અધ્યાય:પાંચમો
ભગવદ ગીતા એટલે…..//શ્રીસુરેશ દલાલ
જાત પ્રત્યે અમમત્વ અને જગત પ્રત્યે સમત્વ
ગીતાનો પાંચમો અધ્યાય એટલે કર્મસન્યાસ યોગ. આ શીર્ષક સૂચક છે અને સૂક્ષ્મ છે. એટલું સૂક્ષ્મ કે અહીં નહિ લખાયેલું પણ વાંચવાનું છે, સમજવાનું છે અને એનું અર્થઘટન કરવાનું છે.કર્મનો સંપૂર્ણપણે ત્યાગ કઇ રીતે થઇ શકે? મારે કશું નથી કરવું એ પણ એક કર્મ તો કહેવાયને ! આપણે જાગીએ છીએ પછી નિત્યકર્મ કરતા જ હોઇએ છીએ. કર્મ એ મનુષ્યના જન્મ અને જીવન સાથે સંકળાયેલું સસત્ત્વ-તત્ત્વ છે. માની જનનનાળથી છૂટા પડીએ ત્યારથી આપણે શ્વાસ લઇએ છીએ એ પણ એક કર્મ છે. આંખ ખોલું અને દૃશ્યો દેખાય, બંધ આંખે સપનાં દેખાય એ પણ એક કર્મ છે. તમારી ઇચ્છા હોય કે ન હોય પણ કાન પાસે અવાજ,ઘોંઘાટ આવતો હોય એ આપણે સાંભળતા જ હોઇએ છીએ.(સાંભળવો પડે છે.)આંખ તો હંમેશાં મીંચી શકાય છે, કાનતો જન્મ્યા ત્યાર્થી જ ખુલ્લા. કાન મીંચી શકાતા નથી. અહીં વાત કર્મના ત્યાગની નથી પણ કર્મમાં ત્યાગની છે. પ્રત્યેક કર્મ ત્યાગની ભાવનાથી થયેલું હોવું જોઇએ. આપણે સંસારમાં રચ્યાપચ્યા છી. જે કર્મ આપણને કશુંક અનુકૂળ એવું આપ્યા કરે એ કર્મનો રાગ બંધાય છે. વેપારીની નજર પૈસા પર હોય. કોઇકની નજર યશ અને પ્રતિષ્ઠા પર હોય. આપણને ખબર ન પડે એમ આપણે આપણા કર્મના દાસ થઇ જઇએ છીએ.એના ગુલામ થઇ જઇએ છીએ. જે માણસ કર્મ કરતાં કરતાં અનાસક્તિનો ભાવ કેળવે, જે માત્ર પોતાનાં હિત કે હેતુ માટે નહિ પણ લોકોનાં હિત માટે કાર્ય કરે એને એ કાર્યથી જો એને પ્રતિષ્ઠા મળતી હોય તો એ પ્રતિષ્ઠામાં પણ જીવ ન રાખે એ માણસ કર્મસન્યાસયોગનો યાત્રિક કહેવાય.
કૃષ્ણની કર્મસન્યાસયોગની વાતથી અર્જુન મૂંઝાયેલો જ રહે છે.એને સમજ જ નથી પડતી કે યોગનો માર્ગ સાચો કે કર્મસન્યાસનો માર્ગ સાચો. કૃષ્ણ તો યોગની પણ કદર કરે છે અને કર્મસન્યાસની પણ પ્રશંસા કરે છે.કૃષ્ણ કર્મયોગના છાહક છે અને કર્મસન્યાસને ઊંચી ભૂમિકાથી જુએ છે. કર્મયોગકોણ કરી શકે? અથવા કોનું કર્મ યોગની કક્ષાએ પહોંચી શકે એ વિશે વાત છેડે છે. માણસ બધા જોડે હળતોભળતો હોય અને છતાં અલિપ્ત હોય એવા અનાસક્તને કર્મયોગી કહે છે. એનાં કર્મનો રેંટિયો ચાલ્યા કરે.જે કરે તે 9.00
સ્પૃહા વિના. કોઇ પ્રત્યે ધિક્કારનો ભાવ નહિ.આવી વૃત્તિ એનો સ્વ-ભાવ થઇ જાય. સુખ-દુઃખ કે રાગ-દ્વેષના બંધનમાં બંધાય નહિ. જે જ્ઞાનીઓ છે અને સાચા કર્મયોગી છે તે એમને જ મોક્ષ મળે છે. કર્મયોગી પણ પોતાના પિંડમાંથી બહાર નીકળીને બ્રહ્મ સાથે અનુસંધાન કરી શકે છે. એનું અંતઃકરણ શુધ્ધ હોવું જોઇએ.અશુધ્ધ અંતઃકરણ એનું થાય છે જેનો મન અને ઇન્દ્રિયો પર કોઇ કાબૂ નથી .આપણે મોટા ભાગના માણસો ઇન્દ્રિયોથી જીવીએ છીએ. ઇન્દ્રિયો આપણી ચાકર છે. પણ ચાકરનો માલિક છે મન. મન જેમ દોડે અને દોડાવે એવી રીતે ઇન્દ્રિયો વર્તે. ઇન્દ્રિયો તો પોતાનાં કર્મો કર્યે જ જાય છે.જુએ, સાંભળે,સ્પર્શે,સૂંઘે,ખાય,ઊંઘે, શ્વસે—આ બધું સતતચાલ્યા જ કરવાનું. પણ આ દરમિયાન જે માણસ પોતાની આસક્તિની તલવાર ને મ્યાનમાં રાખે અને કર્મ કરે તે કર્મયોગી. જેવી કર્મની આસક્તિ થઇ એટલે આપણે કામનાઓથી, વાસનાઓથી વીંટળાઇ વળ્યા. આપણે આપણા જ કેદખાનામાં કેદ. જીવ પરોવીને કામ કરવાનું, પણ એનાં ફળમાં મન નહિ રાખવાનું. જે માણસ ફળમાં જીવ રાખે છે એ માણસનાં કર્મને મેલ ચડે છે.એની ચાદર પર ડાઘડૂઘ હોય છે. પુણ્ય માટે પણ લાલસા ન હોવી જોઇએ. ઇશ્વર તો આ બધાંથી પર છે એટલે તો એને પરમ આત્મા—પરમાત્મા કહ્યો.
પાંચમા અધ્યાયની વિશિષ્ટતા એ છે કેઅહીં જાતને જગતના સંદર્ભમાં અને જગતને જાતના સંદર્ભમાં જોવાની વાત છે. જગત પ્રત્યે કેવી રીતે જોવું જોઇએ? સમત્વદૃષ્ટિથી. નાનાં, મોટાં, પોતાનાં, પારકાં, માણસ, પશુ—આની વચ્ચે ભેદભાવ ન રખાય. જો જગત પ્રત્યે સમત્વ હોય તો જાત પ્રત્યે મમત્વ ન હોવું જોઇએ. જે માણસ પોતાના પ્રેમમાં પડ્યો એ ઓછેવત્તે અંશે જગતને ઉવેખવાનો. ઉમાશંક્રની એક વાત મને બહુ ગમે છે. કોઇ પણ માણસને માણસ તરીકે ધિક્કારો એ પહેલાં આટલું તો યાદ રાખો કે ઇશ્વર જેવો કલાકાર માણસ જેવા માણસને વેડફે નહિ. એટલે કોઇક એક જીવ આ પૃથ્વી પર છે એનું કોઇક પ્રયોજન છે. મમત્વ ન હોય અને સમત્વ હોય તો પછી પ્રિય-અપ્રિય, હરખ—શોક આ બધાં હાંસિયાઓ આપમેળે ભૂંસાઇ જશે. બાહ્ય ભોગમાં જે રચ્યોપચ્યો રહે છે એને આત્માનું ઐશ્વર્ય શું છે એ ખબર જ નથી અને દુનિયાનાં તમામ દુઃખનું મૂળ અહીંયા જ છે. આપણા બધા જ આવેગો કામ અને ક્રોધમાંથી જન્મે છે. કૃષ્ણમૂર્તિ કહે છે એમ ‘વી નેવર ઍક્ટ, વી રીઍક્ટ.’પ્રતિભાવ આપવાની વાત તો દૂર રહી પણ પ્રત્યાઘાતથી જ જીવીએ છીએ. એવા આપણને ઘણા માણસો મળશે કે જે પ્રતિભાવ માંડ માંડ મોડો મોડો આપે પણ પ્રત્યાઘાત આપવા હંમેશાં ઉતાવળા હોય. જે સાચો કર્મયોગી છે તે ભીતરથી સુખી છે. એ શાંત અને પ્રશાંત છે. જે પોતે અંદરથી સુખ-શાંતિનો અનુભવ કરે છે એ જ બીજાને પરિતોષ આપી શકે. અહીં જાત અને જગત સાથેનો સંબંધ બંધાય છે. જેની પાસે કોઇ શંકા—કુશંકા નથી, જેનું ચિત્ત પોતાને વશ છે, જે કામ—ક્રોધથી મુક્ત છે,જે પ્રાણીઁમાત્રના કલ્યાણને ઝંખે છે, જે આત્મજ્ઞાની છે, ઇન્દ્રિય્ને એક પ્રકારનો દેહવટો આપી દીધો છે, જેની દૃષ્ટિ સ્થિર છે, જે પોતે નિર્ભય છે—એ જ માણસ કર્મયોગી કહેવાય.
કર્મ કરવું પણ કર્મમાં આસક્તિ નામનો જે રાક્ષસ છે એ રાક્ષસને જે માણસ હાંકી કાઢે અને જેની વ્યાપક અને ઊંડી દૃષ્ટિ હોય એ માણસ માટે એમ કહેવાય કે, એ કર્મ કરે છે ખરો પણ એનાં કર્મમાં ભીતરના સન્યાસનો શ્વાસ સંભળાય છે. 9.57