ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક:17
રહસિ સંવિદં હૃચ્છયોદયં પ્રહસિતાનનં પ્રેમ વીક્ષણમ્
બૃહદુરઃ શ્રિયો વીક્ષ્ય ધામ તે મુહુરતિસ્પૃહા મુહ્યતે મનઃ
હે પ્રિય, પ્રિયતમ! એકાંતમાં તમારી સાથે જે મિલનની આકાંક્ષા જન્મી એ પળેપળે વધુ ને વધુ પ્રદીપ્ત થયા કરેછે.એકાંતનો આપણો સહવાસ સતત યાદ છે.તમારું અમારા તરફનું સ્મિત, એ સ્મિતથી મન અને પ્રાણ પુલકિત અને પ્રફુલ્લિત.તમારું એ વિશાળ વક્ષ:સ્થળ, જેમાં લક્ષ્મી કાયમનો નિવાસ કરતી હોય. આ બધું અમને ઉન્મત્ત કરે છે. અમારી ઝંખના વધુ ને વધુ તીવ્ર થાય છે, અને અમારું મન અતિશય સ્પૃહાથી તમારા તરફના મોહમાં તણાઇ રહ્યુંછે.
મુને ઘેલી કરી.
મુખ્ય વાત તો આત્માની કાળી રાતમાંથી પસાર થઇને પરમાત્માની ઊજળી રાતમાં ઠરવાની છે.(ઠરી ઠામ થવાની છે)મોહનનો મંત્ર એવો છે કે એ પ્રાણી માત્રને વિવશ કરે. ગોપીઓ તો એટલી હદે વિવશ છે કે બધું જ છોડીને આવી છે. ગોપીએ એકવાર કૃષ્ણનો સ્વાદ ચાખ્યો છે. ગોપીનું તન-મન-સમગ્ર ચૈતન્ય કૃષ્ણથી પવિત્ર થયેલું છે. કૃષ્ણ સાથે એકાંત માણ્યું છે. કોઇકે કહ્યું’તું કે કામનો પિતા એકાંત છે. એકાંત જો કામનો પિતા હોય તો એજ એકાંત ધ્યાનનો પણ પિતા છે,એકાંતમાં બે વ્યક્તિઓ મળે છે. એકાંતમાં જીવ અને શિવ મળે છે.અત્યારે તો ગોપીનીપરિસ્થિતિ એવી છે કે કવિ નાનાલાલની પંક્તિ યાદ આવે. “ઉરના એકાંત મારાં ભડકે બળે” આ વિરહની આગ છે.ગોપી સંસારના તાપ અને સંતાપમાંથી છૂટી, એવો સમય આવ્યો કે કૃષ્ણને કારણે –કૃષ્ણને કારણે –કૃષ્ણના સુધામય સ્મિતને કારણે જાણે શીતળ ચાંદનીનો અનુભવ થયો. અત્યારે તો ચાંદનીની લૂ વાય છે. હૃદયમાં વૈશાખ છે,આંખમાં શ્રાવણ છે. અનંતશ્રીકરપાત્રીજી મહારાજે ગોપી-ગીતમાં આ શ્લોકના સંદર્ભમાં એવું લખ્યું છે કે એક ક્ષણ એમ માનો કે ભગવાન પોતે ગોપીને કહી શકે કે “હે ગોપી-ગોપાંગનાઓ, તમે જો એમ જાણોછો કે હું કપટી છું,નિર્દય હૃદયી છું, તો એ સ્વીકારી લો. તમે સંસારમાં કંઇક ઊણું અધૂરું અનુભવ્યું હશે. એની વિફળતા જાણી હશે. એટલે તો તમે બધી ગોપીઓ અહીંયા આવી.સંસારમાં તમને દોષ દર્શન દેખાયું હોય અને મારામાં પણ તમને દોષ દેખાયા હોય તો ઉત્તમ રસ્તો એ છેકે તમે પૂર્ણપણે વિરક્ત થઇ જાઓ.પૂર્ણ વૈરાગ્યનો સ્વીકાર કરો.મારા મોહમાં શું કામ અટવાઇ ગયા છો?”
શ્લોકોમાં માત્ર ભાવનું પુનરાવર્તન નથી, શબ્દનું પુનરાવર્તન પણ છે. દાખલા તરીકે આ પહેલાં કેટલાક શબ્દો આવી જ ગયા છે. –રહસિ સંવિદં, પ્રહસિતાનનં,પ્રેમવીક્ષણમ્ આ શ્અબ્દોનું પુનરાવર્તન એટલા માટે પણ છેકે પ્રત્યેક ગોપીની હૃદયભૂમિકા તો એક જ છે એટલે વાતની ભૂમિકા પણ એ જ હોય.આ વાત છંદમાં થાય છે., ગીતમાં થાય છે. કેટલાક શબ્દો એના એ છંદને કારણે પણ આવે. ગોપીનો અનુરાગ માત્ર કૃષ્ણમાં સ્થિર થયો છે. એકવાર અનુરાગ સ્થિર થાય પછી એમાં બીજા કોઇ પ્રત્યે જોવાપણું બાકી રહેતું નથી.કૃષ્ણ ભલે કહે કે તમે મારાથી વિરક્ત થઇ જાઓ. કૃષ્ણ તો સુંદર છે જ. પણ અસુંદર હોય તો પણ ગોપી કદી યે કૃષ્ણથી વિમુખ ન થઇ શકે.કૃષ્ણને જે કરવું હોય તે કરે પણ ગોપીની ગાગર કૃષ્ણના જળ સિવાય કોઇનાથી સભર થાય નહીં. એકાંતમાં જ્યારે કૃષ્ણ મળ્યા હશે અને જ્યારે કૃષ્ણે પ્રેમભરી, સ્મિતભરી નજરે ગોપી તરફ જોયું હશે ત્યારે કૃષ્ણની આંખમાં પણ પ્રેમનો એકરાર અને સંમતિ હશે. આંખ ચાડીખોર હોય છે. હૃદયની વાત એ ઢાંકી શકતી નથી.