ગુરુવાર,વીસમી નવેમ્બર2008 ને કારતક વદ આઠમ 2065
અધ્યાય :ચોથોભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
જડતાને જડમૂળથી ઉખેડે તે કૃષ્ણ
ગીતા વાંચવી એક વાત છે અને ગીતાને પામવી તે બીજી વાત છે.ગીતાના પ્રત્યેક અધ્યાયમાં યોગ શબ્દનું મહત્ત્વ છે. અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ, પ્રત્યેક સ્થિતિનું યોગમાં રૂપાંતર કરવું જોઇએ. વિષાદને પણ યોગ કહ્યો છે.વિષાદ જ્યારે યોગનું સ્વરૂપ લે છે ત્યારે વિષાદ વિષાદ રહેતો નથી. આપણી પાસે જ્ઞાન હોય,પણ જ્ઞાનનો ભાર હોય તો એ જ્ઞાન બોજો થાય છે.જ્ઞાનનો પણ ઘમંડ હોય છે.જે અહમ્ નો વિયોગ કરી શકે તે કોઇ પણ પરિસ્થિતિનું યોગમાં રૂપાંતર કરી શકે. આપણા પ્રત્યેક કર્મમાં ક્યાંક ને ક્યાંક સ્થૂળ કે સૂક્ષ્મ રીતે આપણો અહંકાર પોતાની દીઠી –અદીઠી ભૂમિકા ભજવતો હોય છે. કર્મ મહ્ત્ત્વનું છે. કર્તા કે કર્તાભાવ મહત્ત્વના નથી. ચોથા અધ્યાયનું નામ જ છે જ્ઞાનકર્મસન્યાસ યોગ. એક અધ્યાયમાંથી બીજા અધ્યાયમાં ગીતાની ગતિ ઊંચે ને ઊંચે જાય છે, પણ એ ગતિ વર્તુળાકારે ઊંચે જાય છે. પુનરાવર્તનો આવે અને એ સ્વાભાવિક પણ છે, કારણ કે વિષાદગ્રસ્ત અર્જુનના મનમાં કૃષ્ણે વાત ઠસાવવાની છે. માણસનું મન વિષાદી હોય ત્યારે કેટલીક વાત માણસ સાંભળે ખરો પણ તરત સમજે કે સ્વીકારે નહિ. આ મનની માટી એટ્લી ભીની હોય કે ક્યારેક કીડી પસાર થાય તો એની રૂપરેખા પણ અંકાઇ જાય અને હાથીપગલામાં એ માટી ઊંડે ને ઊંડે જતી જય.
કૃષ્ણ અર્જુનને ગીતા સંભળાવે છે. કર્મયોગની વાત કરે છે.પણ કહે છે કે એ વાત તો હું સદીઓથી કરતો આવ્યો છું. આ વાતતો પરંપરાથી મારા કંઠેથી વહેતી આવે છે આ વાત આદિત્યને કરી.આદિત્યે મનુને કરી. મનુએ ઇક્ષ્વાકુને કરી. અને રાજર્ષિઓ પણ આ વાતથી વંચિત નથી રહ્યા. આ વાત જેટલી પુરાતન છે એટલી નૂતન છે અથવા એમ કહી શકીએ કે વાત સનાતન છે. આ વાત ગમે તેને કહેવાતી નથી, પાત્ર અને પાત્રતા એ બન્નેને જોઇને વાત માંડી શકાય છે. અર્જુન આ બધું સાંભળીને નર્યો વિસ્મય અનુભવે છે. એને વિસ્મય એ વાતનો છે કે કૃષ્ણ હમણાં તો છે મારી સામે હાજરાહજૂર.કૃષ્ણ અને પરમ સખા, ભક્ત કહીને સંબોધે છે. તો શું કૃષ્ણ આ પહેલાં પણ હતા? કોઇ પણ સામાન્ય માણસને જેવું આશ્ચર્ય અને અચંબો થાય એવું અર્જુનને પણ થાય છે. કૃષ્ણ આ નિમિત્તે ઇશ્વરની અવતારલીલાની વાત કરે છે અને આડકતરી રીતે જન્મ અને પુનર્જન્મના પણ સંકેત આપે છે. સહેજ દીવાસળી ઘસી ને દીવો સળગાવ્યો એમ કૃષ્ણ અર્જુનના ચિત્તમાં દીવાની જ્યોત પ્રકટાવે છે. કહે છે કે આ પહેલાં માત્ર હું જ હતો એવું નથી. તું પણ હતો. આપણે બધાએ જનમજનમની અનેક કેડીઓમાંથી પસાર થવાનું છે. પોતાની જ માયામાંથી જેણે આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એ ઇશ્વર આવે છે નવે નામે, નવે રૂપે, પણ એના આત્મામાં પરિવર્તન થતું નથી.
ઇશ્વર ક્યારે આવે? બ્રહ્માંડમાં તો એક નિશ્ચિત લય છે, પણ લયનો જ્યારે પ્રલય થાય ત્યારે દૈવી તત્ત્વ ઉદય પામે છે. અધર્મનું જોર વધે, માણસજાત સાવ કમજોર થઇ જાય, ધર્મ નિષ્પ્રાણ થઇ જાય, ઉત્તમ માણસો ફેંકાઇ જતા હોય,અધમ માણસો વર્ચસ્વ જમાવતા હોય ત્યારે યુગે યુગે કૃષ્ણ જેવી વિભૂતિ અવતાર લે છે. સામાન્ય માણસ ને દૈવી માણસો વચ્ચેનો ફેર માત્ર એટલો જ છે કે સામાન્ય માણસ જન્મે છે—મરે છે, આહાર, નિદ્રા, ભય,મૈથુનનું જીવન જીવે છે; પણ ઇશ્વરનો જન્મ એ માત્ર જન્મ નથી પણ અવતાર છે. કારણકે એ વ્યક્તિ નથી પણ વિભૂતિછે એની સાથે દિવ્યતા સંકળાયેલી છે. પણ અવતાર આવે ને જાય તોયે, માણસો મહાન વિભૂતિને ઓળખી કે પામી શકતા નથી.હા, કોઇક એને પામે છે. કોઇક જ્ઞાની, કોઇક ભક્ત, કોઇક કબીર કે કોઇક મીરાં. કૃષ્ણને પામવા માટે એટલે કે દિવ્યતાને પામવા માટે માણસની પોતાની સજ્જતા હોવી જોઇએ. જેની પાસે સજ્જતા હોય છે તે લખચોર્યાશીના ચકરાવામાંથી મુક્ત થાય છે. પણ આ સજ્જતા એટલે શું? જે રાગ, ભય અને ક્રોધથી સાવ મુક્ત હોય; જેની શ્રધ્ધા અચળ અને અવિચળ હોય, જે પૂર્ણપણે ઇશ્વરનો એટલે કે દૈવી તત્ત્વનો થઇ ગયો હોય એવો કોઇક જ્ઞાની જ ઇશ્વરને પામી શકે.જ્ઞાન જ અનિવાર્ય નથી. કેવળ ભક્તિ હોય તો તે પણપૂરતી છે. તમે ઇશ્વર સમક્ષ કઇ રીતે, ક્યા ભાવથી એની પાસે જાઓ છો એના આધારે જ ઇશ્વર પ્રગટ થાય છે.ઇશ્વરનો આકાર એ બીજું કંઇ જ નહિ પણ તમારા ભાવ અને ભાવનાનો આકાર છે. અપેક્ષા વિના જાઓ તો ઇશ્વર ફળે. રસ્તા અનેક છે.ઇશ્વર એક છે.મનુષ્યલોકમાં માણસ કર્મ કરે છે એ કર્મનાં ફળ એને મળે છે.પણ કેવળ ફળ પર ધ્યાન રાખ્યું તો કર્મ ગૌણ બની જાય છે ને ફળ મુખ્ય બની જાય છે. ઇશ્વર પોતે પણ પોતાની માયામાંથી આ સૃષ્ટિનું સર્જન કરે છે. પણ એની પાસે એનો કર્તાભાવ નથી. એટલે જ એને કર્મનું બંધન નથી લાગતું.એટલે જ એ અવિનાશી છે. જે માણસ ફળની સ્પૃહા વિના કર્મ કરે તેને બંધનો નથી હોતાં. અને એટલે જ એનું કર્મ કર્મયોગનું સ્વરૂપ લે છે.
વાત એવી છે કે ભલભલા વિદ્વાનો મૂંઝાઇ જાય. કેટલાકને તો ખબર પણ નથીકે કર્મ એટલે શું? અકર્મ એટલે શું?વિકર્મ કે વિશિષ્ટકર્મ એટલે શું? માણસ પાસે નિર્ણયશક્તિ ને તારતમ્ય બુધ્ધિ હોવાં જોઇએ. સાચાં અને ખોટાં કર્મોનો ભેદ શો છે એની કોઠાસૂઝ હોવી જોઇએ જ્ઞાનીઓ પોતાના જ્ઞાનના યજ્ઞથી જ્ઞાનના અગ્નિમાં પોતાની કામનાઓ, હેતુઓ એ બધાંને બાળી નાખે છે અને આવા પુરુષોને જ્ઞાની પુરુષ કહીએ છીએ.
કેન્દ્રમાં કર્મ છે, પણ સામાન્ય માણસના કેન્દ્રમાં કર્તા પણ હોય છે. કર્તાભાવ એટલે અહંભાવ. “હું કરું,હું કરું”નો શોરબકોર. સચ્ચાઇ અને નિષ્ઠાથી યોગ્ય કર્મ કરીએ અને ફળની આશા કે લાલચ છોડી દઇએ તો કર્મ કર્મયોગ બને. મોટા ભાગના માણસો આસક્તિમાં જ અટવાતા હોય છે. કર્મ કરવાનું, પણ આસક્તિ નહિ. એક વાર આસક્તિ આવી એટલે મનમાં પ્રદૂષણો પેઠાં.લોભ, લાલચ, પરિગ્રહવૃત્તિ, સુખ અને દુઃખનાં દ્વંદ્વો, સિધ્ધિ અને અસિધ્ધિ, જય અને પરાજય, લાભ અને હાનિ—માણસ આવી ગલીકૂંચીમાં પેસી જાય એટલે રાજમાર્ગથી વેગળો જ રહેવાનો.
સમગ્ર સૃષ્ટિને એક યજ્ઞરૂપે જોઇએ અને આપણાં કર્મોને એમાં આપેલી આહુતિરૂપે જોઇએ તો પછી પ્રશ્નો નહિ રહે. અગ્નિ અનેક પ્રકારના હોય છે. આમાં ઉત્તમમાં ઉત્તમ અગ્નિ એ સંયમનો અગ્નિ.ઇન્દ્રિયો ઇન્દ્રિયોના ધર્મો ભલે પાળે પણ એ દરેકની પાછળ સંયમ અને આત્મનિગ્ર્હ હોવા જોઇએ. જ્યાં આ નથી હોતું ત્યાં મનુષ્યહૃદયમાં વિગ્રહ હોય છે. કુરુક્ષેત્ર હોય છે.જ્યાં કુરુક્ષેત્ર હોય છે ત્યાં કૌરવ અને પાંડવોનાં દ્વંદ્વ હોય છે. આપણા પ્રત્યેકમાં એક અર્જુન છે જે અનુકૂળતા-પ્રતિકૂળતા પ્રમાણે હા કે ના પાડતો હોય છે,ક્યારેક એ સંશયમાં શેકાતો હોય છે. એના મનમાં પાર વિનાનાં કરોળિયાનાં જાળાં હોય છેજેને કોઇક જ – કૃષ્ણ જેવો જ—મિત્ર વેરવિખેર કરી શકે. અંધકાર કે અંધકાર જેવા ધુમ્મસમાં આપણે અટવાઇએ છીએ. ક્યાંક સ્થિર થઇને ઊભા પણ નથી રહેવું કે આગળ ગતિ કરવી નથી. એક પ્રકારની જડતા—શૂન્યતા આપણને ઘેરી વળે છે. આપણે ઉદાસ અને ઉદાસીન થઇ જઇએ છીએ. કૃષ્ણનું કાર્ય આપણી જડતાને જડમૂળથી ઉખેડવાનું છે, એટલું જ નહિ પણ ઊખડી ગયેલ આપણને આપણી ભૂમિમાં રોપવાનું છે.
યજ્ઞની ભાવનાથી જે કાંઇ કરીએ છીએ અને પછી જે શેષ રહે છે તે બીજું કશું નહિ પણ ઇશ્વર્નો વિશેષ પ્રસાદ છે. ઉમાશંકર જોશીનું એક મુક્તક યાદ આવે છે :
પ્રભો આ પ્રેમની પૂંજી,
ધરું છું આપને પદે
વ્હેંચ એ સર્વ જીવોમાં
વધે તો અહીં લાવજે.
આ અધ્યાયનું નામ જ્ઞાનકર્મ-સન્યાસયોગ છે.સન્યાસ એટલે ત્યાગ. ત્યાગ કોણ કરી શકે?જેની પાસે કંઇક હોય એ ત્યાગ કરી શકે. અહીં જ્ઞાનનો ત્યાગ નથી કરવાનો પણ જ્ઞાનની પાછળ જે અહંકાર છે એનો ત્યાગ કરવાનો છે. અહીં કર્મનો ત્યાગ નથી કરવાનો પણ કર્મની સાથે જે બંધનોનો પાશ છે એનો ત્યાગ કરવાનો છે. આપણે જે કાંઇ કરીએ એ વિરાટ યજ્ઞમાં આહુતિરૂપે જ કરીએ. સ્વકલ્યાણ એ ઉંબરો છે અને લોકકલ્યાણ એ ક્ષિતિજ છે. જ્ઞાન શંકાને છેદીભેદી નાખે છે. જેની પાસે જ્ઞાનનથી અને શ્રધ્ધા પણ નથી એવા શંકાશીલ જીવો માટે ઇહલોક કે પરલોકમાં કોઇ સુખચેન નથી. જે આત્મનિષ્ઠ નથી અને જેની પ્રતિષ્ઠા પોતાના સ્વમાં નથી તે હંમેશાં બાવરો અને બેબાકળો છે. જ્ઞાન તલવારનું કામ કરે છે અને સંસયનો વધ કરે છે. જ્ઞાનનો પણ અગ્નિ છે અને એ પાવક થઇને આપણાં પાપકર્મને પ્રજાળે છે. માણસે જો જીવવાની સાર્થકતા પામવી હોય તો એની પાસે જ્ઞાનથી પવિત્ર થયેલું કર્મ હોવું જોઇએ અને કર્મથી સંયુક્ત જ્ઞાન હોવું જોઇએ. જ્ઞાન અને કર્મની બે પાંખ નીચે જે માણસ હોય છે એ સ્થિર થઇને પણ ગહન આત્મામાં ઉડ્ડયન કરી શકે છે.
u best apne asa kiya