે છે. અર્જુનનો મોટામાં મોટો ગુણ : એ ઇર્ષા વિનાનોછે. જેનામાં અદેખાઇનું તત્ત્વ નથી એ જ માણસ ઇશ્વરનું સાન્નિધ્ય અને એનું સાયુજ્ય પામી શકે. અદેખાઇના મૂળમાં માણસનો અહમ્ અને એના રાગદ્વેષ હોય છે. ઇર્ષા કરનારો માણસ બળકણો હોય છે, બળૂકો નથી હોતો. એ ટૂંકા જીવનો હોય છે. ઇર્ષ્યા,, એ માણસના ચૈતન્યનો વિસ્તાર નહીં પણ સંકોચ છે. ઇર્ષાળુ માણસ મનટૂંકો અને જીવટૂંકો હોય છે. એનામાં ઉદારતાનું નામોનિશાન નથી. એ દોષદેખો હોય છે. એને કાંટા પહેલાં દેખાય અને ફૂલની ઓળખ કરવા પણ એ તૈયાર નહિ હોય. એ વિકૃતિમાં આળોટે છે. પોતાના સ્વરૂપથી એ અજાણ્યો હોય છે. કૃષ્ણ અર્જુનને પહેલી વાત એ કહે છે કે આ વાત તને હું એટલા માટે કહું છું કે તારામાં ઇર્ષાનું તત્ત્વ નથી. બધું ઉછીનું મળે, અધ્યાત્મ ઉછીનું ન મળે. અધ્યાત્મ એ સ્વાનુભવનું પરિણામ છે. જે આ વિદ્યાને જાણે છે તે અકલ્યાણથી, અસુખથી સદા મુક્ત હોય છે. જે મુક્ત હોય છે એ જ પરમ સાથે સંયુક્ત થાય છે. આ જ્ઞાન એ જ મોટામાં મોટી રાજવિદ્યા અને સાચો રાજગુહ્યયોગ. ગુહ્ય એટલા માટે કે એ અંતરપ્રવેશ વિના શક્ય નથી. મુક્ત માણસ જ પવિત્ર અને શ્રેષ્ઠ છે. એને માટે કશું જ પરોક્ષ નથી, બધું જ પ્રત્યક્ષ છે.એ આચરણનો માણસ છે. શબ્દોને શરણે નથી થતો પણ આચરણ એ જ એનું સંવિધાન. એ માણસને શ્રધ્ધા ધર્મમાં હોય છે. ધર્મ માણસે પોતાની મેળે પ્રાપ્ત કરવાનો હોય છે. કૃષ્ણ પછી પોતાનો આંતર પરિચય આપે છે. આ સૃષ્ટિનું એણે સર્જન કર્યું છે પણ આ સૃષ્ટિમાં એ ક્યાંય દેખાતો નથી. એ પ્રત્યક્ષ થાય છે પ્રકૃતિરૂપે. આંખથી જોવું એક વાત છે અને દૃષ્ટિથી પામવું એ બીજી વાત છે. ઇશ્વરમાં તમામનો સમાવેશ થાય છે પણ ઇશ્વર કોઇ એકમાં ક્યારેય વસતો નથી.એક માળી બાગ ઉછેરે તો બાગનાં ફૂલપાનમાં માળીનો હાથ હોય જ છેપણ ફૂલપાનમાંમાળી દેખાતો નથી. અને દેખાતો નથી એટલે છે નહિ એમ કહેવું એ આપણી ટૂંકી બુધ્ધિની ગેરસમજણ છે.કૃષ્ણ વિવિધ રૂપે પોતાની પ્રકૃતિનો પરિચય આપે છે. આકાશમાં જેમ નિત્ય વાયુ વસતો હોય છે તેમ માણસ, જીવજંતુ એ બધાં ઇશ્વરમાં વસે છે. ભૂતમાત્રનું નિવાસસ્થાન સ્વયં ઇશ્વર છે. ઇશ્વરમાંથી જ જન્મેલાં છેવટે સૌ ભૂતમાત્ર ઇશ્વરમાં જ લીન થાય છે. શા માટે ઇશ્વર અવ્યક્ત છે?સૃષ્ટિ વ્યક્ત છે અને ઇશ્વર અવ્યક્ત. સર્જન ક્ર્યા પછી ઇશ્વર અનાસક્ત છે. એને કોઇ એવી આસક્તિ નથી કે સૂંવાળા ફૂલ પર કે વહેતી નદી પર કે પહાડના શિખર પર એ પોતાની સહી કરે અને પોતે આ સૃષ્ટિ સર્જી છે એની ધજાપતાકા ફરકાવ્યા કરે. સર્જનનું કર્મ કર્યું તે કર્યું. આ સૃષ્ટિ સર્જી, પણ પછી આ સર્જનના કર્મ વિશે ઇશ્વર ઉદાસીન છે. એટલે જ એનું કશું બંધન નથી.કર્મ કરીને જે મુક્ત થઇ જાય છે તે જ સાચો અનાસક્ત. ઇશ્વરે તો જડ અને ચેતન સર્વ સૃષ્ટિ સર્જી છે. આ સૃષ્ટિ માં ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે. સર્જન,સંવર્ધન અને સંહાર છે. ઇશ્વરનું આ વિષચક્ર નથી પણ અમૃતચક્ર છે. પણ જે મનુષ્ય દેહ ધારણ કર્યો છે એના મોહમાં ફસાયેલા મૂઢ માણસો ઇશ્વરને જ ઉવેખે છે. શાહબાઝ નામના એક શાયરે બે સરસ પંક્તિઓ લખી છે:
પરવરદિગારે જીભ દઇ
બોલતો કર્યો
ત્યારે પૂછ્યું એ જીભથી,
પરવરદિગાર ક્યાં?
સંસારમાં જેમ મૂઢ માણસો છે તેમ મહાત્માઓ પણ છે. આ મહાત્માઓ પ્રકૃતિની દિવ્યતા અને ભવ્યતાને ઓળખે છે. અવળી બુધ્ધિ અને આસુરી બુધ્ધિને અવગણે છે.એમની બુધ્ધિ અને જ્ઞાન સવળે માર્ગે વહે છે. આ મહાત્માઓનું ચિત્ત વિકલ્પોનાં ઝાડીઝાંખરાંમાં અટવાતું નથી પણ એ સંકલ્પના શિખર પર પલાંઠી વાળીને બેઠુ હોય છે. એમની પાસે અનન્ય ભક્તિ હોય છે. આ અનન્ય ભક્તિ એટલે પોતાની ચિંતા નહિ, પોતાની સલામતી નહિ પણ પરમાત્માનું ચિંતન, સતત કીર્તન.
ભક્તિભાવની નમ્રતા અને ભક્તિભાવની જ ઉત્કટતા.કૃષ્ણે ગીતામાં કર્મયોગનો, જ્ઞાનયોગનો મહિમા કર્યો છે પણ અનેક રીતે સૂચવ્યું છે કે ભક્તિયોગ જેવો શ્રેષ્ઠ યોગ કોઇ નથી. સરોવરનાં જળ જેવી પારદર્શક નિર્મળતા, ઇશ્વરનું નામસ્મરણ. જે દેવ સ્થાપ્યા તે સ્થાપ્યા—એના પર જ ભક્તિભાવનો સતત અભિષેક તે ભક્તિ. વિરહમાં આંસુનો અભિષેક અને મિલનમાં પ્રસંગ સ્મિતનો અભિષેક. જોકે સાચા ભક્તને કદીય ઇશ્વરનો વિયોગ જ નથી હોતો.એ તો હંમેશાં ઇશ્વરની સંયોગસૃષ્ટિમાં જ રહે છે. ભક્ત સૃષ્ટિને અખિલાઇઅ રૂપે જુએ છે. એ પૃથક્કરણ કે વિશ્લેષણ કરતો નથી.
એ અંશમાં રાચતો નથી. પૃથક્કરણ કરવાનું કામ તો જ્ઞાનીઓનું છે. જ્ઞાનીઓ સૂર્ય અને ચંદ્રને પૃથક્ પૃથક્ રૂપે જુએ છે.
ઇશ્વરસર્વ છે અને સર્વત્ર છે. એ અગ્નિ પણ છે અને ઔષધ પણ છે. એ યજ્ઞ પણ છે અને મંત્ર પણ છે.એ શું નથી?જગનો ધાતા અને વિધાતા, પિતા,માતા,પિતામહ, એ ઓમ્ કાર છે. ચાર વેદ છે.એ ગતિ અને સ્થિતિ બંને છે. એનું સામર્થ્ય અપાર છે.સૂર્યને એ તપાવે છે. તપતો રોકે પણ એ જ છે. મેઘવર્ષા પણ એનું જ પરિણામ. એ અમૃત પણ છે અને મૃત્યુ પણ છ. એ છે છે અને નથી નથી. ઇશાવાસ્યમ્ ઇદંસર્વમ્. એ સમુદ્ર છે, મોજું છે, બુંદ પણ છે અને મેઘ પણ છે.એ જેટલા પૃથ્વીના છે એટલા આકાશના છે. સમુદ્ર એનો, સૂર્યનો તાપ પણ એનો.આ તાપમાંથી તો વરાળ થાય, એનાં વાદળ બંધાય અને ફરી પાછાં પૃથ્વી પર વરસે. રાજેન્દ્ર શાહની બે પંક્તિઓ છે તે અહીં યાદ કરવી જોઇએ :
ગહન નિધિ હું, મોજુંય હું, હું વળી ઘનવર્ષણ
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.
જે લોક આ સૃષ્ટિમાં પુણ્ય પામે છે એને એના પુણ્ય પૂરતું સ્વર્ગ મળે છે. પણ પુણ્ય ખૂટે ત્યારે એને અહીં આ લખચોર્યાસીના ફેરામાં આવવું પડે છે. અનન્ય ભક્તિ અને શ્રધ્ધા એ માણસમાત્રને દૈવી સંપત્તિ છે. ઇશ્વર સાથે બધું થાય, સોદાબાજી ન થાય. મોટાં મોટાં મંદિરો બંધાવીએ પણ કેવળ પૈસાનું જોર હોય તો એ મંદિર નથી પણ ઇમારત છે. ઇશ્વરને તમારું ધન, સાધન,વૈભવ એની શી પડી હોય? જેની પાસે આખી સૃષ્ટિ હોય એને તમે આપી આપીને શું આપવાના હતા/ ગમે એટલી છત હોય પણ ભાવની, સદભાવની, ભક્તિની અછત હોય તો ઇશ્વર રાજી ન રહે. લોકોમાં વાહવાહ થાય પણ ઇશ્વરની એકપણ દાદ ન મળે. ઇશ્વરને તો પ્રેમથી ધરેલું એક ફૂલ પણ ગનીમત છે. ભક્તિભાવ અને શુધ્ધ ચિત્ત એ જ સારસર્વસ્વ. એ જ તપશ્ચર્યા. હૃદયના ભાવ વિનાનો બગીચો આપો તો એ બગીચો નથી પણ રણ છે. ઉત્કટ ભાવ વિનાના ઉપવનમાં એને રસ નથી. એને તો તપોવનમાં રસ છે. આ તપોવન મીરાંનાં આંસુથી ઉછેરવાનું હોય છે. જે કંઇ કર્મ કરીએ છીએ એમાં નિમિત્ત થઇને તે ઇશ્વરને અર્પણ કરવાનાં હોય છે. પણ મોટા ભાગના માણસો જે અર્પણ કરે છે એ એમનાં અહમ્ નાં તિરાડ પડેલાં દર્પણો હોય છે. ઇશ્વરને કોઇ ભેદભાવ નથી. નથી કોઇ વહાલાં કે દવલાં. દુરાચારી માણસ પણ જો એકનિષ્ઠાથી ભજે તો એની પાસે પણ સાધુ થવાની શક્યતા છે. રામાયણનો વાલિયો વાલ્મીકિ થયો એનાથી આપણે અજાણ નથી. કોઇને પણ માટે મોક્ષનો માર્ગ દુર્લભ નથી.
હું ઘણા વખતથી માનું છું કે બ્રાહ્મણ, વૈશ્ય,ક્ષત્રિય કે શુદ્ર એવા ભેદ આપણે પાડ્યા છે. કૃષ્ની વાણીમાં પણ જો આવા ભેદ આવ્યા હોય તો એ કૃષ્ણ પણ મને મંજૂર નથી. કદાચ એવું છે કે આપણે કૃષ્ણની વાણીને યથાર્થરૂપે સમજ્યા નથી, પામ્યા નથી. આ ચાર જાતિને સમજવા માટે સહેજ ઊંડા ઊતરવું જોઇએ. કૃષ્ણના મનમાં કોઇ જુદો જ અર્થ હોવો જોઇએ. કારણકે ભગવાન ભેદ ન પાડે. મારી એવી સમજણ છે કે જે માણસ જે ક્ષણે પોતાના પિંડમાંથી બહાર નીકળીને બ્રહ્મ સાથે અનુસંધાન સાધે તે ક્ષણે તે બ્રાહ્મણ. ઉમાશંકરની પંક્તિઓ છે :
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી
પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ.
જે માણસ રોજીરોટી માટે કાર્ય કરે છે તે વૈશ્ય. જે માણસ અન્યાયની સામે આંખ ઊંચકે છે અને પોતાનો મશાલી અવાજ પ્રગટ કરે છે તે ક્ષત્રિય.અને જે અધમ અને હીન કામ કરે છે તે શુદ્ર. આમ એક જ વ્યક્તિમાં બ્રાહ્મણ,ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર હોય છે અને આ જાતિ જન્મથી નહિ પણ કર્મથી જ ઓળખાય છે.
માણસ આ મૃત્યુલોકમાં આવે છે. મૃત્યુલોક એટલે સુખ વિનાનો પ્રદેશકે જેમાં બધું અનિત્ય છે, કશું કાયમનું નથી. અને આ અનિત્યમાં જો કશુંક સનાતન હોય તો તે ઇશ્વરનો લગાવ, એની ભક્તિ, એનું કીર્તન. લોહીના લયમાં પણ એના જ નામની મુદ્રા. શ્વાસની આવનજાવનમાં પણ એનું જ સનાતન ગુંજન. અને આ હૌય પછી કશું બાકી રહેતું નથી. મકરન્દ દવે કહે છે એમ–
વજન કરે તે હારે મનવા
ભજન કરે તે જીતે
ચૌદ ભુવનનો સ્વામી આવે
તુલસીદલની પ્રીતે.