અધ્યાય છઠ્ઠો
ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
પવનને પીંજરામાં પૂરવાજેવી વાત
ગીતાનો છઠ્ઠો અધ્યાય ધ્યાનયોગ છે.ગીતા એક રીતે જોઇએ તો
માનસશાસ્ત્રનો ગ્રંથ છે. એમાં કવિતા,તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર—આ બધું જ છે. મન છે એટલે તો એ માણસ કહેવાય છે. ગીતા માણસને જીવનનો અભિગમ આપનારો ગ્રંથ છે. મન સાથે કેટલી બધી વસ્તુઓ સંકળાયેલી છે !આમ દેખીતી રીતે મન ક્યાંય દેખાતું નથી અને આપણા જીવનની પ્રત્યેક વૃત્તિ અને પ્રવૃત્તિમાં જો કોઇની પણ આણ પ્રવર્તતી હોય તો તે મનની છે. આપણા સહુનું મન એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદકા મારતું હોય છે. મન સ્થિર નથી. આ અસ્થિર મનને સ્થિર કઇ રીતે કરી શકાય? તો પછી મનને અસ્થિર કોણ કરે છે?મનમા, જો કોઇ છૂપો કે પ્રગટ શયતાન હોય તો તે આપણો અહંકાર છે. આપણે બહુ ઊંડે ઊંડે તપાસીએ તોપણ આપણી પ્રત્યેક પ્રવૃત્તિ એ ઓછેવત્તે અંશે અહંકારનો આવિષ્કાર હોય છે. સેવા પણ આમ તો માનવકલ્યાણ માટે થતી હોય છે પણ એ સેવાની પાછળ કે એ સેવાના નામે સમાજમાં એ સ્વીકૃતિ થતી હોય અને એ સ્વીકૃતિના આનંદમાં આપણે રચ્યાપચ્યા હોઇએ તો એ પણ આપણો સૂક્ષ્મ અહંકાર છે. સ્થૂળ અહંકાર તો સારો કે એ જેવો છે તેવો દેખાય છે. સૂક્ષ્મ અહંકાર છેતરામણો છે. સ્થૂળ અહંકાર તો યેન કેન પ્રકારેણ ફળ માગે જ છે અને ધાર્યું ન થાય ત્યારે એના આઘાત-પ્રત્યાઘાતો જુદી જુદી રીતે પ્રગટે છે. કર્મના ફળનો આશ્રય લઇને જે માણસ કર્મ કરે છે એ છેવટે નિરાધાર થાય છે. કર્મ ખરું, પણ ફળની કોઇ લાલસા નહિ એ ઉત્તમ અવસ્થા છે. આ ઉત્તમ અવસ્થા વાંચતાંની સાથે કે સાંભળતાંની સાથે અશક્ય લાગે, પણ એ કદીય અસંભવ નથી. કર્મફળ-ત્યાગની અવસ્થાની ઘટના ક્યારે બની શકે? કર્મની સાથે ફળ તો સંકળાયેલું છે, પણ એ ફળનો ત્યાગ કરો તો કર્મમાં પ્રવેશેલો વિષમ જ્વર નીકળી જશે. ત્યાગ કોણ કરી શકે? જેની પાસે કંઇ હોય તે. ત્યાગ કરવા માટે પહેલાં કંઇક હોવું જરૂરી છે. કોઇકે કહ્યુ’તું એમ સામાન્ય રીતે આપણા મનમાં વસ્તુઓ રમે છે અને વસ્તુઓમાં મન રમે છે. આ રમતની કરામત ચાલ્યા જ કરે છે. ઉમાશંકરની આ પંક્તિ ઘણું બધું કહે છે:
દેનાર તો દે નયનો જ માત્ર,
શું દેખવું તે કથવા ન પાત્ર.
માણસ ધારે તો પોતાની જ જાતને શિખર પર લૈઇ જઇ શકે અને એ જ માણસ પોતાને ખીણમાં ધકેલી શકે. આપણે બધા જ સ્વભાવ શત્રુ છીએ. પ્રત્યેકને કોઇક ને કોઇક અભાવ સાલ્યા કરે છે. પૈસા હોય તો એ કદીય પૂરતો નથી. ગમે તેવી પ્રતિષ્ઠા હોય તો પણ પ્રશંસા ઓછી પડે છે. આપણે એક વિકરાળ અભાવમાં જીવીએ છીએ. દરેક માણસને કોઇક ને કોઇક રીતે બીજા પર વિજય મેળવવો છે, પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ. આ બીજા પરની માલિકીનો ભાવ એ આપણને આપણાથી દૂર લઇ જાય છે અને બીજાની નજીક કદી જવા દેતો નથી. ક્યાંક વર્ચસ્વ જમાવવું એ જ આપણું સારસર્વસ્વ છે. કોઇને એમ વિચાર નથી આવતો કે મારી જાત જ મને રોજ પછાડે છે, તો મારી આ જાતનો હું કઇ રીતે ઉધ્ધાર કરું?એને કઇ રીતે ઉગારું?14.00
આમ જોવા જઇએ તો સાવ સીધોસાદો રસ્તો છે: આપણા જ મનને પરાજિત કરવું, આપણા મન પર વિજય મેળવવો. પણ મનને પકડવાનું કામ એ પવનને પીંજરામાં પૂરવા જેવી વાત છે કે પાણીના દોરડાં વણવા જેવી વાત છે. એ મુશ્કેલ છે પણ અશક્ય નથી. પહેલાં તો મનને સાવ સ્વચ્છ—ડાઘડૂઘ વિનાના આરસના મહેલ જેવું કરવું જોઇએ. મહેલ શબ્દ સહેતુક વાપર્યો છે.એક નરી વિશાળતા, મોકળાશ હોવી જોઇએ. પૂર્વગ્રહ કે પક્ષપાતથી પર થવું જોઇએ. મન શાંત થવું જોઇએ. આ કોઇ રેસિપી નથી પણ જીવવા માટેની અનિવાર્યતા છે. શાંતિના જપ જપવાથી મન શાંત નથી થતું. બધું જ સારું સારું હોય અને આપણે સ્વસ્થતા ધારણ કરીને બેઠા હોઇએ એ સ્વસ્થતા કદાચ કાગળના કિલ્લા જેવી નીકળે.અસ્વસ્થ કરી મૂકે એવું વાતાવરણ હોય અને છતાં સ્વ્સ્થતા જાળવી શકીએ એ જ સાચી સ્વસ્થતા કહેવાય. આપણે કદીય સ્વસ્થ નથી. અન્યસ્થ છીએ. આપણે આપણા પિંડમાંથી બહાર નથી નીકળતા પણ સ્વકેંદ્રી છીએ. સ્વકેન્દ્રી માણસની આસપાસ એણે પોતે જ એટલા બધા અરીસાઓ ગોઠવ્યા હોય છે કે હંમેશાં એ પોતાનાં પ્રતિબિંબોને પહેરીને જ ચાલે છે. સ્વસ્થ માણસ તટસ્થ હોય છે. એ સૃષ્ટિમાં અભેદ જુએ છે. સુખ-દુઃખ, માન-અપમાન, માટી, પથ્થર, સોનું આ બધાં એને સરખાં જ લાગે છે. વૈષ્ણવજન પદમાં જે બે શબ્દો છે તે મહત્ત્વના છે : સમદૃષ્ટિ અને તૃષ્ણાત્યાગી. આ અવસ્થા ક્યારે શક્ય બને? માણસ પહેલાં એકાગ્રતા સાધે. માણસે પોતાના મનને પોતાની જ સ્વસ્થ્તાના બાજઠ પર સ્થાપવાનું હોય છે. એકાગ્ર માણસની આંખ સામે કોઇ એક જ બિંદુ હોય છે.મનને વશ, એનીઇન્દ્રિયોનુંહલનચલન કે એની ચહલપહલ થતી નથી.ઇન્દ્રિયોમાંથી ઇશ્વર તરફ જવા માટે મન માણસના વશમાં હોવું જોઇએ. માણસ મનના વશમાં ન હોઇ શકે. કોઇ પણ અંતિમો પર જીવવું એ યોગ નથી. કેવળ ખાવું કે કેવળ ઊંઘવું કે કેવળ ઉપવાસ કરવા- આ બધાં અંતિમો છે. જે સમત્વ સાધી શકે, જે અંતિમોની વચ્ચે સમતુલા સાધી શકે એને માટે યોગ શક્ય છે. ધ્યાન એ યોગની પરાકાષ્ઠા છે. આપણું મન આત્મામાં સ્થિર થાય એ ધ્યાન. આ મન પવન વિનાના સ્થાનમાં જેમ દીવો અડગ હોય એવું હોય છે. પિંડમાંથી બહાર નીકળીને આવો મનુષ્ય બ્રહ્મ સાથે અનુસંધાન સાધી શકે છે. એની પાસે સુખ-દુઃખના હિસાબ નથી. એ શાંત-પ્રશાંત છે. કામ, ક્રોધ ઇત્યાદિ એના રજોગુણો શમી ગયા છે. એ જ્યાં જ્યાં નજર કરે છે ત્યાં એને પરમાત્મા જ દેખાય છે. આવા માણસને ઇશ્વર કાયમને માટે પોતાનો જ ગણે છે. એ બ્રહ્મમાં વ્યાપ્ત છે અને બ્રહ્માંડ એનામાં. સમદૃષ્ટિને કારણે એને સૃષ્ટિ સંવાદથી હરીભરી લાગે છે. આ તો બધું કૃષ્ણ કરે પણ અર્જુન માની શકે કેમ? ચંચળ મનને સ્થિર કરવા માટે મહાવરો જોઇએ…. વાયુને અંકુશમાં લેવા જેવી વાત છે. મનની ચંચળતાને કારણે તો માણસ અતો ભ્રષ્ટ તતો ભ્ર્ષ્ટ થઇ જાય છે. અર્જુન કૃષ્ણને ફરીફરીને પૂછે છે કે ગમે તેમ કરો પણ મનની ચંચળતા વિશેનો મારો આ સંશય ટાળો. કૃષ્ણ કહે છે કે પહેલી વાતતો એ સમજવી જોઇએ કે આ લોક હોય કે પરલોક હોય, જે માણસ નિષ્કામ ભાવનાથી કલ્યાણકાર્ય કરે છે એની કદીય દુર્ગતિ થતી નથી. અર્જુનતો નશીબદાર કે એને સંશય પણ થયો. એ એટલો જાગ્રત છે. યોગભ્રષ્ટ આત્મા જેવો છે. યોગભ્રષ્ટ આત્મા હંમેશાં કર્મયોગીના કુળમાં જ જન્મ લે છે અને એની પાસે હોય છે પૂર્વજન્મના સંસ્કારના ધબકારા. એની ગતિ મોક્ષ તરફની હોય છેસાચો કર્મયોગી તપસ્વી જ્ઞાનયોગી કરતાં પણ મૂઠી ઊંચેરો છે. કર્મ અને યોગની વચ્ચે એ સાઅચવી રાખે છે અનાસક્તિ અને પરમાત્મા પ્રત્યેની શ્રધ્ધા. એ ચાલે ત્યારે માત્ર ચાલતો જ હોય છે. બેઠો હોય છે ત્યારે માત્ર બેઠો જ હોય છે. એનામાં ગતિશીલ સ્થિરતા અને સ્થિતિશીલ ગતિ હોય છે. એની વાણી, એનું મૌન, એનું વર્તન એ ધ્યાનના મહાવૃક્ષનાં પુષ્પ જેવાં હોય છે. કવિ વેણીભાઇ પુરોહિતનું આ ગીત રહીરહીને ઘૂંટવા જેવું છે:
સ્થિર કરો,
સ્થિર કરો પ્રભુ ! ચંચળ નયના,
રે પ્રભુ, સ્થિર કરો આ ચંચળ નયના.
લોભી, લંપટ, શંકિત, નટખટ,
લક્ષણ લાખ ઉભયનાં.
રે પ્રભુ, સ્થિર કરો આ ચંચળ નયના.
રમે રસાતલ, ચાંદો ચૂમત,
ક્ષણ અવનત ને ક્ષણમાં ઉન્નત,
તનનાં આ બે રતનદીપનાં
કામણ છે કિસલયનાં –રે પ્રભુ….
મંદિરમાં મૂરતનાં દર્શન,
દર્પણમાં સૂરતનાં દર્શન,
પણ સૂરત ને મૂરત ભીતર,
ઓજસ અરૂણોદયનાં—રે પ્રભુ….
પાંપણના સંપુટ્માં સપનાં,
છલકે—મલકે છાનાંછપનાં.
લોચન ગંગા, લોચન જમના,
લોચન પૂર પ્રલયનાં—રે પ્રભુ….
મૂરખ મનનો શાણો મારગ,
ત્યાં દોડે પરવશ મોહિત દૃગ,
તેથી પરવશ થઇ પૂછું કે—
ક્યાં છે કિરણ ઉદયનાં?—રે પ્રભુ….