28/08/2007**શ્રાવણ સુદ પુનમ**રક્ષા બંધન**2063 મંગળવાર
રાધાજી દ્વારકામાં
રાધાજી ક્રૂષ્ણથી વિખૂટા પડ્યા બાદ વરસો પછી પોતાના પ્રિયતમને મળવા દ્વારકા પ્રભુને મહેલે ગયા, મહેલના દરવાનો તેમના અલૌકિક તેજથી અંજાઇ ગયા, કોઇને પણ તેમને અટકાવવાનું સૂઝયું નહીં, એક દરવાને દોડીને પ્રભુને સમાચાર આપ્યા કે પોતાને રાધા તરીકે ઓળખાવતી નારી ગોકુળથી આવી છે અને આપને મળવા માંગેછે,
રાધાનું નામ સાંભળતાં પ્રભુએ હીંચકામાંથી ઠેકડો માર્યો ને રઘવાટભર્યા દરવાજાતરફ દોડ્યા, દોડતા દોડતા ક્યારેક પીતાંબર પગમાં અટવાઇ જાય તેથી પડે, ફરી ઉભા થઇને દોડે, છેવટે દરવાજામાંથી પ્રવેશ કરતી પ્રિયતમાને ભેટી પડ્યા,આ જોઇ રુક્મણીજી બળીને બાવટો થઇ ગયા, મારી હાજરીમાં પરસ્ત્રીને આમ ભેટી જ કેવી રીતે શકે? છતાં યે તેઓ મૌન રહ્યા. કનૈયો રાધાને હીંચકામાં બેસાડી, હીંચકા ખાતા ખાતા બંને વાતે વળગ્યા,થોડી વાર બાદ પ્રભુએ રુકમણીજીને કહ્યું “મહેમાનની કંઇ આગતા સ્વાગતા નહીં કરો?”
રુકમણીજીએ દાસીને હુકમ કર્યો “ એકદમ ઉકળતું દૂધ મીશ્રી નાંખીને લાવ” દાસીએ પૂછ્યું “ઉકળતું કેમ, મહારાણી?” અત્યંત આવેશપૂર્વકમહારાણીએ કહ્યું” હું જેમ હુકમ કરું એમ તારે કરવાનું,નાહકના સવાલ –જવાબ નહીં કરવાના, સમજી?”
દાસી દૂધ ગરમ કરી સાણસી તેમજ પોતાની સાડીના છેડાથી વાસણને પકડી રાણી પાસે લાવી, રાણીએ માંડ માંડ વાસણમાંથી દૂધ કટોરામાં રેડી રાધાજી પાસે ધર્યું. વાતોમાં મગ્ન રાધાજી જાણે ઠંડુ પાણી પીતા હોય તેમ દૂધ ગટક ગટક પી ગયા, રુકમણીજી તથા હાજર હતા એ સૌ નવાઇ પામ્યા, પાછા બંને પહેલાની જેમ વાતોમાં મશ્ગુલ થઇ ગયા. પછી રાધાજીએ વિદાય થવા પ્રભુની રજા માંગી,પ્રભુ સ્વયં તેમને વળાવવા ગયા.
રુકમણીજીએ આવતાંવેંત પ્રભુને પૂછયું “આ તમારા મેહમાન તો ભારે અદભુત, અમે જે દૂધ કટોરામાં ઠાલવતા પણ ગભરાતા’તા તે આ બેન તો માટલાના પાણીની જેમ પી ગયા, એને કાંઇ ન થયું મોઢામાં?” પ્રભુએ વાણીથી જવાબ ન આપ્યો, મોઢું ખોલ્યું તો આખા મોંમાં ચાંદા પડેલા સૌએ જોયા.