માતૃગુંજન//કવિ બોટાદકર
April 5, 2008
શુક્રવાર ફાગણ વદ તેરસ2064 ને ચોથી એપ્રિલ 2008
માતૃગુંજન// કવિ બોટાદકર
આછાં નીચે ઊછળી રહી રે પેલી વાહિની વાધે,
આંસુભરી અલબેલડી રે આજ સાસરી સાધે.
વ્હાલા અનેક વળામણે રે એક અંતર ફાટે;
જેઠતપી રહ્યો જગતમાં રે એને શ્રાવણ આંખે.
આજ મરી જતી માવડી રે એને કાળજે કાણાં;
દૂધ ભર્યું હજી દાંતમાં રે એને આપવાં આણાં.
ઢોલીડા ! ઢોલ ઢબૂકતો ઘડી રોકજે તારો,
ઘાવ ઊંડા ઘટ્માં પડે રે નથી વેઠવા વારો.
ઘમઘમ ગાજ્તી ગોંદરે આવી વેલડી ઊભી,
રોકી શકે નહીં રાંકડી રે જતી મહિયર-મોંઘી.
ધોરી! ધીરે તમે ચાલજો રે મારું ફૂલ ન ફરકે,
ઊડી જશે પળ એકમાં રે એનું કાળજું ધડકે.
સાસરવાટ શિલાભરી રે એને છેક અજાણી,
ક્યાંય શીળી નથી છાંયડીરે નથી પંથમાં પાણી.
લાજભરી મારી લાડકી રે એને મોઢડે તાળાં,
કોણ પળેપળ પૂછશે રે દુઃખી જોઇ દયાળાં.
આજે તપે ક્યમ આવડો રે કે’ને સૂરજ શાણા?
ખાલી ઉરે ખમશે નહીં રે તીણા ન્હોર એ તારા.
આગ ભલે મુજ અંતર રે વરસાવજે વીરા!
જાઇનો પંથ તો જાળવી રે રથ ખેડજે રૂડા.
ઊડતી વાટે વસુમતી! રે તારી રોકજે રેણુ,
કમળથકી કોમળું રે બહેની! છે અંગ એનું.
ઊંચાનીચા તારા અંગને રે સખિ ! દેજે શમાવી, જાત કઠણ એને જોઇને રે ઘડી કરજે સુંવાળી.
વનવન વીંઝાતા વાયરા રે એને સાચવી વાજો, વીર સમાન વળાવિયા રે વાટે ઠાવકા થાજો. ઘામ વળે એને ઘૂમટે રે ઝીણા વીંઝણા દેજો, પાલવડાને પલાળતાં રે લૂછી આંસુડાં લેજો.
વ્હાલભરી વનદેવીઓ રે ઊંડા આદર દેજો,
જતન કરી એના જીવનું રે મીઠાં મીઠડાં લેજો.
ઝૂકી રહ્યાં પંથ ઝાડવાં રે દેજો સોરમ છાયા,
એક ઘડી એને કારણે રે મન રાખજો માયા
વાટનાં વીર વિહંગડા રે ! એની સોબતે રે’જો,
ગીત નવાં નવાં ગાઇને રે ઊંડી ધીરજ દેજો.
હૈયાસૂની હબકી જતી રે એને રાખજો રાજી,
મેં તો ત્યજી હવે હાથથી રે હતી જાળવી ઝાઝી.
દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી,
જોઇ-ન-જોઇ વહી જતી રે વનપંખણી જેવી.
આજ માડી તારે આંગણે રે રૂડા રાસડા લેતી,
કાલ અગોચર ભોમમાં રે ડગ ધ્રૂજતાં દેતી.
સાયર સાચલ સાસરું રે એનાં નીર તો ઊંડા,
દોડી દોડી કરે ડોકિયાં રે મહીં જળચર ભૂંડા.
મીઠા તળાવની માછલી રે પાણી એ ક્યમ પીશે?
ઘેરા એના ઘૂઘવાટથી રે મારી બાળકી બીશે.
જાય અહો!વહી વેલડી રે, વીલી માત વિમાસે;
સૂનું થયું જગ સામડું રે ભૂમિ ડોલતી ભાસે.
ઊનો અનિલ આ એકલો રે વહે ધ્રુસકાં ધીરે,
હાય! હણાયેલી માતને રે ચડી અંતર ચીરે.
કવિ બોટાદકર
Entry Filed under: Uncategorized. Tags: Add new tag.
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
pragnaju | April 5, 2008 at 4:46 pm
આ કાવ્ય શોધતી જ હતી
ધન્યવાદ
જાય અહો!વહી વેલડી રે, વીલી માત વિમાસે;
સૂનું થયું જગ સામડું રે ભૂમિ ડોલતી ભાસે.
ઊનો અનિલ આ એકલો રે વહે ધ્રુસકાં ધીરે,
હાય! હણાયેલી માતને રે ચડી અંતર ચીરે.
…વાંચતા તો આંખ ભીની ભીની